MP: રાહુલ ગાંધીના પ્રહાર, કહ્યું-'મોદીજી જ્યાં પણ જાય છે, ત્રણ-ચાર જૂઠ્ઠાણા બોલી આવે છે'
વિધાનસભા ચૂંટણીને લઈને મધ્ય પ્રદેશમાં તમામ પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. આજે મધ્ય પ્રદેશમાં ચૂંટણીને લઈને સુપર ફ્રાઈડે રહ્યો.
Trending Photos
નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણીને લઈને મધ્ય પ્રદેશમાં તમામ પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. આજે મધ્ય પ્રદેશમાં ચૂંટણીને લઈને સુપર ફ્રાઈડે રહ્યો. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યુ તો આ બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પ્રચાર માટે સાગર પહોંચ્યાં. પીએમ મોદીની શહડોલ અને ગ્વાલિયરમાં જનસભાઓ તો રાહુલ ગાંધીની દેવરી અને સિવનીમાં સભાઓ યોજાઈ છે. રાહુલ ગાંધીની શહડોલમાં સભા હતી પરંતુ ત્યાંની સભાને સ્થગિત કરી દેવાઈ.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના સાગરના દેવરી વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યાં. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર હર્ષ યાદવ ધારાસભ્ય છે. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું કે દેશ અને પ્રદેશ સામે બહોળા પ્રમાણમાં સમસ્યાઓ છે. રાહુલે ફરીથી પોતાના ભાષણમાં કહ્યું કે જો સત્તામાં આવ્યાં તો 10 દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરાશે અને યુવાઓને રોજગારી આપવાનું પણ વચન આપ્યું.
નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર
પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. એ વાત આવનારા સમયમાં સાબિત થઈ જશે. રાહુલે કહ્યું કે અમારી સરકાર આવશે તો અમે શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાને વધુ સારી કરીશું. અમે તમારા રૂપિયા ઉદ્યોગપતિઓને નહીં આપીએ. હું ખોટા વચન નથી આપતો. મોદીજી જ્યાં જાય છે ત્યાં ત્રણ ચાર ઠાલા વચનો આપી આવે છે, પરંતુ અમે એવા નથી.
અરુણ જેટલી પર કર્યો કટાક્ષ
રાહુલે કહ્યું કે નોટબંધીના સમયે દેશના ચોરોને મેહુલ ચોક્સી, નીરવ મોદી કે કોઈ અબજપતિને લાઈનમાં ઊભેલા જોયા છે. મેહુલ ચોક્સી દેશની બહાર ગયા બાદ અરુણ જેટલીની પુત્રીના ખાતામાં પૈસા નાખે છે તો વિજય માલ્યા ભાગી જતા પહેલા અરુણ જેટલીને મળે છે. તેમને લાઈનમાં ઊભેલા જોયા છે ક્યારેય.
મધ્ય પ્રદેશમાં 75 લાખ યુવાઓ બેરોજગાર
રાહુલે કહ્યું કે શિવરાજ સિંહે પ્રદેશની સ્વાસ્થ્ય અને શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી નાખી છે. રાહુલે વધુમાં કહ્યું કે પ્રદેશની સ્વાસ્થ્ય સેવાની હાલત ખુબ ખરાબ છે. દેશ અને પ્રદેશમાં રોજગારીની ખુબ મોટી સમસ્યા છે. ભાજપ શાસિત રાજ્યોમાં જાઓ અને યુવાઓને પૂછો કે શું કરો છો તો તેમની પાસે કોઈ જવાબ નથી હોતા. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં 75 લાખ યુવા બેરોજગાર છે. બે વર્ષમાં તેમનો ગ્રાફ ખુબ ઝડપથી વધ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પણ યુવાઓ માટે કશું કરતા નથી. તેઓ ફક્ત જાહેરાતો કર્યા કરે છે.
10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરીશું
ખેડૂતોને લઈને રાહુલે શિવરાજ અને મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે શિવરાજ સિંહે 15 વર્ષમાં ખેડૂતોની કોઈ મદદ કરી નથી. મોદીએ સાડા ચાર વર્ષમાં ખેડૂતો માટે કોઈ મદદ કરી નથી. ખેડૂતોના રૂપિયા ઉદ્યોગપતિઓને આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે પંજાબમાં અમે 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કર્યાં. કર્ણાટકમાં પણ અમે 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કર્યાં. રાહુલે કહ્યું કે મધ્ય પ્રદેસમાં કોંગ્રેસની સરકાર આવવાની છે અને 10 દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરી દેવાશે. આ જ વાત અમે છત્તીસગઢમાં પણ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે