'સુપરકોપ' હિમાંશુ રોય હતા ગુજરાતી, જાણો તેમના વિશે બીજી અજાણી વાતો
મહારાષ્ટ્ર પોલીસમાં એડીજી હિમાંશુ રોયે આજે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી નાખી હોવાના અહેવાલે સમગ્ર દેશમાં સનસનાટી મચાવી છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસમાં એડીજી હિમાંશુ રોયે આજે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી નાખી હોવાના અહેવાલે સમગ્ર દેશમાં સનસનાટી મચાવી છે. તેમણે પોતાના સરકારી નિવાસસ્થાને મોઢામાં રિવોલ્વર રાખીને ગોળી ચલાવી દીધી. ત્યારબાદ તેમને નજીકની બોમ્બે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. હિમાંશુ રોયને સુપરકોપ કહેવામાં આવતા હતાં. હિમાંશુ રોયે અનેક મહત્વના પદો પર કામ કરીને મોટા મોટા ક્રિમિનલ કેસો ઉકેલ્યા હતાં. બહુ ઓછા લોકોને કદાચ આ વાતની જાણ હશે કે બાહોશ આઈપીએસ ઓફિસર હિમાંશુ રોય ગુજરાતી હતી અને નવસારીના વતની હતાં.
મૂળ નવસારીના
મિડ ડે અખબારના મમતા પડિયાના અહેવાલમાં જણાવ્યાં મુજબ હિમાંશુ રોય દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી જિલ્લાના વાંસદા ગામના રાજાના દીવાનના પરિવારના છે. તેઓ તેમના પૂર્વજ હતાં. જો કે હિમાંશુ રોયનો જન્મ અને ઉછેર તો દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં થયો હતો. અહીં તમને એ વાત પણ જણાવીએ કે હિમાંશુ રોયની અટકથી ભલે બધા તેમને બંગાળી સમજતા હોય પરંતુ તેઓ પાકા ગુજરાતી હતાં. તેમની અટક દાસોંડી હતી. વર્ષો સુધી તેઓ એચ.આર.દાસોંડી તરીકે ઓળખાતા હતાં.
મૂળ અટક હતી દાસોંડી
જો કે અહેવાલ મુજબ હિમાંશુ રોયને આ દાંસોડી અટક ગમતી નથી. અટક તેમને બાંસુદી જેવી લાગતી હતી. એચ.આર.દાંસોડીમાંથી હિમાંશુ રોય બનવા પાછળ એક ઈતિહાસ છે.અખબારના અહેવાલ મુજબ હિમાંશુ રોયના ફાધર ડોક્ટર હતાં અને ખુબ વૈભવશાળી અને શાલીન જીવન જીવતા હતાં. કોલાબાના શીલામહેલમાં દાસોંડી પરિવાર રહેતો હતો. તે સમયની એક સાયલન્ટ ફિલ્મ 'ધ લાઈટ ઓફ એશિયા'થી હિમાંશુના પિતાજી ખુબ પ્રભાવિત થયા હતાં. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર હિંમાશુ રાયનો તેમના ઉપર જબરદસ્ત પ્રભાવ પડ્યો હતો. એટલો પ્રભાવ કે તેમણે 23 જૂન 1963ના રોજ તેમના ત્યાં જે પુત્ર જન્મ્યો તેનું નામ હિમાંશુ રાય જ રાખી દીધુ. હિમાંશુ રાય એટલે કે એચ આર દાસોંડીએ કોલાબામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કોમર્સ ગ્રેજ્યુએટ થયા અને પહેલા જ પ્રયત્નમાં સીએની પરીક્ષા પાસ કરી.
CA બન્યા બાદ હિમાંશુ રોયે આઈપીએસ બનવાનો નિર્ણય લીધો હતો તેમ તેમના પુત્ર દીપક રાવે મિડ ડેને જણાવ્યું હતું. આમ 1988ની બેચના તેઓ આઈપીએસ ઓફિસર હતાં. આ બધા વચ્ચે હિમાંશુ રાયને દાસોંડી અટક જરાય ગમતી નહતી. તેમને તે અટક બાસુંદી જેવી લાગતી હતી. આથી આઈપીએસની એક વર્ષની સેવા બાદ 100 રૂપિયાની એફિડેવિટ કરાવીને તેમણે પોતાનું નામ એચ આર દાંસોડીમાંથી હિમાંશુ રોય કરાવી નાખ્યું. રાયની જગ્યાએ રોય કરી દીધુ.
કેન્સરથી પીડાતા હતાં હિમાંશુ રોય
બોમ્બે હોસ્પિટલમાંથી મળેલી જાણકારી મુજબ 1988 બેચના આઈપીએસ ઓફિસર હિમાંશુ બોનમેરો કેન્સરથી પીડાતા હતાં તથા તેમની કિમોથેરેપી ચાલી રહી હતી. કહેવાય છે કે લાંબી બીમારીના કારણે તેઓ ખુબ ડિપ્રેશનમાં હતાં. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કારણે તેમણે આત્મહત્યા જેવું પગલું ભર્યું. મળતી માહિતી મુજબ 2016 બાદ તેઓ પોતાની ઓફિસમાં પણ જતા નહતાં. તેઓ રજા પર જ હતાં.
હિમાંશુ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસ અને પત્રકાર જેડે હત્યાકાંડ ઉપરાંત અનેક મોટા કેસો ઉપર પણ કામ કરી ચૂક્યા છે. હિમાંશુએ વર્ષ 2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં અભિનેતા વિદુ દારા સિંહની બુકિઝ સાથે કથિત લિંકના પગલે ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેમણે વિજય પાલંદે અને લૈલા ખાન બેવડા હત્યાકાંડ અને પલ્લવી પુર્ખાયસ્તા હત્યાકાંડની પણ તપાસ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે