જવાદનો સામનો કરવા તંત્રએ કરી આવી તૈયારીઓ, 100 કિમી ઝડપે ફૂંકાશે પવન
4 ડિસેમ્બર 2021ને શનિવારના રોજ સાંજના સમયે 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપના પવન સાથે ઉત્તર આંધ્રપ્રદેશ, ઓડિશા અને આસપાસના વિસ્તારોના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે જવાદ ચક્રવાત બનવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સંભવિત પણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તેમજ સંબંધિત એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ લોકોનું સલામતીપૂર્વક સ્થળાંતર કરવા અને વીજળી, ટેલિ-કમ્યુનિકેશન, આરોગ્ય, પીવાલાયક પાણી વગેરે આવશ્યક સેવાઓ એકધારી જળવાઇ રહે અને જો આવી સેવાઓમાં વિક્ષેપ પડે તો તાકીદના ધોરણે તેને ફરીથી શરૂ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને જરૂર હોય તેવા તમામ પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા હતા. તેમણે વધુમાં એવા પણ નિર્દેશો આપ્યા હતા કે, આવશ્યક દવાઓ અને પૂરવઠાનો પૂરતા પ્રમાણમાં જથ્થો કરવાનું પણ સુનિશ્ચિત કરવામાં આવે જેથી કોઇપણ અવરોધો વગર આ વસ્તુઓની હેરફેર કરવાનું આયોજન કરવા માટે જણાવ્યું હતું. તેમણે કંટ્રોલ રૂમોની કામગીરી 24X7 ધોરણે ચાલુ રાખવા માટે નિર્દેશો આપ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા માહિતી આપવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ પ્રેશર જવાદ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે અને 4 ડિસેમ્બર 2021ને શનિવારના રોજ સાંજના સમયે 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપના પવન સાથે ઉત્તર આંધ્રપ્રદેશ, ઓડિશા અને આસપાસના વિસ્તારોના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.
આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ છે. IMD દ્વારા તમામ સંબંધિત રાજ્યોમાં હવામાનની તાજેતરની આગાહી સાથે નિયમિત બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. કેબિનેટ સચિવે દરિયાકાંઠાના તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્રીય મંત્રાલયો/સંબંધિત એજન્સીઓ સાથે આ પરિસ્થિતિ તેમજ તેને પહોંચી વળવા માટે કરાયેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ગૃહ મંત્રાલય દ્વારા 24X7 ધોરણે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ સંબંધિત કેન્દ્રીય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. MHA દ્વારા પહેલાંથી જ તમામ રાજ્યોમાં SDRFનો પ્રથમ હપતો અગાઉથી રીલિઝ કરી લેવામાં આવ્યો છે. NDRF દ્વારા હોડીઓ, ટ્રી-કટર્સ, ટેલિકોમના ઉપકરણો વગેરેથી સજ્જ 29 ટીમોને પહેલાંથી જ નિયુક્ત કરી દેવામાં આવી છે અને 33 ટીમોને સાબદી રાખવામાં આવી છે.
ભારતીય તટરક્ષક દળ અને નૌકાદળ દ્વારા રાહત, સર્ચ અને બચાવ ઓપરેશનો માટે જહાજો અને હેલિકોપ્ટરો તૈનાત કરવામાં આવ્યા છે. વાયુદળ અને સૈન્યના એન્જિનિયર ટાસ્ક ફોર્સના એકમોને હોડીઓ અને બચાવના ઉપકરણો સાથે સજ્જ રાખવામાં આવ્યા છે અને નિયુક્તિ માટે તેમને સાબદા કરાયા છે. સર્વેલન્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં હવાઇ દેખરેખ રાખવાનું ચાલુ છે. આપત્તિ રાહત ટીમો અને મેડિકલ ટીમોને પણ પૂર્વીય દરિયાકાંઠા વિસ્તારના વિવિધ સ્થળોએ તૈનાત રાખવામાં આવી છે.
ઊર્જા મંત્રાલય દ્વારા કટોકટી પ્રતિભાવ પ્રણાલીઓને સક્રિય કરી દેવામાં આવી છે અને ટ્રાન્સફોર્મર, DG સેટ તેમજ અન્ય ઉપકરણો તૈયાર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી વીજળીનો પૂરવઠો તાત્કાલિક ધોરણે ફરીથી શરૂ થઇ શકે. કમ્યુનિકેશન મંત્રાલય તમામ ટેલિકોમ ટાવરો અને અને એક્સચેન્જ પર સતત દેખરેખ રાખી રહ્યું છે અને ટેલિકોમ નેટવર્કમાં વિક્ષેપ આવે તો ઝડપી ફરીથી શરૂ કરવા મટે સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સંભવિતપણે ચક્રવાતની અસર હેઠળ આવી શકે તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે આરોગ્ય ક્ષેત્રની પૂર્વતૈયારીઓ અને કોવિડ અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિભાવ માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તમામ જહાજોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને ઇમરજન્સી જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યોને દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં રસાયણ અને પેટ્રોકેમિકલ સહિતના વિવિધ ઔદ્યોગિક સ્થાપત્યોને સતર્ક રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
NDRF દ્વારા રાજ્યની એજન્સીને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતરણ કરવા માટેની તૈયારોમાં મદદ કરવામાં આવી રહી છે અને ચક્રવાતની સ્થિતિનો કેવી રીતે સામનો કરવો તે અંગે સતત સામુદાયિક જાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યાં છે. આ બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, NDRFના મહાનિદેશક અને IMDના મહાનિદેશક ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે