Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો

આખા દેશમાં કોરોનાનું તાંડવ છે પણ આ નાનકડા ગામથી તો કોરોના પણ દૂર ભાગે છે. ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી. તેમની ટેકનિક બધાએ અજમાવવા જેવી છે. 

Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો

સીકર: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર દિન પ્રતિ દિન ભયાનક બની રહી છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.95 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 2023 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. પરંતુ આમ છતાં એક ગામ એવું છે જ્યાં કોરોના ઘૂસી શક્યો નથી. આજ સુધી આ ગામમાં કોરોનાથી કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થયો નથી. 

આ રીતે કોરોનાને હરાવી રહ્યા છે લોકો
રાજસ્થાન (Rajasthan) ના સીકર જિલ્લાના આ ગામથી આપણે ઘણું શીખી શકીએ તેમ છે. આ ગામનું નામ છે સુખપુરા. ગામની વસ્તી 3 હજાર જેટલી છે. પરંતુ આ ગામમાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયો નથી. જેનું કારણ છે ગામના લોકોનું અનુશાસન અને સાવધાની. ગત વર્ષે જ્યારે આખા દેશમાં લોકડાઉન લાગ્યું હતું ત્યારે આ ગામના લોકોએ તમામ રસ્તા પર એન્ટ્રી ગેટ બનાવી દીધા હતા અને બહારથી આવનારા લોકોની તપાસ શરૂ કરી હતી. 

જરાય હળવાશમાં નથી લીધી મહામારીને
આ કામમાં પ્રશાસને પણ તેમની મદદ કરી. પરંતુ અહીં જે સમજવા જેવી વાત છે તે એ છે કે આ લોકોએ ક્યારેય આ મહામારીને જરાય હળવાશમાં લીધી નથી. કારણ કે જો  આ લોકો ગંભીરતા ન દર્શાવત તો પ્રશાસનની મદદનો પણ કોઈ ફાયદો થયો ન હોત. 

ગત એક વર્ષથી આ ગામના લોકો કોરોના વાયરસને લઈને ખુબ સાવધાની વર્તી રહ્યા છે. જેનું પરિણામ છે કે અહીં કોરોનાનું નામોનિશાન સુદ્ધા નથી. તમે કહી શકો કે આ ગામના લોકોએ લક્ષ્મણ રેખા ખેંચેલી છે જેનું પાલન 3 હજાર લોકો કરે છે. 

જુઓ VIDEO

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.95 લાખ કેસ
આ બાજુ દેશની વાત કરી એ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોના (Corona Virus) દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,56,16,130 પર પહોંચ્યો છે. જેમાંથી 1,32,76,039 લોકો અત્યાર સુધીમાં રિકવર થયા છે. જ્યારે 21,57,538 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક મૃત્યુઆંકડો નોંધાયો છે. 2023 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,67,457 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 13,01,19,310 લોકોને રસી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news