370 એ આતંરિક મુદ્દો, અમે ભારતની સાથે, અમારા પ્રવાસને ખોટી રીતે જોવામાં આવ્યો: EU સાંસદ

જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જૂઠ્ઠાણાનો આખરે વિદેશી પ્રતિનિધિમંડળે પર્દાફાશ કરી દીધો. યુરોપિયન સંઘના સાંસદોએ પોતાની આંખે જોયેલા સત્યને બુધવારે દુનિયા સમક્ષ રજુ કર્યું.

370 એ આતંરિક મુદ્દો, અમે ભારતની સાથે, અમારા પ્રવાસને ખોટી રીતે જોવામાં આવ્યો: EU સાંસદ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જૂઠ્ઠાણાનો આખરે વિદેશી પ્રતિનિધિમંડળે પર્દાફાશ કરી દીધો. યુરોપિયન સંઘના સાંસદોએ પોતાની આંખે જોયેલા સત્યને બુધવારે દુનિયા સમક્ષ રજુ કર્યું. અહીંની સ્થિતિ અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કર્યા બાદ વિદેશી સાંસદોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આંખો દેખી હકીકત રજુ કરી. તેમણે કહ્યું કે કલમ 370 એ ભારતનો આંતરિક મુદ્દો છે અને અમે ભારતની સાથે છીએ. ઈયુ સાંસદોએ કહ્યું કે ભારત એક શાંતિપ્રિય દેશ છે અને કાશ્મીરના લોકોને સરકારથી બહુ આશાઓ છે. કાશ્મીરના લોકો શાંતિ અને વિકાસ ઈચ્છે છે. વિદેશી સાંસદોએ કાશ્મીર ખીણમાં આતંકીઓ મોકલવાના અને તેમને સમર્થન કરવાને લઈને પાકિસ્તાનને આડે હાથ લીધું. યુરોપિયન સાંસદોના આ નિવેદનથી પાકિસ્તાનને મોટો આઘાત લાગ્યો હશે.

જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયેલા 23 યુરોપીયન સાંસદોએ આતંકવાદના મુદ્દે ભારત પ્રત્યે પોતાનું સમર્થન આપ્યું હતું. તેમણે એક સૂરમાં કહ્યું હતું કે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. એક EU સાંસદે ભારતનું ભરપૂર સમર્થન કરતા કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં પાકિસ્તાન દ્વારા આતંકીઓને ફંડિંગ થાય છે. સાંસદોએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ મોટી સમસ્યા છે અને તેના વિરુદ્ધ જંગમાં અમે ભારતની સાથે છીએ. 

જાણકારી મેળવવા કાશ્મીર ગયા
યુરોપીયન સંસદના સભ્ય થિયરી મરિયાનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું લગભગ 20 વાર ભારત આવી ચૂક્યો છું. આ અગાઉ દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ જેવા શહેરોમાં ગયો હતો. અમારો લક્ષ્યાંક જમ્મુ અને કાશ્મીરને લઈને જાણકારી મેળવવાનો હતો. કાશ્મીરમાં સ્થિતિ લગભગ ઉકેલવાની અણીએ છે. એક સાંસદે કહ્યું કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. જેની સામે બધા લોકો ઝઝૂમી રહ્યાં છે. આ મુદ્દે આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે અમે અમારા પ્રવાસમાં એક્ટિવિસ્ટ્સ સાથે પણ મુલાકાત કરી. જેમણે શાંતિને લઈને પોતાનું વિઝન રજુ કર્યું. મરિયાનીએ કહ્યું કે અમે સિવિલ સોસાયટીના સભ્યો સાથે પણ મુલાકાત કરી. 

જુઓ LIVE TV

મજૂરોની હત્યાને દર્દનાક ગણાવી
સાંસદ બિલ ન્યૂટને  મંગળવારે મજૂરોની જે હત્યા કરાઈ તેને દર્દનાક ગણાવી. તેમણે કહ્યું કે આતંકીઓ તરફથી આવી હત્યા કરાય તે દર્દનાક છે. ન્યૂટને  કહ્યું કે ભારતનો હંમેશાથી શાંતિનો ઈતિહાસ રહ્યો છે. ગઈ કાલે અમે સિવિલ સોસાઈટીના લોકો સહિત અનેક લોકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ અહીં કેન્દ્ર  સરકાર  દ્વારા આવતા પૈસામાં ભ્રષ્ટાચારની પણ વાત કરી. 

એક અન્ય સાંસદે કહ્યું કે આપણે ભારતનું સમર્થન કરવાની જરૂર છે. ભારત દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે. નોંધનીય છે કે યુરોપીયન સાંસદના 23 સભ્યો મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બે દિવસના પ્રવાસે પહોંચ્યાં હતાં. ઈયુ સાંસદોના આ પ્રવાસ પર વિપક્ષી દળોએ સવાલો પણ ઉઠાવ્યાં હતાં કે જ્યારે દેશના સાંસદોને એરપોર્ટથી જ પાછા મોકલી દેવાય છે ત્યારે વિદેશી સાંસદોને કાશ્મીરમાં એન્ટ્રી કેમ અપાઈ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news