રાજસ્થાન: કોંગ્રેસની પહેલી યાદી બહાર પડતા જ ધમસાણ, રાહુલ ગાંધીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારોની પહેલી યાદી જાહેર થયા બાદ હવે પાર્ટીમાં કંકાસ ખુલીને બહાર જોવા મળી રહ્યો છે.

રાજસ્થાન: કોંગ્રેસની પહેલી યાદી બહાર પડતા જ ધમસાણ, રાહુલ ગાંધીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારોની પહેલી યાદી જાહેર થયા બાદ હવે પાર્ટીમાં કંકાસ ખુલીને બહાર જોવા મળી રહ્યો છે. જેમને ટિકિટ નથી મળી તેવા પાર્ટી કાર્યકર્તાઓમાં ખુબ અસંતોષ ઊભરીને બહાર જોવા મળ્યો. અસંતોષ કાર્યકર્તાઓ દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરની બહાર હંગામો કરતા જોવા મળ્યાં. કેટલાક નારાજ કાર્યકર્તાઓએ તો સ્પષ્ટ રીતે પૈસા લઈને ટિકિટ આપી હોવાનો આરોપ લગાવ્યો. આ બાજુ પાર્ટીના એક નારાજ નેતાએ તો ચૂરુથી ટિકિટ મેળવનારા રફીક મંડેલિયાને ઈડીના વોન્ટેડ ગણાવી દીધા અને કહ્યું કે રફીક ઉપર તો 100થી વધુ કેસ નોંધાયેલા છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને પોલીસ પકડીને તુગલક રોડ પોલીસ સ્ટેશને લઈ ગઈ. 

વાત જાણે એમ છે કે રાજ્યમાં 7 ડિસેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણી માટે  કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી જેમાં 152 ઉમેદવારોના નામ છે. કોંગ્રેસે આ યાદીમાં રાજસ્થાનના લગભગ તમામ મોટા નેતાઓને ટિકિટ આપી છે. મોટા નેતાઓમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ, પૂર્વ સીએમ અશોક ગહલોત, પૂર્વ કેન્દ્રીય મંત્રી સી પી જોશી અને વરિષ્ઠ નેતા રામેશ્વર ડૂડીના નામ સામેલ છે. સરદારપુરાથી વરિષ્ઠ નેતા અશોક ગહલોતને ટિકિટ અપાઈ છે. 

જ્યારે ટોંક વિધાનસભાથી સચિન પાયલટ ચૂંટણી લડશે. કેકડીથી રઘુ શર્મા, રાજસંદથી નારાયણ સિંહ ભાટી, નાથદ્વારાથી સી પી જોશી ચૂંટણી લડશે. હિંડોનસિટીથી ભરોસીલાલ જાટવ, જોધપુરથી હીરાલાલ, શાહપુરાથી મનીષ યાદવ, લાલસોંઠથી પરસાદીલાલ મીણા, નોંખાથી રામેશ્વર રેડ્ડી, બાનાસૂરથી શકુંતલા રાવતને ટિકિટ મળી છે. 

અત્રે જણાવવાનું કે રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે ગુરુવારના રોજ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. ખુબ ચર્ચા બાદ ટિકિટ કયા ઉમેદવારોને આપવામાં આવી છે તે અંગેની પહેલી યાદી બહાર પાડી દેવામાં આવી. 

યાદી જાહેર થયા બાદ ટિકિટ ન મેળવનારા રાજ્ય સ્તરના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષ દેખાઈ રહ્યો છે. નારાજ કાર્યકર્તાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ સ્થાન 12, તુગલક લેન બહાર હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો. રાજસ્થાનના નદબઈ બ્લોક અધ્યક્ષ પ્રશાંત ઉપાધ્યાય અને મેડતાથી દેવીકિશન દાયમાએ ટિકિટ ન મળતા વિરોધ પ્રદર્શિત કર્યો. 

પ્રશાંતનું કહેવું છે કે નદબઈથી બહારની વ્યક્તિને ટિકિટ અપાઈ છે, આથી તેઓ વિરોધ કરશે. તેમણે કહ્યું કે તેમનો વિરોધ ધ્યાનમાં ન લેવાયો તો તેઓ રાહુલ ગાંધીના ઘરની બહાર આત્મદાહ  કરશે. જ્યારે મેડતાથી દાવેદારી કરી રહેલા દેવીકિશને કહ્યું કે અહીં પણ બહારના વ્યક્તિને ટિકિટ અપાઈ અને સ્થાનિક કાર્યકર્તાઓની અવગણના થઈ. આથી તેમની કારકિર્દી ખરાબ થઈ. 

રાહુલ ગાંધીના ઘરની બહાર લોકો વિરોધ પ્રદર્શન કરતા ધરણા પર બેઠા હતાં. નદબઈથી પ્રશાંત ઉપાધ્યાય પણ અહીં પોતાના સમર્થકો સાથે ઘરણા પર બેઠા. જ્યારે ભરતપુરથી સંજય શુક્લા, મેડતાથી દેવીકિશન દાયમા બહારની વ્યક્તિને ટિકિટ આપવાનો આરોપ મૂકીને ધરણા પર બેઠા. આ બાજુ તનવીર ખાન, ચૂરુથી ટિકિટ મેળવનારા રફીક મંડેલિયાનો વિરોધ કરતા ધરણા પર બેસી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે રફીક ઈડીના વોન્ટેડ છે અને તેમના પર 100થી વધુ કેસ નોંધાયેલા છે. તેમને કોંગ્રેસે ટિકિટ આપી, જેનો અમે વિરોધ કરીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news