Presidential Election 2022: કોણ બનશે દેશના રાષ્ટ્રપતિ? મુર્મૂ અને સિન્હા વચ્ચે ટક્કર, સોમવારે મતદાન

Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે મતદાન થવાનું છે. તે માટે સંસદમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 

Presidential Election 2022: કોણ બનશે દેશના રાષ્ટ્રપતિ? મુર્મૂ અને સિન્હા વચ્ચે ટક્કર, સોમવારે મતદાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સોમવાર એટલે કે 18 જુલાઈ 2022ના મતદાન થશે. 21 જુલાઈએ પરિણામ જાહેર થયા બાદ 25 જુલાઈ 2022ના નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સોમવારે યોજનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. સંસદ ભવનના રૂમ નંબર-63માં 6 બૂથ બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક દિવ્યાંગ વોટર માટે છે. અલગ-અલગ રાજ્યોના કુલ 9 ધારાસભ્યો સંસદ ભવનમાં મતદાન કરશે. યુપીથી 4, ત્રિપુરાથી 2, અસમથી 1, ઓડિશાથી 1, હરિયાણાથી 1 જ્યારે 42 સાંસદ વિધાનસભાઓમાં મતદાન કરશે. 

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ તરફથી દ્રૌપદી મુર્મૂ ઉમેદવાર છે. દ્રૌપદી મુર્મૂ આદિવાસી સમુદાયથી આવે છે. મુર્મૂ અનુસૂચિત જનજાતિથી સંબંધિત બીજા વ્યક્તિ છે, જેને ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ આ પહેલા 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યાં હતા. જો દ્રૌપદી મુર્મૂ ચૂંટણી જીતશે તો તે દેશના રાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી મહિલા હશે. 

યશવંત સિન્હા છે વિપક્ષના ઉમેદવાર
તો વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ પૂર્વ પીએમ ચંદ્રશેખરની સરકારમાં 1990થી 1991 સુધી અને પછી 1998થી 2002 સુધી પૂર્વ પ્રધાનમંત્રી અટલજીની સરકારમાં નાણામંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. યશવંત સિન્હા દેશના વિદેશ મંત્રી પણ રહ્યા હતા. 2018માં પાર્ટી છોડતા પહેલા તે ભાજપના વરિષ્ઠ નેતા હતા. ત્યારબાદ તેઓ ટીએમસીમાં સામેલ થયા હતા. પરંતુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયાના એક દિવસ પહેલા તેમણે ટીએમસી છોડી દીધી હતી. 

એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત પાક્કી
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો પક્ષ મજબૂત માનવામાં આવી રહ્યો છે. તેમને બીજેડી, વાઈએસઆર કોંગ્રેસ, બસપા, એઆઈડીએમકે, તેલુગુ દેશમ પાર્ટી, શિરોમણિ અકાલી દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોર્ચાનું સમર્થન મળેલું છે. એટલે કે દ્રૌપદી મુર્મૂ મોટા અંતરે જીત મેળવી શકે છે. 

કેટલું છે સાંસદ અને ધારાસભ્યોના મતનું મૂલ્ય?
નોંધનીય છે કે ચૂંટણી પંચ પ્રમાણે આ વખતે એક સાંસદના મતનું મૂલ્ય 700 છે. તો અલગ-અલગ રાજ્યોમાં દરેક ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે, પછી ઝારખંડ અને તમિલનાડુમાં 176 છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 175 છે. તો સિક્કિમમાં દરેક ધારાસભ્યોના મતનું મૂલ્ય સાત છે, જ્યારે નાગાલેન્ડમાં તે 9 અને મિઝોરમમાં આઠ છે. ગુજરાતમાં દરેક ધારાસભ્યોના મતનું મૂલ્ય 147 છે. મતદાન બાદ 21 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news