SC ની ઓડિટ પેનલના રિપોર્ટ બાદ BJP એ દિલ્હી સરકાર પર કર્યા આકરા પ્રહાર, Manish Sisodia આપ્યો જવાબ
કોરોના (Corona) ની બીજી લહેર દરમિયાન દિલ્હી સરકાર દ્વારા જરૂરિયાત કરતા વધુ ઓક્સિજનની માગણીને લઈને ભાજપના નેતા સંબિત પાત્રાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના (Corona) ની બીજી લહેર દરમિયાન દિલ્હી સરકાર દ્વારા જરૂરિયાત કરતા વધુ ઓક્સિજનની માગણીને લઈને ભાજપના નેતા સંબિત પાત્રાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તેમણે એક જઘન્ય અપરાધ કર્યો છે. આ માટે તેમણે માફી માંગવી જોઈએ. ત્યારબાદ તરત દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ આરોપો પર જવાબ આપતા કહ્યું કે એવો કોઈ રિપોર્ટ છે જ નહીં.
12 રાજ્યોમાં ઓક્સિજન સપ્લાય ખોરવાયો
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ અરવિંદ કેજરીવાલ પર ખોટું બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમના જૂઠના કારણે 12 રાજ્યોમાં ઓક્સિજન સપ્લાયમાં વિધ્ન આવ્યું. જો આ રાજ્યોને ઓક્સિજન મળી જાત તો કેટલા લોકોના જીવ બચી શકે તેમ હતા.
અરવિંદ કેજરીવાલ ખોટું બોલ્યા- સંબિત પાત્રા
સંબિત પાત્રાએ કહ્યું કે કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 'તેમણે ICMR ની ગાઈડલાઈન્સ મુજબ ઓક્સિજનનું કેલ્ક્યુલેશન કર્યું હતું. પરંતુ જ્યારે કમિટીએ અરવિંદ કેજરીવાલ પાસે ICMR ની ગાઈડલાઈનની કોપી માંગી તો તેમણે હાથ ઊંચા કરી દીધા. જેનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં ખોટું બોલ્યા.'
'એક જ દિવસમાં બતાવવામાં આવ્યાં બે અલગ અલગ આંકડા'
સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે 6 મેના રોજ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરીને 700 મેટ્રિક ટન ઓક્સિજનની માગણી કરે છે. તેના ગણતરીના કલાકો બાદ રાઘવ ચડ્ઢા કહે છે કે તેમને 976 મેટ્રિક ટન ઓક્સિજન જોઈએ છે. એક જ દિવસમાં બે અલગ અલગ આંકડા જણાવવામાં આવ્યાં. આ ક્યાંક ને ક્યાંક ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું. દિલ્હી સરકારે પોતાની ભૂલો છૂપાવવા માટે કેન્દ્ર પર ઠીકરું ફોડ્યું.
દિલ્હી સરકારે 4 ગણો ઓક્સિજન માંગ્યો- રિપોર્ટ
સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ઓક્સિજન ઓડિટ ટીમના રિપોર્ટમાં દિલ્હી વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓક્સિજન ઓડિટ ટીમે કોવિડ-19ની બીજી લહેર દરમિયાન 25 એપ્રિલથી 10 મે વચ્ચે દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાતને ચાર ગણી કરતા વધુ જણવવા બદલ દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કમિટીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી.
દિલ્હીને ફક્ત 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી
સૂત્રોના જણાવ્યાં મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ઓક્સિજન ઓડિટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીમાં બેડ ક્ષમતા પ્રમાણે 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. જ્યારે દિલ્હી સરકારે દ્વારા દાવો કરાયો કે તેમને 1140 મેટ્રિક ટન ઓક્સિજન જોઈએ. જે ક્ષમતા કરતા ચાર ગણી વધારે હતી.
મનિષ સિસોદીયાએ આપ્યું આ નિવેદન
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ કહ્યું કે 'સવારથી ઓક્સિજનની કમીને લઈને ભાજપના એક નેતા એક તથાકથિત રિપોર્ટના હવાલે અરવિંદ કેજરીવાલને ગાળો આપી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી, દેશના મોટા નેતા, પ્રવક્તા આવીને મીડિયા, ટ્વિટર અને સોશિયલ મીડિયા પર ગાળો આપી રહ્યા છે. તથાકથિત રિપોર્ટનું સત્ય એ છે કે આવો કોઈ રિપોર્ટ છે જ નહીં.'
પડકાર ફેંકુ છું કે રિપોર્ટ લઈને આવો- મનિષ સિસોદીયા
તેમણે કહ્યું કે, ઓડિટ કમિટીના સભ્યો સાથે વાત કરી, તેમણે કોઈ રિપોર્ટ સાઈન કર્યો નથી. જ્યારે કમિટીના સભ્યોએ અપ્રુવ જ નથી કર્યો તો પછી આ રિપોર્ટ છે ક્યાં. આ કયો રિપોર્ટ છે. ક્યાંથી આવ્યો. ભાજપના નેતા જે સવાલથી ચેનલ્સ પર બેસીને બૂમો પાડી રહ્યા છે તેઓ ઠંડુ પાણી પીવે. તે રિપોર્ટ ક્યા છે, જેના પર સાઈન હોય તે ઓક્સિજન કમિટીનો રિપોર્ટ છે? તે રિપોર્ટ લાવો. હું પડકાર ફેંકુ છું કે તેઓ રિપોર્ટ લઈને આવે.
ભાજપ હેડક્વાર્ટરમાં બનાવવામાં આવ્યો છે રિપોર્ટ- સિસોદીયા
મનિષ સિસોદીયાએ કહ્યું કે 'દિલ્હીમાં એપ્રિલના મહિનામાં જ્યારે કોવિડ પીક પર હતો, ત્યારે ઓક્સિજન સંકટ હતું અને દિલ્હીમાં ઓક્સિજનની કમી હતી. દિલ્હીના લોકો જાણે છે. ઓક્સિજન મેનેજમેન્ટની જવાબદારી કેન્દ્ર સરકારની હતી. ડોક્ટરો અને હોસ્પિટલો બૂમો પાડી રહ્યા હતા. તેમની જવાબદારી લેવાની જગ્યાએ પોતાના મનથી રિપોર્ટ ભાજપના હેડક્વાર્ટરમાં બનાવવામાં આવ્યો.' તેમણે વધુમાં કહ્યું કે આ અરવિંદ કેજરીવાલજીને ગાળો નથી આપતા, પણ એવા લોકોને ગાળો આપે છે જેમણે ઓક્સિજનની કમીના કારણે પોતાના માણસો ગુમાવ્યા. જેમણે ઓક્સિજનની કમી ઝેલી તેવા દર્દીઓ અને ડોક્ટરો શું ખોટું બોલી રહ્યા હતા?
(ઈનપુટ- રફી જૈદી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે