કચ્ચાતિવુ ટાપુના મુદ્દાને કેમ ચગવી રહ્યો છે ભાજપ? શું માછીમારોના સહારે 400 પારનો લક્ષ્યાંક પાર પડશે

લોકસભા ચૂંટણીમાં 400 પારના ભાજપના લક્ષ્યાંકમાં તમિલનાડુનું જે ગણિત છે તે પાર્ટી સામે જે મોટા પડકારો છે તેમાંનો એક ગણી શકાય. હાલ ભાજપ કચ્ચાતિવુ ટાપુને લઈને ખુબ આક્રમક તેવરમાં જોવા  મળી રહ્યો છે. લાગે છે કે આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં છવાયેલો રહેશે.

કચ્ચાતિવુ ટાપુના મુદ્દાને કેમ ચગવી રહ્યો છે ભાજપ? શું માછીમારોના સહારે 400 પારનો લક્ષ્યાંક પાર પડશે

લોકસભા ચૂંટણીમાં 400 પારના ભાજપના લક્ષ્યાંકમાં તમિલનાડુનું જે ગણિત છે તે પાર્ટી સામે જે મોટા પડકારો છે તેમાંનો એક ગણી શકાય. હાલ ભાજપ કચ્ચાતિવુ ટાપુને લઈને ખુબ આક્રમક તેવરમાં જોવા  મળી રહ્યો છે. લાગે છે કે આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં છવાયેલો રહેશે. તમિલનાડુમાં લગભગ 1000 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. જેની આજુબાજુ 600 જેટલા ગામડા એવા છે જ્યાં માછીમારો વસેલા છે. આ દરિયાકિનારે લગભગ 10 લાખ જેટલા માછીમારો રહે છે. તમને પણ એમ થતું હશે કે આખરે ભાજપ આ ટાપુનો મુદ્દો હાલ કેમ આટલો ચગવી રહ્યો છે. 

જાણકારો કહે છે કે માછીમારોનો સમુદાય અનેક વિધાનસભા વિસ્તારો અને લોકસભા મતવિસ્તારોમાં અસર ધરાવે છે. તેમના મતથી ચૂંટણીનું પરિણામ નિર્ણાયક સ્તરે પહોંચી શકે છે. રાજ્યમાં હાલ જેની સરકાર છે તે ડીએમકે ગઠબંધન, એનડીએ અને AIADMK વચ્ચે ત્રિકોણીય જંગ આ વખતે ચૂંટણીમાં જોવા મળી શકે છે. 

DMK નો માછીમારોની ઉપેક્ષાનો આરોપ
ડીએમકે તરફથી સતત કેન્દ્રની મોદી સરકાર સામે માછીમારોની ઉપેક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પાર્ટી નેતા આરોપ લગાવે છે કે મોદી સરકાર શ્રીલંકાને નાણાકીય મદદ આપે છે જ્યારે શ્રીલંકા ખોટા આરોપો લગાવીને ભારતીય માછીમારોને પકડી લે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 20 વર્ષમાં શ્રીલંકાએ 6184 ભારતીય માછીમારોને પકડ્યા અને તે દરમિયાન 1175 ભારતીય માછલી પકડવામાં ઉપયોગમાં લેવાતી હોડીઓ જપ્ત કરી. આ મુદ્દો લોકલ લેવલે ગરમ રહેશે કારણ કે કરાઈકલમાં માછીમારોએ શ્રીલંકન સેના તરફથી ધરપકડ કરાયેલા માછીમારોના છૂટકારાની માગણીને લઈને 4 એપ્રિલથી અનિશ્ચિતકાળ હડતાળ પર જવાનું અને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. લોકોની  ફરિયાદ છે કે 2014માં નેતા સુષમા સ્વરાજ તરફથી રામેશ્વરમમાં પાર્ટીના પ્રચાર દરમિયાન શ્રીલંકન વિવાદને ઉકેલવાનું વચન અપાયું હતું. જો કે સત્તામાં આવ્યા બાદ સુષમા સ્વરાજે વિદેશ મંત્રાલય સંભાળ્યું હતું પરંતુ સ્થિતિ તો જેમ હતી તેમ જ છે. 

બીજી બાજુ રાજકીય વિશ્લેષક શેખર ઐય્યરનું કહેવું છે કે ચૂંટણીને લઈને ભાજપને પોતાના વચનો છે. તેઓ  કહે છે કે માછીમારોની ખુબ સમસ્યા છે. તેમની પાસે નાની બોટ અને મોટર હતી જેથી કરીને તેઓ સમુદ્રના ઊંડા પાણીમાં જઈ શકતા નહતા. મેરીટાઈમ ટેરેટરી બહુ સ્પષ્ટન હોવાના કારણે શ્રીલંકા કહેતું રહે છે કે તેઓ તેમની હદમાં આવી ગયા છે. આ સાથે જ ફિશિંગ કરવાની પણ ટેક્નિકલ ક્ષમતા નહતી. કેન્દ્રની ભાજપ સરકાર દાવો કરે છે કે તેમણે બ્લૂ ઈકોનોમી કોન્સેપ્ટ દ્વારા માછીમારોની સ્થિતિ સુધારવાની કોશિશ કરી છે. જો કે સવાલ 2020માં સામે આવેલી રાષ્ટ્રીય મત્સ્ય પાલન નીતિને લઈને રહ્યો છે. આ સમુદાય સાથે જોડાયેલો એક વર્ઘ આ નીતિ દ્વારા કોર્પોરેટનો પક્ષ લેવાનો પણ આરોપ લગાવતો રહ્યો છે. 

શું છે દક્ષિણ ભારતનું સમીકરણ
ગત વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેના નેતૃત્વવાળા ગઠબંધને 39માંથી 38 બેઠકો જીતી હતી. 2014માં 37 બેઠકો પર જીત મેળવનારી AIADMK ને ગત ચૂંટણીમાં ફક્ત એક બેઠક મળી હતી. ભાજપનું પ્રદર્શન પણ ખુબ નિરાશાજનક હતું. 2014માં તેને 5.56% મત મળ્યા હતા. જે 2019માં ઘટીને 3.66% રહી ગયા. 

ક્યાંથી ઉઠ્યો આ ટાપુનો મામલો
અત્રે જણાવવાનું કે ભારત અને શ્રીલંકા વચ્ચે આવતા કચ્ચાતિવુ ટાપુ અંગે રાજકારણ ગરમાયું છે. પીએમ મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે કોંગ્રેસે જાણી જોઈને કચ્ચાતિવુ ટાપુ શ્રીલંકાને આપી દીધો. જેને લઈને ભારતીયોમાં ગુસ્સો છે અને તેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કોંગ્રેસ પર ભરોસો કરી શકાય નહીં. 

વાત જાણે એમ છે કે તમિલનાડુ ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈએ એક આરટીઆઈ દાખલ કરી હતી જેના જવાબમાં જાણવા મળ્યું કે 1974માં તત્કાલિન પીએમ ઈન્દિરા ગાંધી સરકાર અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાયકે વચ્ચે એક સંધિ થઈ હતી. જે હેઠળ ભારતે કચ્ચાતિવુ ટાપુ શ્રીલંકાને સોંપ્યો હતો. પીએમ મોદીની પોસ્ટ બાદ આ મુદ્દો ગરમાયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો કે સંધિ હેઠળ શ્રીલંકાથી 6 લાખ તમિલોનો ભારત પાછા લાવી શકાયા હતા. 

ક્યાં છે આ ટાપુ
કચ્ચાતિવુ તમિલનાડુના રામેશ્વરથી 25 કિમી ઉત્તર પશ્ચિમમાં આવેલો એક ટાપુ છે. 1974ની સંધિ બાદ આ ટાપુ શ્રીલંકા પાસે ગયો. આ સંધિએ બંને દેશો વચ્ચે જળસીમા પણ નક્કી કરી હતી. હાલ અધિકૃત રીતે ભારત અને શ્રીલંકા વચ્ચે કોઈ સરહદ વિવાદ નથી. પરંતુ આમ છતાં આ ટાપુ કેવી રીતે બંને દેશો વચ્ચે અડચણ બનેલો છે. આ ટાપુ બંગાળની ખાડીને અરબ સાગર સાથે જોડે  છે. જે 285 એકરમાં ફેલાયેલો છે. જો તેના એરિયાની સરખામણી કરીએ તો તે દિલ્હીનું જેએનયુ કેમ્પસ તેનાથી લગભગ સાડા ત્રણ ગણું મોટું હશે. જ્યારે લાલ કિલ્લાથી થોડોક જ નાનો હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news