ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ઠુકરાવી કોંગ્રેસની ઓફર, સુરજેવાલાએ આપી જાણકારી

Prashant Kishor: 2024ની તૈયારી કરી રહેલી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ થવાની ના પાડી દીધી છે. 
 

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ઠુકરાવી કોંગ્રેસની ઓફર, સુરજેવાલાએ આપી જાણકારી

નવી દિલ્હીઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એકબાદ એક ચૂંટણીમાં થઈ રહેલા પરાજય બાદ હવે લોકસભા-2024ની તૈયારી કરી રહી છે. તે માટે પાર્ટીમાં ઘણા પ્રકારના ફેરફાર કરવાનું સૂચન આપવામાં આવ્યા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકા સૌથી મહત્વની માનવામાં આવી રહી હતી. પરંતુ હવે કોંગ્રેસ તરફથી એક નિવેદન સામે આવ્યું છે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસની કમિટીમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. 

કોંગ્રેસ તરફથી આપવામાં આવી હતી ઓફર
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી માહિતી આપવામાં આવી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફથી 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને આ ગ્રુપના ભાગ બનાવવા અને તમામ જવાબદારી સંભાળવાની ઓફર આપવામાં આવી હતી. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો છે. અમે તેમના પ્રયાસ અને પાર્ટીને આપવામાં આવેલા સૂચનોનું સન્માન કરીએ છીએ. 

— ANI (@ANI) April 26, 2022

પ્રશાંત કિશોરે આપ્યા હતા અનેક સૂચનો
મહત્વનું છે કે આ પહેલાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને આવનારી ચૂંટણીને લઈને સૂચનો આપ્યા હતા. જણાવવામાં આવ્યું કે એક પ્રેઝન્ટેશન સોનિયા ગાંધી સુધી પહોંચાડવામાં આવ્યું હતું. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે તેના પર કામ કરવામાં આવશે. ખુદ સોનિયા ગાંધીએ અનેકવાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ જલદી પ્રશાંત કિશોરને પાર્ટીમાં કોઈ મહત્વનું પદ સોંપી શકે છે. પરંતુ હવે પાર્ટી તરફથી કહી દેવામાં આવ્યું કે પીકેએ આમ કરવાનો ઇનકાર કરી દીધો છે. 

પ્રશાંત કિશોરે આપ્યો જવાબ
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ મને એમ્પાવર્ડ એક્શન ગ્રુપમાં સામેલ થવા અને ચૂંટણીની જવાબદારી સંભાળવાની ઓફર આપી હતી, પરંતુ મેં ઇનકાર કરી દીધો છે. મારાથી વધુ આ સમયે પાર્ટીને સંયુક્ત પ્રયાસ અને સારા નેતૃત્વની જરૂર છે જે તેના મૂળમાં રહેલી સમસ્યાને ખતમ કરી શકે. 

— ANI (@ANI) April 26, 2022

રાજસ્થાનમાં કોંગ્રેસની ચિંતન શિબિર
મહત્વનું છે કે રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર આયોજીત થવાની છે. આશરે 9 વર્ષ બાદ પાર્ટી આ ચિંતન શિબિરનું આયોજન કરી રહી છે. ખાસ વાત છે કે તે માટે બનાવવામાં આવેલી 6 કમિટીઓમાં કોંગ્રેસથી નારાજ જી-23 ના નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જાણવા મળ્યું કે પ્રશાંત કિશોરના કહેવા પર આમ કરવામાં આવ્યું છે. કારણ કે પીકેએ ખુદ જી-23ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસની આ ચિંતન શિબિર 13થી 15 મે સુધી ચાલશે. આ ત્રણ દિવસમાં અનેક મુદ્દા પર ચર્ચા થશે. સાથે લોકસભા ચૂંટણી 2024ને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news