ભારતે PAKના જૂઠ્ઠાણાઓની ખોલી પોલ, ચારેબાજુથી ઘેરાઈ રહ્યું છે પાકિસ્તાન
બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરી.
Trending Photos
નવી દિલ્હી: બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે એફ-16ના તમામ પુરાવા મળ્યા બાદ પણ પાકિસ્તાન આ મામલે ખોટું બોલી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકી સંગઠન જેશ એ મોહમ્મદને બચાવવાનું કામ કરી રહ્યું છે.
રવીશકુમારે કહ્યું કે પુલવામામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી પરંતુ પાકિસ્તાન આ મામલે જૈશની ભૂમિકાને નકારતું રહ્યું છે. તેમણે કહ્યું કે શું પાકિસ્તાન જૈશ એ મોહમ્મદને બચાવવા માંગે છે. પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનની દાનત પર સવાલ ઉઠાવતા રવીશકુમારે કહ્યું કે શું પાકિસ્તાન જૈશ એ મોહમ્મદની સુરક્ષાનું કામ કરી રહ્યું છે.
રવીશકુમારે વધુમાં કહ્યું કે પાકિસ્તાને પોતાના ત્યાં આતંકવાદને ન ઉછેરવા દેવાની વાત કરી હતી. પરંતુ તેણે આતંકવાદ પર કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. તેમણે કહ્યું કે એક માર્ચના રોજ બીબીસી સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાનના વિદેશમંત્રીએ પોતે કહ્યું હતું કે જૈશનો ચીફ મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે. તેમણે કહ્યું કે આતંકી સંગઠન અને આતંકીઓ સતત પાકિસ્તાનમાં સક્રિય જોવા મળે છે પરંતુ પાકિસ્તાન તેના પર ગંભીર જોવા મળતું નથી.
વૈશ્વિક સ્તરે ભારત તરફથી તેમની ધરતી પર આતંકવાદના પૂરાવા મળ્યા બાદ પણ પાકિસ્તાન તે અંગે કોઈ કાર્યવાહી કરતું નથી. તેમણે કહ્યું કે બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ જે પણ કઈ કર્યું આમ છતાં આતંકી સંગઠન અને આતંકીઓ સતત પાકિસ્તાનમાં પોતાની સક્રિયતા જાળવી રહ્યાં છે પરંતુ પાકિસ્તાન તેના પર ગંભીર નથી.
રવીશકુમાર દ્વારા કહેવાયેલી મહત્વની વાતો....
- એફ 16 પર પાકિસ્તાન સતત ખોટું બોલી રહ્યું છે.
- જૈશ એ મોહમ્મદે પોતે પુલવામા આતંકી હુમલાની જવાબદારી લીધી પરંતુ પાકિસ્તાન સતત તે વાતનો ઈન્કાર કરી રહ્યું છે.
- પાકિસ્તાને પોતાના ત્યાં આતંકવાદને શરણ ન આપવાની વાત કરી હતી પરંતુ તેણે આતંકીઓ પર કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.
- પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદની સંડોવણીને તેણે નકારી.
- પાકિસ્તાન સતત ખોટા દાવા કરી રહ્યું છે.
- પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પોતે કહ્યું હતું કે જૈશનો ચીફ મસૂદ પાકિસ્તાનમાં છે.
- પાકિસ્તાનમાં સતત આતંકી સંગઠનો સક્રિય છે પરંતુ પાકિસ્તાન તેને ગંભીરતાથી લેતુ નથી.
- પુરાવા આપ્યા હોવા છતાં પાકિસ્તાન આતંકીઓ પર કોઈ કાર્યવાહી કરતું નથી.
- જૈશ એ મોહમ્મદના પ્રવક્તાની જેમ કામ કરે છે પાકિસ્તાન.
- અમારી એર સ્ટ્રાઈસ મિલેટ્રી સ્ટ્રાઈક નહતી. પરંતુ આતંકીઓ પર કરાયેલી કાર્યવાહી હતી.
- એફ 16 પર અપાયેલા પુરાવાને પણ પાકિસ્તાન નકારે છે.
અમે નીરવ મોદી અને વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે સતત કોશિશ કરી રહ્યાં છીએ.
- બ્રિટન સરકારને નીરવના પ્રત્યાર્પણ માટે પૂછવામાં આવ્યું છે.
- અમને ખબર છે કે નીરવ મોદી લંડનમાં છે.
300 આતંકીઓનો ખાતમો
અત્રે જણાવવાનું કે પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરીને તબાહી મચાવી હતી. આ આતંકી હુમલામાં 300 આતંકીઓના મોત થયા હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય સુરક્ષા એજન્સીઓને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા અગાઉ ટેક્નિકલ સર્વિલાન્સથી જાણવા મળ્યું હતું કે આતંકી કેમ્પોમાં 300 મોબાઈલ એક્ટિવ હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ NTROએ ભારતીય વાયુસેના પાસેથી મંજૂરી મળ્યા બાદ ખેબરપખ્તુનવા ક્ષેત્રના આતંકી ઠેકાણાને સર્વિલાન્સમાં લીધા હતાં. એર સ્ટ્રાઈક બાદ આ બધા મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા હતાં.
અત્રે નોંધનીય છે કે 27 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ભારતીય સેનાના સ્થળને નિશાન બનાવવાની કોશિશ કરી હતી જેમાં તેઓ અસફળ રહ્યાં હતાં. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ તેમને ખદેડી મૂક્યા હતાં અને પાકિસ્તાનનું એક એફ 16 વિમાન પણ તોડી પાડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે