Corona Update: ભારતમાં દરરોજ નવા નોંધાતા કેસ કરતાં નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ
ભારતમાં હાથ ધરવામાં આવેલી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત, 27 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 20 લાખથી વધારે (20,29,480) લાભાર્થીઓને કોવિડની રસી આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં દૈનિક નવા નોંધાતા કેસોની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા એકધારી વધારે જળવાઇ રહી છે. છેલ્લા 20 દિવસથી સળંગ નવા નોંધાતા દર્દીઓ કરતાં નવા સાજા થનારા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. આજે દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,03,59,305 સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં નવા સાજા થઇ ગયેલા અને રજા આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા 13,320 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 96.91% સુધી પહોંચી ગયો છે.
દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં સક્રિય કેસોની સંખ્યામાં દૈનિક થયેલા અભૂતપૂર્વ ઘટાડાનો ચિતાર આપ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા 12,689 છે. આજે ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ 1,76,498 નોંધાયું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ ઘટીને માત્ર 1.65% રહ્યું છે. છેલ્લા 7 દિવસથી ભારતે સતત પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક નવા કેસોની સૌથી ઓછી સંખ્યા (69) ધરાવતા દેશોમાં સ્થાન જાળવી રાખ્યું છે.
કેન્દ્રના નેતૃત્વ હેઠળ સક્રિય અને વિકસતી ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, ટેકનોલોજીની વ્યૂહનીતિના કારણે આ પ્રોત્સાહક પરિણામો ટકી રહ્યાં છે. ઉચ્ચ અને સઘન પરીક્ષણ દ્વારા સંક્રમિત દર્દીઓની વહેલી ઓળખ, ત્વરિત દેખરેખ અને ટ્રેકિંગ, હોમ આઇસોલેશનમાં રાખેલા દર્દીઓની કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા સંભાળના પ્રોટોકોલ દ્વારા ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ તબીબી સંભાળ દ્વારા દેખરેખના પરિણામે સફળતાપૂર્વક સતત મોટી સંખ્યામાં સાજા થવાનો દર ટકી શક્યો છે.
હોસ્પિટલોમાં અને હોમ આઇસોલેશનમાં દેખરેખ હેઠળ રાખેલા દર્દીઓની સુધારેલી અને અસરકારક તબીબી સારવાર, નોન-ઇન્વેઝીવ ઓક્સિજન સપોર્ટ અને સ્ટીરોઇડ્સનો ઉપયોગ, એન્ટી-કોગલન્ટ્સ તેમજ દર્દીઓને તાત્કાલિક અને સમયસર સારવાર અર્થે લઇ જવા માટે સુધારેલી એમ્બ્યુલન્સ સેવાઓ પર કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ એકધારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
કેન્દ્ર સરકારે પૂરતા જથ્થામાં વેન્ટીલેટર્સ, PPE કિટ્સ, દવાઓ વગેરે પૂરા પાડીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને સતત સહકાર આપવાનું ચાલુ રાખ્યું છે. ASHA કર્મચારીઓના અથાક પ્રયાસોના કારણે પણ હોમ આઇસોલેશનમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલા દર્દીઓની તબિયતમાં સુધારા પર અસરકારક દેખરેખ અને તેમની પ્રગતી પર ટ્રેકિંગ રાખવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.
'ઇસંજીવની' ડિજિટલ પ્લેટફોર્મના કારણે ટેલિમેડિસિન સેવાઓ સક્ષમ કરી શકાઇ છે જેના કારણે કોવિડ-19નું સંક્રમણ સફળતાપૂર્વક નિયંત્રિત કરવામાં મદદ મળી છે અને સાથે સાથે બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે. કેન્દ્ર સરકારે ICUનું સંચાલન કરી રહેલા ડોક્ટરોની તબીબી વ્યવસ્થાપન ક્ષમતાનું નિર્માણ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવી દિલ્હી સ્થિત એઇમ્સના નિષ્ણાતો દ્વારા 'કોવિડ-19 વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય ઇ-ICU' કવાયત હાથ ધરવામાં આવી છે જેના કારણે આ સંદર્ભે ઘણી સારી મદદ મળી રહી છે.
ભારતમાં હાથ ધરવામાં આવેલી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત, 27 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 20 લાખથી વધારે (20,29,480) લાભાર્થીઓને કોવિડની રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં યોજાયેલા 194 સત્રોમાં કુલ 5,671 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં આજદિન સુધીમાં કુલ 36,572 લોકોને રસી આપવામાં આવી છે.
દેશમાં નવા સાજા થઇ ગયેલા દર્દીઓમાંથી 84.52% દર્દીઓની સંખ્યા 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં એક દિવસમાં વધુ 5,290 દર્દીઓ સાજા થયા છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ આંકડો છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,106 દર્દીઓ જ્યારે કર્ણાટકમાં વધુ 738 દર્દીઓ સાજા થયા છે.
નવા સંક્રમિત કેસોમાંથી 84.73% નવા દર્દીઓ માત્ર 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસો નોંધાવાનું ચાલુ રહ્યું છે જ્યાં એક દિવસમાં વધુ 6,293 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, સૌથી વધુ નવા દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં વધુ 2,405 દર્દી જ્યારે કર્ણાટકમાં નવા 529 દર્દી પોઝિટીવ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 83.94% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (47) મૃત્યુ નોંધાયા છે. કેરળમાં વધુ 19 અને છત્તીસગઢમાં વધુ 14 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે. સળંગ છેલ્લા 7 દિવસથી ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ ફક્ત 1 વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે