મોદીકાળમાં ગૃહમંત્રી રહેલા આ ગુજરાતી નેતા પર મોદીને મોટો ભરોસો, CMની રેસમાં હતું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં પ્રફુલ પટેલને લક્ષદ્વીપના પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા. પ્રફુલ્લ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાતમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. પ્રફુલ્લ પટેલ એવા નેતાઓમાંથી એક છે જેમના પર પીએમ મોદી ઘણો ભરોસો કરે છે.

મોદીકાળમાં ગૃહમંત્રી રહેલા આ ગુજરાતી નેતા પર મોદીને મોટો ભરોસો, CMની રેસમાં હતું નામ

ઝી બ્યુરો/અમદાવાદ: માલદિવ હાલમાં વિવાદમાં છે. માલદિવ બોયકોટના સોશિયલ મીડિયાના ટ્રેન્ડ વચ્ચે લક્ષદ્રીપ પર ફોકસ વધી રહ્યું છે. મોદીએ જ્યારથી તસવીરો શેર કરી છે ત્યારથી સતત ગૂગલના ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. લોકો લક્ષદ્રીપ અંગે સતત સર્ચ કરી રહ્યાં છે. લક્ષદ્રીપ એ ભારતની નજીક આવેલો ટાપુ છે જેની સુંદરતા માલદિવને પણ ટકકર આપે એવી છે. જેના શાસક હાલમાં ગુજરાતી છે.  

હિંમતનગરના પ્રફુલ પટેલનો દબદબો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં પ્રફુલ પટેલને લક્ષદ્વીપના પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા. પ્રફુલ્લ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાતમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. પ્રફુલ્લ પટેલ એવા નેતાઓમાંથી એક છે જેમના પર પીએમ મોદી ઘણો ભરોસો કરે છે. આ જ કારણ છે કે પ્રફુલ પટેલની વિનંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શરૂઆતમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. લક્ષદ્વીપના પ્રશાસક બન્યા પછી, પ્રફુલ્લ પટેલ ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સતત રોકાયેલા છે, જેથી આ સુંદર સ્થળને બાકીના ભારત સાથે વધુ સારી રીતે જોડી શકાય. હિંમતગરના પ્રફુલ્લ પટેલ પર મોદી મહેરબાન છે કારણ કે એક સમયે તેમની કોઈ ઓળખ નહોતી પણ અમિત શાહ બાદ તેમને સીધા ગૃહમંત્રી બનાવી મોદીએ એમનું કદ વધારી દીધું હતું. એક સમયે ભાજપમાં એમનો દબદબો હતો પણ 2012માં ચૂંટણી હાર્યા પછી એમને ફરી ગુજરાતમાં પોતાનું નસીબ અજમાવ્યું નથી. 

સીએમની રેસમાં આવ્યું હતું નામ...
ગુજરાતમાં જ્યારે ભાજપે વિજય રૂપાણીનું રાજીનામું લઈ લીધું અને પછી કોઈ પાટીદાર ચહેરાને કમાન સોંપવાની વાત થઈ, ત્યારે પ્રફુલ પટેલનું નામ પણ તે સમયે હેડલાઈન્સમાં આવ્યું હતું. તેનું કારણ એ હતું કે તેઓ અગાઉ રાજ્યના રાજકારણમાં સક્રિય હતા. ધારાસભ્ય હોવા ઉપરાંત તેમણે મંત્રીની જવાબદારી પણ નિભાવી છે. પ્રફુલ્લ પટેલ ઓગસ્ટ 2010 થી ડિસેમ્બર 2012 સુધી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હતા.એ સમયે પાટીદાર નેતા અને મોદીના નજીકના નેતા હોવાને નાતે એમનું નામ વહેતું થયું હતું. 

2020 થી સંભાળી રહ્યાં છે જવાબદારી
પ્રફુલ પટેલ 26 જાન્યુઆરી 2020 ના રોજ,  દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વિલીનીકરણ પછી નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક બન્યા. લક્ષદ્વીપના પ્રશાસક દિનેશ્વર શર્માના અવસાનના પરિણામે, પ્રફુલ્લ પટેલે 5 ડિસેમ્બર 2020થી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે વધારાનો હવાલો મળ્યો હતો. ત્યારથી તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે.

પીએમ મોદી સાથે છે ખાસ સંબંધો
લક્ષદ્વીપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા Save Lakshadweep અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં લક્ષદ્વીપ માટે પ્રફુલ્લ પટેલના નિર્ણયો ખોટા હોવાનું જણાવાયું હતું. આ બાબતે ભારે ધ્યાન ખેંચ્યું હતું. પટેલે કોરોનાના સમયગાળા દરમિયાન નેગેટિવ રિપોર્ટવાળા લોકોને લક્ષદ્વીપમાં પ્રવેશવાની મંજૂરી આપતા હોબાળો થયો હતો, પરંતુ ભારે વિરોધ છતાં પ્રફુલ્લ પટેલ લક્ષદ્વીપના પ્રશાસક રહ્યા હતા. ત્યારબાદ સ્થાનિક સાંસદ મોહમ્મદ ફૈઝલ પણ વિરોધમાં આવ્યા હતા. લક્ષદ્વીપ કોવિડનો પ્રથમ કેસ 18 જાન્યુઆરી, 2021 ના ​​રોજ નોંધાયો હતો.

અમિત શાહના 8 વિભાગોના બન્યા હતા મંત્રી
પ્રફુલ્લ પટેલ દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક છે અને તેમની પાસે લક્ષદ્વીપનો હવાલો પણ છે. પટેલ 2007માં પહેલીવાર હિંમતનગરથી જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. પટેલના પિતા કોડાભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા હતા. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘણા સારા સંબંધો હતા. ગુજરાતમાં વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી જેલમાં ગયા બાદ પીએમ મોદીએ મુખ્યમંત્રી રહીને પ્રફુલ પટેલને ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ પ્રફુલ્લ પટેલે અમિત શાહના 10માંથી 8 વિભાગો સંભાળી લીધા હતા. જોકે આ પછી પટેલ 2012માં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. જ્યારે નરેન્દ્ર મોદી 2014માં પીએમ બન્યા ત્યારે તેમણે સૌપ્રથમ 2016માં પ્રફુલ પટેલને દમણ અને દીવના પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા. પ્રફુલ્લ પટેલના પુત્ર ગુજરાત ભાજપમાં સક્રિય છે.

શું છે લક્ષદ્વીપ જવાના નિયમો?
1967માં લક્ષદ્વીપ, મિનિકોય અને અમીનદીવી ટાપુ સમુહના કેટલાક નિયમો અને શરતો બનાવવામાં આવી હતી. જે હેઠળ આ જગ્યાઓ પર ન રહેતા લોકોએ એન્ટ્રી માટે અને રહેવા માટે પરમિટ લેવી પડશે. જો કે સરકારી અધિકારીઓ, સૈનિકો અને ટાપુ પર જવા કે કામ કરનારા તેમના પરિવારને પરમિટની જરૂર નથી. બીજી બાજુ વિદેશી પર્યટકો માટે લક્ષદ્વીપ સહિત ભારતમાં એન્ટ્રી માટે માન્ય પાસપોર્ટ અને ભારતીય વિઝા રાખવા જરૂરી છે. 

પરમિટ લેવા માટે કેટલો થાય ખર્ચો?
લક્ષદ્વીપ પર્યટનની અધિકૃત વેબસાઈટ મુજબ પૂર્વ અનુમતિનો હેતુ સ્વદેશી અનુસૂચિત જનજાતિઓની સુરક્ષા કરવાનો છે, જે વિસ્તારની વસ્તીના લગભગ 95 ટકા છે. 1967ના નિયમો મુજબ એન્ટ્રી પરમિટ ફોર્મ ઓનલાઈન (Lakshadweep Permit Form) ભરી શકાય છે અને તેને પ્રશાસક પાસે જમા કરવું જરૂરી છે. અરજી ફી પ્રતિ અરજીકર્તા 50 રૂપિયા છે. જેમાં 12થી 18 વર્ષની ઉંમરના માટે 100 રૂપિયા અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 200 રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ છે. 

પોલીસની પણ મંજૂરી
ભારતની અન્ય જગ્યાઓથી આવતા લોકોએ પોતાના સંબંધિત જિલ્લાના પોલીસ આયુક્ત પાસેથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ લેવું જરૂરી છે. આ ઉપરાંત અરજીકર્તાએ 3 પાસપોર્ટ સાઈઝના ફોટા પોતાના આઈડી કાર્ડની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી પણ આપવી પડશે. 

કેટલો થાય ખર્ચો
પીએમ મોદીના લક્ષદ્વીપ ટુર અને માલદીવ બહિષ્કારના મુદ્દા ઉઠ્યા બાદ હવે અનેક લોકો આ જગ્યાએ જવામાં રસ દાખવી રહ્યા છે. ટ્રાવેલ કંપની મેક માય ટ્રિપ મુજબ દિલ્હીથી લક્ષદ્વીપ જવા માટે 5 દિવસ અને ચાર રાતનો ખર્ચો 25થી 50 હજાર રૂપિયાની આસપાસ છે. જો કે તેના શરૂઆતના ટુર પેકેજની કિંમત 20 હજારની આજુબાજુ છે. લક્ષદ્વીપ જવા માટે તમારે કોચીથી અગત્તી એરપોર્ટ માટે ટિકિટ લેવી પડશે. લક્ષદ્વીપ જવા માટે કોચી એક માત્ર એરપોર્ટ છે. અગત્તી પહોંચ્યા બાદ તમે બોટ કે હેલિકોપ્ટરથી લક્ષદ્વીપ જઈ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news