Ahmedabad: અત્યંત ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન
Trending Photos
ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનું બિન્દુ બનેલા આવકવેરા લાંચ કાંડમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સંતોષ કરનાનીને હાઈકોર્ટે આપેલા આગોતરા જામીન રદ્દ કરી નાખ્યા છે. આ સાથે જ વડી અદાલતે ચાર દિવસની અંદર સીબીઆઈ સમક્ષ સરન્ડર કરવાનો પણ આદેશ આપ્યો છે.
અત્રે જણાવવાનું કે સીબીઆઈએ ગત વર્ષ 12 ઓક્ટોબર 2022ના રોજ એડિશનલ કમિશનર, અમદાવાદ વિરુદ્ધ 30 લાખ રૂપિયાની લાંચખોરીનો એક મામલો નોંધ્યો હતો. એવો આરોપ હતો કે અમદાવાદના આશ્રમરોડ પર આવેલા આવકવેરા વિભાગ મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડિશનર કમિશનર સંતોષ કરનાનીએ 30 લાખ રૂપિયા લાંચમાં માંગ્યા હતા. જો કે રંગે હાથ પકડાય તે પહેલા જ ભાગી ગયા હતા. ACB એ 30 લાખની લાંચ લેવાનો ગુનો નોંધ્યો હતો. એડિશનલ કમિશનરે આ રકમ આંગડિયા મારફતે મંગાવી હોવાનું કહેવાય છે. એવી પણ માહિતી મળી હતીકે આરોપી સંતોષ કરનાની ફરિયાદીને ઓફિસ બોલાવીને મોટું આર્થિક નુકસાન કરાવવાની વારંવાર ધમકી આપતા હતા તથા ફરિયાદીને આર્થિક નુકસાન ન થાય તેવું કામ કરવા માટે તેની પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરતા હતા.
આ કેસમાં IRS સંતોષ કરનાનીને CBI કોર્ટ દ્વારા ભાગેડુ પણ જાહેર કરાયા હતા. તેમને શોધવા માટે સીબીઆઈ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેમને વોન્ટેડ જાહેર કરવાની સાથે સાથે રૂપિયા એક લાખના ઈનામના પોસ્ટર્સ પણ જાહેર કર્યા હતા.
આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનરની ધરપકડ
આ કડીમાં સીબીઆઈએ આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર અમદાવાદ વિવેક જૌહરીની પણ આજે ધરપકડ કરી છે. એવો આરોપ હતો કે તત્કાલિન આસિસ્ટન્ટ કમિશનરે ગુજરાત રાજ્યના એસીબી દ્વારા 4-10-2022ની કાર્યવાહી દરમિયાન હંગામો કરીને એડિશનલ કમિશનરને તેમના કાર્યાલયમાંથી ભાગવામાં મદદ કરી હતી.
આ ઉપરાંત પણ આરોપ હતો કે તત્કાલિન એડિશનલ કમિશનરે એસીબીની પકડથી બચવા માટે આસિસ્ટન્ટ કમિશનરને બે મોબાઈલ હેન્ડસેટ સોંપ્યા હતા. એવો પણ આરોપ હતો કે તેમણે એડિશનલ કમિશનરના નિર્દેશ પર બે મોબાઈલ ફોન સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા. જેથી કરીને પુરાવા ન મળી શકે. સીબીઆઈએ ગોતાખોરો તથા અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી આ બંને મોબાઈલ મેળવી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીને સીબીઆઈની વિશેષ કોર્ટ, અમદાવાદ સમક્ષ રજૂ કરાયા અને તેમને 17 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે