દિલ્હી: યુવતીની મારપીટ પહેલા યુવકે કર્યો હતો રેપ, આરોપીની ધરપકડ

દિલ્હીમાં યુવતીની નિર્દયતાથી પીટાઈ કરવાનો વીડિયો સામે આવ્યાં બાદ મામલાએ તૂલ પકડ્યું છે. પીડિત યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં યુવક પર રેપનો આરોપ લગાવ્યો છે.

Updated: Sep 14, 2018, 04:21 PM IST
દિલ્હી: યુવતીની મારપીટ પહેલા યુવકે કર્યો હતો રેપ, આરોપીની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીમાં યુવતીની નિર્દયતાથી પીટાઈ કરવાનો વીડિયો સામે આવ્યાં બાદ મામલાએ તૂલ પકડ્યું છે. પીડિત યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં યુવક પર રેપનો આરોપ લગાવ્યો છે. તેણે પોલીસને જણાવ્યું છે કે આરોપી યુવકે તેને 2 સપ્ટેમ્બરે તેના ઉત્તમનગર સ્થિત મિત્રની ઓફિસમાં બોલાવી અને તેનો રેપ  કર્યો. ત્યારબાદ તેની સાથે મારપીટની ઘટનાને અંજામ આપ્યો. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા યુવકની ધરપકડ કરી લીધી છે. યુવકને એક દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે. અત્રે જણાવવાનું કે ઉત્તમનગર વિસ્તાર સ્થિત એક કોલ સેન્ટરમાં યુવતીને નિર્દયતાથી મારવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ આ મામલાને ગંભારતાથી લીધો અને પોલીસને કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યાં હતાં. 

પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યાં બાદ આરોપી યુવક રોહિત વિરુદ્ધ આઈપીસીની કલમ 376 અને 323 હેઠળ કેસ દાખલ કર્યો છે. અત્રે જણાવવાનું કે આરોપી યુવકના પિતા દિલ્હી પોલીસમાં જ નારકોટિક્સ વિભાગમાં એએસઆઈના પદે તહેનાત છે. 

શું છે મામલો?
ઉત્તમ નગર વિસ્તારમાં એક કોલ સેન્ટરમાં યુવકે યુવતીની નિર્દયતાથી પીટાઈ કરી હોવાનો મામલો સામે આવ્યો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો. વીડિયોમાં મારપીટ કરતા યુવકનું નામ રોહિત છે. વીડિયોમાં તે એક યુવતીને ખુબ જ ખરાબ રીતે માર મારી રહ્યો છે. યુવતી બીચારી તેનો વિરોધ કરી શકે તે સ્થિતિમાં પણ નહતી.  યુવતીને માર મારતો આ વીડિયો અન્ય એક યુવતીને પણ મોકલી દીધો હતો. સાથે જ જે યુવતીને આ વીડિયો મોકલ્યો હતો તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે યુવતી તેની સાથે લગ્ન નહી કરે તો તેની પણ આવી જ હાલત કરવામાં આવશે. જો કે યુવતીએ હિમ્મત દેખાડીને તેની ફરિયાદ પોલીસમાં કરી દીધી. 

રાજનાથ સિંહે ગંભીરતાથી નોંધ લીધી
વીડિયો વાઈરલ થતા ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે આજે ટ્વિટ કરીને કહ્યું કે દિલ્હીના તિલકનગરમાં એક વ્યક્તિ દ્વારા યુવતીને નિર્દયતાથી મારવાનો વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. આ મામલે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે.