EXCLUSIVE: કારગિલની કહાની, તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ વી પી મલિકની જુબાની

કારગિલનું યુદ્ધ વર્ષ 1999ના ઉનાળામાં થયું હતું. 26 જુલાઈના રોજ આ એટલે કે આજે આ યુદ્ધની 20મી વર્ષગાંઠ છે.

EXCLUSIVE: કારગિલની કહાની, તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ વી પી મલિકની જુબાની

પીયૂષ બબેલે, નવી દિલ્હી: કારગિલનું યુદ્ધ વર્ષ 1999ના ઉનાળામાં થયું હતું. 26 જુલાઈના રોજ આ એટલે કે આજે આ યુદ્ધની 20મી વર્ષગાંઠ છે. આ એક એવું યુદ્ધ હતું કે જે દુનિયાના સૌથી ઊંચા પહાડો પર સૌથી ખરાબ હવામાનમાં અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં લડાયું હતું. આ યુદ્ધમાં ભારતના 500થી વધુ સૈનિકો શહીદ થયા. ભારત તરફથી આ યુદ્ધને લડનારા સૌથી મોટા કમાન્ડર અને તત્કાલિન સેના પ્રમુખ જનરલ વી પી મલિક સાથે ઝી ન્યૂઝ ડિજિટલના ઓપિનિયમ એડિટર પીયૂષ બબેલે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યું કર્યો અને કહાની રજુ કરી. અહીં ઈન્ટરવ્યુના ખાસ અંશ રજુ કર્યા છે. 

જ્યારે કારગિલમાં પાકે ઘૂસણખોરી કરી ત્યારે વિદેશમાં હતાં સેનાધ્યક્ષ

સવાલ: કહેવાય છે કે જ્યારે કારગિલના ઘૂસણખોરો દેશમાં ઘૂસી આવ્યાં, તે સમયે તમે વિદેશમાં હતાં. તમને જ્યારે પહેલીવાર સૂચના મળી ત્યારે તમારું રિએક્શન શું હતું?
જવાબ: વિશ્વાસ જ નહતો આવતો. કોઈએ અખબાર વાંચીને પહેલીવાર મને આ સમાચાર સંભળાવ્યાં. તેમણે મને જણાવ્યું કે કેટલાક ઘૂસણખોરો અંદર ઘૂસી આવ્યાં છે. આ લોકો લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી)ને ક્રોસ કરીને અંદર આવ્યાં છે. મને લાગ્યું કે આ અશક્ય છે. ત્યારબાદ મેં ફોન કરીને મારા લોકો સાથે વાત કરી. તો તેમણે જણાવ્યું કે 'હાં..આવો કઈંક બનાવ બન્યો છે. પરંતુ તમે ચિંતા ન કરો. અમે તેમને ખદેડી મૂકીશું. 

સવાલ: પરંતુ ચિંતા તો તમને થઈ જ હશે?
જવાબ: હાં ચિંતા થઈ હતી. 

સવાલ: જ્યારે તમે સ્વદેશ પાછા ફર્યા, ત્યારે તમને ક્યારે જાણવા મળ્યું કે આ એક મોટો હુમલો છે?
જવાબ: જ્યારે હું દેશ પાછો ફર્યો ત્યારે સૌથી પહેલા બીજા જ દિવસે શ્રીનગર અને કારગિલ તરફ જવા માંગતો હતો. શ્રીનગર તો હું ગયો, પરંતુ કારગિલ જઈ શક્યો નહીં. કારણ કે ત્યાં વાતાવરણ ખરાબ હતું. પરંતુ મેં શ્રીનગર અને ઉધમપુરમાં રહેલા મારા લોકો પાસેથી બ્રિફિંગ લીધી હતી. જ્યારે ડિટેલ્સ મારી સામે આવી તો મને ખબર પડી ગઈ કે આ ગંભીર વાત છે. અને તેને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. ત્યાં સુધી તો આપણા શહીદ થનારા જવાનોની સંખ્યા પણ વધતી જઈ રહી હતી. જે ખુબ ચિંતાની વાત હતી. 

સવાલ: 3-4 દિવસ બાદ જેવું તમને માલુમ પડ્યું કે આ લોકો મુજાહિદ્દીન નહીં પરંતુ પાકિસ્તાનની સેનાના લોકો છે તો સ્વાભાવિક રીતે ભારત સરકારે અને સેનાએ મોટું અભિયાન ચલાવ્યું હશે. તેની તૈયારી અંગે જણાવશો?
જવાબ: એ સાચી વાત છે કે અમે જે વિસ્તારમાં લડાઈ લડી તે કારગિલ, દ્રાસ અને લદ્દાખ વિસ્તાર ખુબ જ કપરા વિસ્તારો છે. તેમાં ફક્ત દુશ્મન સાથે જ લડવાનું નથી હોતું પરંતુ હવામાન અને ઊંચાઈનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. પરંતુ અમારી પાસે બહુ સમય નહતો. અમારે જલદી પ્રતિક્રિયા આપવાની હતી અને ત્યાંના હાલાતને પલટવાના હતાં. અમારા અમારા જવાનોના મોતને પણ રોકવાના હતાં. અમે કેબિનેટને તમામ સ્થિતિથી માહિતગાર કરી અને પરમિશન માંગી.

હું પોતે ચેરમેન, ચીફ ઓફ સ્ટાફ કમિટી હતો. મેં કેબિનેટને જણાવ્યું કે તમે ચિંતા ન કરો. અમે આ પરિસ્થિતિને ટેકલ કરી શકીએ છીએ. પરંતુ અમારે પૂરી તૈયારીઓ સાથે જવું પડશે અને તેમાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય સાથે મળીને કામ કરશે. તે બ્રિફિંગ બાદ અમને કેબિનેટમાંથી મંજૂરી મળી ગઈ અને અમે અમારું કામ શરૂ કરી દીધુ. તમને યાદ હશે કે 24 કે 25 તારીખના રોજ એરફોર્સે ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. નેવીવાળાઓએ પણ પોતાનું કામ શરૂ કરી દીધુ. અમને માઉન્ટેઈન ડિવિઝનને કાશ્મીરથી દ્રાસ મોકલ્યાં. 

સેનાને એલઓસી પર કરતા ન રોકો

સવાલ: તે સમયે અખબારોમાં છપાયું હતું કે સરકારે કહ્યું હતું કે અમે લાઈન ઓફ કન્ટ્રોલની પેલે પાર નહીં જઈએ. પરંતુ ત્યારબાદ કદાચ તમે સરકારને વિનંતી કરી હતી કે આ વાત પર ભાર ન મૂકવામાં આવે. જરૂરિયાત મુજબ કામ થવા દે?
જવાબ: જુઓ એ કેબિનેટનો ફેસલો હતો કે અમે એલઓસી પાર નહીં કરીએ. તેનું એક કારણ એ પણ હતું કે તે સમય સુધી ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશો બની ગયા હતાં. 

બીજી વાત એ હતી કે લોકોને ત્યાં સુધી યોગ્ય સ્થિતિ અંગે માલુમ નહતું. ઈન્ટેલિજન્સ રિપોર્ટ સાચો નહતો કે આ લોકો મુજાહિદ્દીન છે કે પછી પાકિસ્તાની આર્મીના લોકો છે. કારણ કે અમારા રૂલ્સ ઓફ એન્ગેજમેન્ટ અલગ અલગ હોય છે. જો પાકિસ્તાનની સેના સામે લડવાનું હોય તો અલગ નિયમો હોય છે અને આતંકીઓ સામે લડવાનું હોય તો સ્થિતિ અલગ છે. આ જ કારણે તેમણે એલઓસી પાર કરવાની મંજૂરી નહતી આપી. 

પરંતુ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જ્યારે બેવાર જાહેરમાં એ વાત કરી કે તેમણે સેનાને કહ્યું છે કે તેઓ એલઓસી પાર ન કરે ત્યારે મેં તેમની સાથે વાત કરી કે સર આ વાત જાહેરમાં કરવી એ યોગ્ય નથી. અમે કોશિશ કરીશું કે અમે લાઈન ઓફ કંટ્રોલ પાર ન કરીએ પરંતુ જરૂર પડી અને મને લાગ્યું કે એક જગ્યાએ લડાઈથી વાત બનશે નહીં તો અમારી પાસે છૂટ હોવી જોઈએ. આવામાં તે સમયે તમે શું બોલશો. તેમણે મારી વાત સમજી અને રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રાએ તે સાંજે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે નિયંત્રણ રેખા પાર ન કરવાની વાત આજ માટે ઠીક છે. પરંતુ કાલે શું થશે તે અંગે અમે કશું કહી શકીએ નહીં. 

સવાલ: જ્યારે આ યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાન ઊંચા પહાડો પર હતું. આપણા હાઈવે તેમના નિશાન પર હતાં. આપણા જવાનો મોટી સંખ્યામાં શહીદ થઈ રહ્યાં હતાં, એટલે સુધી કે તેમણે આપણું ફાઈટર વિમાન પણ તોડી પાડ્યુ હતું. તે કપરા સમયે તમે સેનાનો જુસ્સો કઈ રીતે વધાર્યો?
જવાબ: સૌ પ્રથમ તો હું મારા તમામ જવાનો અને ઓફિસર્સને દાદ આપું છું કે તેમને આખી દુનિયા માટે બહાદુરી શું હોય છે, દેશભક્તિ શું હોય છે તે માટે એક મિસાલ કાયમ કરી. જે લગનથી તેમણે કામ કર્યું તે ખરેખર પ્રશંસાને પાત્ર હતું. હું દર 6 દિવસે એકવાર તેમને મળવા માટે જતો હતો. હું એ પણ કહી શકું છું કે તેમણે મારો જુસ્સો વધાર્યો કારણ કે મેં જ્યારે પણ પૂછ્યું  કે શું હાલાત છે તો તેમણે એમ જ કહ્યું કે તમે ચિંતા ન કરો સર અમે બધુ ઠીક કરી દઈશું. તમે ચિંતા ન કરો. 

ગોળા વરસી રહ્યાં હતા અને અટલ બિહારી વાજપેયી મુસ્કુરાઈ રહ્યાં હતાં

સવાલ: એકવાર વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ તમારી સાથે ત્યાં ગયા હતાં અને તેની હાજરીમાં જ ત્યાં ગોળા વરસી રહ્યાં હતાં. તે સ્થિતિ કઈ યાદ આવે છે?
જવાબ: 13 જૂનના રોજ વડાપ્રધાનની સાથે હું કારગિલ ગયો હતો. ત્યાં કારગિલના હેલીપેડ પર અમે ઊભા રહ્યાં હતાં. બ્રજેશ મિશ્રા પણ હતા અને કદાચ જ્યોર્જ ફર્નાન્ડિસ પણ હતાં. ત્યારે પાકિસ્તાનીઓએ કારગિલ કસ્બા પર ઉપરથી ગોળાબારી શરૂ કરી દીધી હતી. અમે લોકો હેલીપેડની ઉપર ઊભા હતાં. ત્યાંથી બધુ જોઈ રહ્યાં હતાં, સૌભાગ્યની વાત હતી કે હેલીપેડ એવી જગ્યા પર હતું કે જ્યાં મને વિશ્વાસ હતો કે કોઈ ગોળો પહોંચી શકશે નહીં. વડાપ્રધાન વાજપેયી પણ સાથે હતાં. તેમણે પણ જોયું. તેમણે મારી તરફ જોયું પરંતુ તેઓ  ખુબ શાંત રહ્યાં અને હસતાં રહ્યાં. મને ઈશારામાં કહેવા લાગ્યાં કે આ શું થઈ રહ્યું છે. મેં કહ્યું હા..યુદ્ધમાં તો આવું થતું રહે છે. 

કારગિલ માટે મુશર્રફ અને શરીફ બંને જવાબદાર
સવાલ: લાંબા સમય સુધી એમ માનવામાં આવતું હતું કે કારગિલ યુદ્ધ પાછળ અસલ દિમાગ જનરલ પરવેઝ મુશરર્ફનું હતું અને પાકિસ્તાનના રાજકીય નેતૃત્વમાં તેનો કોઈ હાથ નહતો. પરંતુ તમે તમારા પુસ્તક 'ફ્રોમ સરપ્રાઈઝ ટુ વિક્ટ્રી'માં કહ્યું છે કે તેની પાછળ નવાઝ શરીફનો પણ હાથ હતો. હવે પાકિસ્તાનમાં પણ એક પુસ્તક આવ્યું છે 'ફ્રોમ કારગિલ ટુ કૂપ' જેમાં કહેવાયું છે કે યુદ્ધની પાછળ નવાઝ શરીફનો પણ એટલો જ હાથ હતો. તમને આ વાત પહેલા કેવી રીતે  ખબર પડી?
જવાબ: જ્યારે અમને વિશ્વાસ થઈ ગયો કે તેની પાછળ પાકિસ્તાન મુજાહિદ્દીન નથી, પણ પાકિસ્તાની સેના છે. આ ઉપરાંત પરવેઝ મુશર્રફ અને તેમના કમાન્ડર વચ્ચે એક વાતચીત થઈ હતી, જેને અમે પકડી હતી. તેનાથી માલુમ પડ્યું કે આ અંગે પાકિસ્તાનના વડાપ્રધાનને કઈંકને કઈંક તો ખબર જ છે. બની શકે કે તેમને પૂરી વાત ખબર ન હોય. પરંતુ કઈંક તો જરૂર કહેવાયું છે. ત્યારબાદ પણ જે રિપોર્ટ આવતા રહ્યાં તેનાથી અંદાજો લગાવ્યો કે પરવેઝ મુશર્રફે પ્રાઈમ મિનિસ્ટર સાથે વાતચીત કરી હતી અને કઈંક બ્રીફિંગ પણ કરી છે. નવાઝ શરીફનું કહેવું છે કે તેમને કશું માલુમ નહતું, જે વાત સાચી નથી.

ઈન્ટેલિજન્સની નિષ્ફળતાના કારણે થયું કારગિલ યુદ્ધ

સવાલ: શું તમને લાગે છે કે જો આપણને યોગ્ય સમયે ઈન્ટેલિજન્સ રિપોર્ટ મળી ગયો હોત તો શહીદ થયેલા જવાનો સંખ્યા ઓછી હોત?
જવાબ: જો અમને પહેલેથી યોગ્ય વોર્નિંગ મળી જાત કે ખબર મળી જાત કે પાકિસ્તાની આર્મી ત્યાં છે અને તેઓ આવો કોઈ હુમલો કરવાની તૈયારી કરી રહી છે તો નિશ્ચિત પણે અમે ત્યાં અગાઉથી કઈંક ને કઈંક તૈયારીઓ કરી લેત. કદાચ ગણીબધી કરી લેત. હથિયાર પણ ત્યાં પહોંચાડી દેત, કારણ કે તે હાલાતમાં અમે ઉતાવળમાં જે રિએક્શન કર્યું, ઈન્ટેલિજન્સની સૂચના મળી ગઈ હોત તો આરામથી પૂરી તૈયારીઓ સાથે કરત. આવા હાલાતમાં આપણા ઓછામાં ઓછા સૈનિકો શહીદ થાત. પરંતુ એ વાતમાં કોઈ શક નથી કે તે ઈન્ટેલિજન્સની નિષ્ફળતા હતી. પાકિસ્તાનની સેના હુમલાની તૈયારીઓ કરી રહી છે તે આપણે જાણી શક્યા નહીં. 

ઉધારના હથિયારોથી યુદ્ધ લડી રહી હતી અનેક બટાલિયન

સવાલ: તે સમયે તમારું એક નિવેદન છે કે અમારી પાસે જે હશે, તેનાથી લડીશું. શું તે ઈશારો તે સમયે ગોળા બારુદ અને હથિયારોની કમી તરફ હતો?
જવાબ: હા, હથિયારોનું ખુબ શોર્ટેજ હતી. અમે રાષ્ટ્રીય રાઈફલ્સની અનેક નવી યુનિટ બનાવી હતી પરંતુ તેમના માટે હથિયારોની મંજૂરી ન મળી, તો તેમને બીજી બટાલિયન પાસેથી હથિયારો ભેગા કરીને આપવામાં આવ્યાં હતાં. અમારી પાસે જરૂરિયાત પ્રમાણે હથિયારો પણ નહતા. આ ઉપરાંત બોફોર્સ તોપના ભાગો પણ નહતાં. ગોળા બારૂદ ઓછો હતો. ખુબ મુશ્કેલીઓ હતી. 

જ્યારે વાજપેયીએ હટાવ્યો બોફોર્સ તોપ પરનો પ્રતિબંધ

સવાલ: તે સમયે તો બોફોર્સ તોપ પર પ્રતિબંધ લાગ્યો હતો.
જવાબ: બોફોર્સ કંપની પર પ્રતિબંધ લાગ્યો હતો. તેના કારણે અમે તેની પાસેથી પાર્ટ્સ મંગાવી શકતા નહતાં. યુદ્ધ દરમિયાન મેં વડાપ્રધાનને નિવેદન કર્યું કે અમારા આ ચીજો જોઈએ. આથી તમે બોફોર્સ તોપ પરથી પ્રતિબંધ હટાવી લો. ત્યારબાદ આ પ્રતિબંધ હટાવાયો હતો. અમે બોફોર્સના પાર્ટ્સ મંગાવવા માટે સ્વતંત્ર થઈ ગયા હતાં. 

સેના પાસે ગોળા બારૂદ ઓછો હતો

સવાલ: હું ગોળા બારૂદની કમી વાળા નિવેદનની વાત પૂછી રહ્યો હતો.
જવાબ: હકીકતમાં તે સમયે આપણા એક પત્રકાર મિત્રએ સવાલ કર્યો હતો કે તમે તો હંમેશા ગોળા બારૂદની કમીની વાત કરતા રહ્યા છો અને હવે યુદ્ધ આવી ગયું છે તો એવામાં તમે કેવી રીતે લડશો. તો મેં તેનો જવાબ આપ્યો હતો કે અમારી પાસે જે કઈ છે અમે તેનાથી લડીશું. આ કોઈ બહાદુરીની વાત નહતી પરંતુ એક એવી સિચ્યુએશન હતી જેમાં અમે હેલ્પલેસ હતાં. અમારી પાસે બીજો કોઈ ચારો નહતો. તો આવા સંજોગોમાં એક આર્મી ચીફ બીજુ શું કરત. હું નહતો ઈચ્છતો કે આવા હાલાતમાં અમારા જવાનોનો જુસ્સો કોઈ પણ રીતે તૂટે અને તેમના પર કોઈ ખોટી અસર થાય. 

કારગિલ યુદ્ધથી પાઠ ન ભણ્યાં, હથિયારો માટે આજે પણ ઝઝૂમી રહી છે સેના

સવાલ: સર, કારગિલ યુદ્ધના 19 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને તમે કહી રહ્યાં છો કે તે સમયે બે કમી હતી- એક ઈન્ટેલિજન્સનું નિષ્ફળ થવું અને બીજુ હથિયારો તથા ગોળા બારૂદની કમી હોવી. તમને શું લાગે છે કે આપણે આ ભૂલોમાંથી પાઠ ભણ્યા? આજે આપણી ઈન્ટેલિજન્સ અને ગોળા બારૂદની શું સ્થિતિ છે?
જવાબ: ઈન્ટેલિજન્સ અંગે હું હાલ કશું કહી શકુ નહી. કારણ કે તે સમયે જે ઈન્ટેલિજન્સ ચીફ હતા અજીત ડોભાલ તે હાલ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેઓ પોતે હાલ ઈન્ટેલિજન્સને જોઈ રહ્યાં છે. તેઓ ઈન્ટેલિજન્સના માણસ છે. પરંતુ જ્યાં સુધી ગોળા બારૂદ અને સામગ્રીની વાત છે તો એવું સાંભળવામાં આવ્યું છે કે હજુ પણ સ્થિતિ ખરાબ છે. થોડા સમય પહેલા આર્મીના વાઈસ ચીફે પાર્લિયામેન્ટની એક કમિટીમાં કહ્યું હતું કે અમારી પાસે આધુનિકીકરણમાં આવી રહેલી કમીઓને પૂરી કરવા માટે નાણા નથી. એરફોર્સવાળાઓએ પણ કઈંક આવા જ નિવેદન કર્યા છે. જે નિવેદનો અમે સાંભળી રહ્યાં છે, વાંચી રહ્યાં છીએ તેને જોઈને લાગે છે કે હાલત હજુ પણ ઠીક નથી. 

સવાલ: કારગિલ યુદ્ધને એક લાંબો સમય વિતી ગયો છે. તે અંગે તમે પુસ્તક પણ લખ્યું, પરંતુ આમ છતાં એક સવાલ ઊભો થાય છે કે શું કોઈ એવી ક્ષણ આવી હતી કે તમે હચમચી ગયા?
જવાબ: એક તો આપણું એક વિમાન અને એક હેલિકોપ્ટર તૂટી પડ્યું, બીજું જ્યારે આપણા તોરો લિંક પર હુમલો થયો ત્યારે ત્યાં અનેક દિવસો સુધી ફોક્સ ફાઈટ ચાલતી રહી. આમને સામને ફાયરિંગ થઈ રહ્યું છે, ગોળા વરસી રહ્યાં છે. ચાર પાંચ દિવસ સુધી જ્યારે આ રીતે લડાઈ ચાલી તો અમને પણ લાગ્યું કે આ શું થઈ રહ્યું છે. અમારાથી શું થઈ શકશે? મુશ્કેલીઓ વિશે જાણ થઈ. પરંતુ હું એરફોર્સની બહાદુરીને દાદ આપું છું અને અમારા જવાનોની બહાદુરીને દાદ આપુ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news