શિવસેના ધારાસભ્ય દળની બેઠક પૂરી, આદિત્ય નહીં, એકનાથ શિંદે બન્યા નેતા

મુંબઈમાં યોજાયેલી શિવસેનાના ધારાસભ્ય દળની બેઠક પૂરી થઈ ગઈ છે. પાર્ટીએ એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા ચૂંટ્યા છે. 

શિવસેના ધારાસભ્ય દળની બેઠક પૂરી, આદિત્ય નહીં, એકનાથ શિંદે બન્યા નેતા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાના એક સપ્તાહનો સમય થઈ ગયો છે પરંતુ સત્તા માટે ખેંચતાણ હજુ સુધી ચાલી રહી છે. ભાજપ અને શિવસેના વચ્ચે હજુ 50-50 પર મામલો અટક્યો છે. આ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય દળની બેઠકમાં એકનાથ શિંદેને નેતા ચૂંટવામાં આવ્યા છે. તે માટે આદિત્ય ઠાકરેએ પ્રસ્તાવ રાખ્યો હતો, જેના પર શિવસેનાના તમામ 56 ધારાસભ્યોએ સહમતિ આપી હતી. પરંતુ તેનો અર્થ એવો નથી કે આદિત્ય ઠાકરેની મુખ્યપ્રધાન બનવાની સંભાવના પૂરી થઈ ગઈ છે. એકનાથને નેતા બનાવ્યા બાદ પણ શિવસેના આદિત્ય ઠાકરેને સીએમ માટે આગળ કરી શકે છે. તો સુનીલ પ્રભુને ગૃહમાં પાર્ટીના ચીફ વિપ બનાવવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના છે. તેવામાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. 

26:13ના ફોર્મ્યુલા પર બનશે વાત?
સૂત્રો પ્રમાણે શિવસેનાની બેઠકમાં ભાજપની નાયબ મુખ્યપ્રધાનની ઓફર પર ચર્ચા થઈ નથી. જાણવા મળ્યું હતું કે ભાજપે શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન પદની સાથે 13 મંત્રી પદ આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપના સૂત્રો પ્રમાણે ફડણવીસ શિવસેનાના પ્રમુખ સાથે વાત કરી શકે છે. ભાજપે જે પ્રસ્તાવ તૈયાર કર્યો છે, તે મુજબ 26 મંત્રી પદ તેની પાસે રાખશે અને 13 શિવસેનાને આપશે. ભાજપ મહેસૂલ, નાણા, ગૃહ અને શહેરી વિકાસ જેવા મહત્વના મંત્રાલય પોતાની પાસે રાખી શકે છે. કેટલા કેબિનેટ સ્તરના હશે, આ વાતચીત બાદ નક્કી થશે. 

આદિત્ય નહીં એકનાથ, શિવસેનાનો ગેમપ્લાન
તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે બેઠકમાં આદિત્ય ઠાકરેને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે. પરંતુ આદિત્ય ઠાકરેએ પોતે એકનાથ શિંદેના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેથી સમજી શકાય કે સત્તાને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે શિવસેના પોતાના નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે એક સકારાત્મક સંદેશ આપવા માટે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રોજેક્ટ કર્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news