મને સંપૂર્ણ વિશ્વાસ છે, પ્રિયંકા એ કામ કરશે જેની UPમાં જરૂર છેઃ રાહુલ ગાંધી
તેમણે જણાવ્યું કે, આ નિર્ણયથી ઉત્તરપ્રદેશમાં નવા પ્રકારના વિચારનો જન્મ થશે અને રાજકારણમાં સકારાત્મક પરિવર્તન આવશે
Trending Photos
અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને પક્ષના મહામંત્રી અને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવાયા બાદ બુધવારે જણાવ્યું કે, તેમના આવવાથી ઉત્તરપ્રદેશમાં એક નવા વિચારનો જન્મ તશે અને રાજનીતિમાં સકારાત્મક પરિવર્તન આવશે. રાહુલે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેં ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મિશન આપ્યું છે કે, તેઓ રાજ્યમાં કોંગ્રેસની સાચી વિચારધારા, ગરીબો અને નબળા વર્ગોની વિચારધારા, સૌને સાથે લઈને ચાલવાની વિચારધારાને આગળ ધપાવે.
રાહુલે જણાવ્યું કે, "મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રિયંકા અને જ્યોતિરાદિત્ય એ કામ કરશે જેની ઉત્તરપ્રદેશને જરૂર છે. ઉત્તર પ્રદેશના યુવાનો જે ઈચ્છે છે તે કોંગ્રેસ પાર્ટી આપી શકે છે."
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહામંત્રી નિમવાની સાથે-સાથે પૂર્વ ઉત્તરપ્રદેશનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવાયા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "અમે ક્યારેય બેકફૂટ પર નહીં રમીએ. અમે રાજનીતિ જનતા માટે, વિકાસ માટે કરીએ છીએ, જ્યાં તક મળશે ત્યાં અમે ફ્રન્ટફૂટ પર જ રમીશું."
રાહુલે જણાવ્યું કે, તેઓ બસપા સુપ્રીમો માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવનું પૂરેપુરું સન્માન કરે છે. કોંગ્રેસ અને સપા-બસપાની વિચારધારામાં ઘણી સમાનતા છે. અમારી લડાઈ ભાજપ સામે છે. રાહુલે જણાવ્યું કે, સપા અને બસપાની સાથે અમે જ્યાં પણ સહયોગની જરૂર હશે તે આપવા તૈયાર છીએ.
રાહુલે વધુમાં જણાવ્યું કે, "રાજ્યમાં કોંગ્રેસ પક્ષનું એક સ્થાન બનાવવું એ કામ અમારું છે. અમે અહીં એક સ્થાન ઉભું કરવા માટે આ મોટું પગલું ભર્યું છે. મને આનંદ છે કે મારી બહેન મારી સાથે કામ કરશે. જ્યોતિરાદિત્ય પણ ઊર્જાવાન યુવાન છે."
રાહુલ ગાંધીએ જનતાને આહવાન કરતા જણાવ્યું કે, "તમે આમને (ભાજપ)ને હટાવો. અમે તમને નવી દિશા આપીશું. અમારી ઈચ્છા છે કે ઉત્તરપ્રદેશ નંબર-1 રાજ્ય બને. હું કોઈ જાતિ-ધર્મની વાત કરતો નથી. અહીંના યુવાનોએ પોતાના રાજ્યને જોયું છે કે કેવી રીતે તેનો નાશ કરાયો છે. અમે તમારી સાથે એક નવું સ્વપ્ન પૂરું કરવા માગીએ છીએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે