માસ્ટર સ્ટ્રોક કહેવાતી લઘુત્તમ આવક યોજનાથી રૂ.1500 અબજનો બોજો, છતાં દેવામાફીથી સારી

1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા વચગાળાના બજેટમાં ગરીબો માટે લઘુત્તમ આવકની યોજનાની જાહેરાત થવાની સંભાવના છે, તેનાથી દેશ પર ઓછામાં ઓછો રૂ.1500 અબજનો બોજો પડશે 

માસ્ટર સ્ટ્રોક કહેવાતી લઘુત્તમ આવક યોજનાથી રૂ.1500 અબજનો બોજો, છતાં દેવામાફીથી સારી

મુંબઈઃ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા વચગાળાના બજેટમાં ગરીબો માટે લઘુત્તમ આવકની યોજનાની જાહેરાત થવાની સંભાવના છે. તેનાથી દેશ પર ઓછામાં ઓછો રૂ.1500 અબજનો બોજો પડશે. જોકે, ખેડૂતોના દેવામાફી કરતાં આ વધુ સારો વિકલ્પ સાબિત થશે. ઘરેલુ રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે મંગળવારે આવો આશાવાદ વ્યક્ત કર્યો છે. 

એજન્સીએ જણાવ્યું કે, વિરોધ પક્ષ કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં સત્તામાં આવ્યા બાદ લઘુત્તમ આવક યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. ત્યાર બાદ એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે, આગામી બજેટમાં આ પ્રકારની કોઈ યોજના પણ આવી શકે છે. 

ખેડૂતોના દેવામાફી કરતાં સારો વિકલ્પ
એજન્સી તરફથી જણાવાયું છે કે, કેન્દ્ર તરફથી પ્રાયોજિત લઘુત્તમ આવક યોજના ખેડૂતોના દેવામાફી કરતાં વધુ સારો વિકલ્પ છે. તેલંગાણાની રેત બંધુ યોજાની જેમ સરકાર 2019-20ના વચગાળાના બજેટમાં ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનું બજેટ ખેડૂતોનું સંકટ દૂર કરવાના ઉપાયો પર આધારિત હશે. 

દર વર્ષ પ્રતિ એકર રૂ.8 હજારની રકમ
વચગાળાના બજેટમાં નાના અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને પ્રતિ એકર રૂ.8000ની રકમ આપવામાં આવે તો સરેરાશ ગણવા જઈએ તો એક અંતરિયાળ વિસ્તારના ખેડૂત અને નાના ખેડૂતને ક્રમશઃ રૂ.7,515 અને રૂ.27,942ની રકમ પ્રતિ વર્ષ મળશે. એજન્સીએ જણાવ્યું કે, 'આ આંકડો આર્થિક સર્વેક્ષણ 2016-17માં પ્રસ્તાવિત ગરીબો માટે લઘુત્તમ આવક યોજના અંતર્ગત પ્રસ્તાવિત રકમના સ્તરથી ઘણો જ ઓછો છે. આ યોજનાથી કે્નદ્ર પર રૂ.1468 અબજ એટલે કે જીડીપીના 0.70 ટકાનો બોજો પડશે.'

તેમાં પણ જો કેન્દ્રની આ યોજના પ્રાયોજિત હશે તો આ ખર્ચ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાઈ જશે. કેન્દ્રને જીડીપીના 0.43 ટકા જેટલો ખર્ચ વહન કરવાનો રહેશે અને રાજ્યોને પણ તેમના જીડીપીના 0.27 ટકા જેટલો ખર્ચ વહન કરવાનો આવશે. જોકે, આ બાબતને એક સરળ વિકલ્પ માની શકાય નહીં, કેમ કે તેનાથી રાજ્યોની આર્થિક સ્થિતિ પર વધુ દબાણ પેદા થશે. 

કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે જો તેને શરૂ કરવામાં આવે તો તેની અસર આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની સરકારો પર વધુ થશે. આ રાજ્યોની સરકારો પહેલાથી જ ખેડૂતો માટે દેવામાફીની યોજનાઓ લાગુ કરી ચૂકી છે. માત્ર છત્તીસગઢ અને ઝારખંડ પાસે જ નવી યોજનાને લાગુ કરવાની થોડી ઘણી સંભાવના રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news