Swami Vivekananda Jayanti: સ્વામી વિવેકાનંદે આપેલાં સફળતાના આ મંત્રો યાદ રાખશો તો તમારી જીત નક્કી
Swami Vivekanand Jayanti: 'મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.' સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં યુવાનો સમક્ષ અનેક પડકારો છે, એમાં સ્વામીજીનો સંદેશ તેમના માટે અત્યંત વ્યવહારિક રીતે માર્ગદર્શન આપે છે.
Trending Photos
Swami Vivekanand Jayanti: ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સામે ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત 39 વર્ષ, 5 માસ અને 22 દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.
સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં યુવાનો સમક્ષ અનેક પડકારો છે, એમાં સ્વામીજીનો સંદેશ તેમના માટે અત્યંત વ્યવહારિક રીતે માર્ગદર્શન આપે છે.
લક્ષ નિર્ધારઃ
સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, ‘‘જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતીગાતી, હસતી બોલતી લાશ જ છે.’’ જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આમ, લક્ષ નિર્ધાર જ જીવન કર્મ છે.
આત્મવિશ્વાસઃ
જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂરી છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદજી ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યકત કરવાનું કહેતા. જો યુવાનો દ્રઢ નિર્ધાર કરે તો તેમના માટે કશું જ અશકય નથી. આપણે સામાન્ય વ્યકિતઓની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ચર્યશકિત પણ થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ, પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ ? શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાની મોટી, સકારાત્મકનકારાત્મક બધીજ ઘટનાઓ આપણને આપણી અમર્યાદિત શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.
સમર્પણઃ
કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. સ્વામીજી તેને અધ્યવસાયની સંજ્ઞા આપે છે. આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભ શૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.
સંગઠનઃ
વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યકિતગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું, એને જ મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરીટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એજ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠન કાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુનઃર્જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.
જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા આ યુવાયંત્રો, લક્ષ નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે