મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

મહાન દોડવીર મિલ્ખા સિંહના પત્ની અને પૂર્વ વોલીબોલ ખેલાડી નિર્મલ કૌરનું 85 વર્ષની વયે નિધન થયું છે.   

Updated By: Jun 13, 2021, 10:49 PM IST
મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

નવી દિલ્હીઃ મહિલા વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન દોડવીર મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું કોરોના સંક્રમણને કારણે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. તેમના નિધન પર પરિવારે કહ્યું કે, અમને તે જણાવતા દુખ થઈ રહ્યું છે કે કોવિડ વિરૂદ્ધ બહાદુરીથી જંગ લડતા નિર્મલ મિલ્ખા સિંહનું નિધન થઈ ગયું છે. 

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મિલ્ખા સિંહ અને તેમના પત્ની બન્ને કોરોનાથી સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા હતા. 5 જૂને જારી હેલ્થ અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે મિલ્ખા સિંહની સ્થિતિ સ્થિર પરંતુ તેમની પત્નીની હાલત બગડી રહી છે. તેઓ આશરે ત્રણ સપ્તાહ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. 

મિલ્ખા સિંહની હાલત સ્થિર
રવિવારે રાત્રે ચંડીગઢના PGIMER ના ડાયરેક્ટર જગત રામે મિલ્ખા સિંહના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યુ- મિલ્ખા સિંહના ઓક્સિજન સેચુરેશનમાં સુધાર આવ્યો છે. તેમની સ્થિતિ સ્થિર છે. મહત્વનું છે કે કોરોનાથી સંક્રમિત મિલ્ખા સિંહને PGIMER માં દાખલ કરવામાં આવ્યા હતા. 

તમને જણાવી દઈએ કે મિલ્ખા સિંહને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ ઘરમાં પણ તેઓ ઓક્સિજન સપોર્ટ પર હતા. 20 મેએ મિલ્ખા સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 30 મેએ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલથી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે મિલ્ખા સિંહને ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube