યુથ કોંગ્રેસ દ્વારા એલ્જો કે. જોસેફની પાર્ટીમાંથી તાત્કાલિક હકાલપટ્ટી કરાઈ

યુથ કોંગ્રેસના પ્રવક્તા અમરીષ રંજન પાંડએ જણાવ્યું કે, જોસેફ અંગત રીતે મિશેલના વકીલ તરીકે હાજર થયો હતો, તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી 

યુથ કોંગ્રેસ દ્વારા એલ્જો કે. જોસેફની પાર્ટીમાંથી તાત્કાલિક હકાલપટ્ટી કરાઈ

નવી દિલ્હીઃ બુધવારે ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયા રહેલા ક્રિશ્ચન મિશેલ તરફથી કોર્ટમાં વકીલ તરીકે હાજર રહેવા બદલ અલ્જો કે. જોસેફને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસના પ્રવક્તા અમરીષ રંજન પાંડએ જણાવ્યું કે, જોસેફ અંગત રીતે મિશેલના વકીલ તરીકે હાજર થયો હતો, તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી,

અમરીષ રંજન પાંડેએ વધુમાં જણાવ્યું કે, "અલ્જો કે. જોસેફ તેની અંગત રીતે આ કેસમાં હાજર રહ્યો હતો. તેણે આ કેસમાં હાજર રહેતાં પહેલાં યુથ કોંગ્રેસનો સંપર્ક સાધ્યો ન હતો. ઈન્ડિયન યુથ કોંગ્રેસ આવું વર્તન જરા પણ ચલાવી નહીં લે."

— ANI (@ANI) December 5, 2018

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, "ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા અલ્જો કે જોસેફને તાત્કાલિક ધોરણે ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાયદા વિભાગમાંથી દૂર કરવામાં આવ્યા છે અને સાથે જ તેને પક્ષમાંથી પણ તાત્કાલિક ધોરણે હાંકી કાઢવામાં આવે છે."

આ પગલું અલ્જો કે જોસેફ દ્વારા થોડા સમય પહેલાં જ કરવામાં આવેલી સ્પષ્ટતા બાદ લેવાયું છે. મિશેલના વકીલ અલ્જો કે. જોસેફે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મારા એક મિત્ર છે જેના દુબઈમાં કેટલાક કનેક્શન છે. તેના દ્વારા જ ઈટાલીના વકીલે મને આ કેસ લડવા માટે વિનંતી કરી હતી. આથી હું આ કેસ લડી રહ્યો છું અને મિશેલને મદદ કરી રહ્યો છું. 

જોસેફે વધુમાં જણાવ્યું કે, હું સક્રિય રીતે વકીલાત કરી રહ્યો છું અને આ મારો વ્યવસાય છે. મિશેલના કેસમાં પણ હું મારા વ્યવસાયની ફરજના ભાગ રૂપે રજૂ થયો હતો. જો કોઈ મને મારા ક્લાયન્ટ માટે હાજર રહેવાનું કહેશે તો એક વકીલ તરીકે હું મારી ફરજનું પાલન કરીશ. તેમણે જણાવ્યું કે, આ બાબતને કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી.

આ વિવાદ ત્યારે વધુ વકર્યો હતો જ્યારે ભાજપના મુંબઈ એકમના પ્રવક્તા સુરેશ નાખુઆએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મિશેલ તરફથી જે વકીલ કોર્ટમાં હાજર રહ્યા છે તે ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાયદા વિભાગના ઈનચાર્જ છે. 

Any guesses who is lawyer for Christian Michel ?

Mr @Aljokjoseph , National incharge, legal department, Indian youth congress (Youth wing of Cong led by #OutonBail @rahulgandhi ) pic.twitter.com/54UQGZaY3x

— Suresh Nakhua 🇮🇳 (@SureshNakhua) December 5, 2018

બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલ હતો વચેટિયો
ઉલ્લેખનીય છે કે, યુપીએ શાસનકાળ દરમિયાન રૂ. 3600 કરોડની કિંમતના 12 અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલ (57)ને મંગળવારે મોડી રાત્રે દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. મિશેલને બુધવારે સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો જ્યાં તેને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. 

કોણ છે ક્રિશ્ચન મિશેલ
સીબીઆઈના અનુસાર મિશેલ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સનો 'ઐતિહાસિક સલાહકાર' છે, જેને હેલિકોપ્ટર, સૈનિક થાણાઓ અને પાઈલટોની ટેક્નીકલ સંચાલનની માહિતી હતી. મિશેલ 1980ના દાયકાથી જ કંપની સાથે કામ કરતો હતો. આ અગાઉ તેના પિતા પણ ભારતીય ક્ષેત્રની કંપનીના સલાહકાર રહી ચૂક્યા છે. 

એજન્સીએ જણાવ્યું કે, કથિત રીતે તે વારંવાર ભારત આવતો રહેતો હતો અને ભારતીય વાયુસેના તથા સંરક્ષણ મંત્રાલયમાં નિવૃત્ત તથા વર્તમાન અધિકારીઓ સહિત વિવિધ સ્તરનાં સૂત્રોના એક મોટા નેટવર્ક દ્વારા સંરક્ષણ ક્ષેત્રની ખરીદીમાં વચેટિયાની ભૂમિકા ભજવતો હતો. 

સીબીઆઈના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ગોટાળામાં અગસ્તા વેસ્ટલેન્ડને કોન્ટ્રાક્ટ અપાવામાં અને ભારતીય અધિકારીઓને ગેરકાયદે રીતે કમિશન કે લાંચ ચૂકવવામાં વચેટિયા તરીકેની મિશેલની ભૂમિકા 2012માં બહાર આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news