ત્રણ તલાકના વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર, કેરળ સુન્ની મુસ્લિમ સંસ્થાએ પડકાર્યો

અરજીમાં કહેવાયું છે કે, આ વટહુકમ બંધારણની કલમ 14,15 અને 21નું ઉલ્લંઘન કરે છે 

ત્રણ તલાકના વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર, કેરળ સુન્ની મુસ્લિમ સંસ્થાએ પડકાર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ તલાકના વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ત્રણ તલાકના વટહુકમ સામે દાખલ કરાયેલી આ અરજીમાં તેને ગેરબંધારણિય ઠેરવવાની માગ કરાઈ છે. અરજીમાં જણાવાયું છે કે, આ વટહુકમ બંધારણની કલમ 14, 15 અને 21નું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત આ વટહુકમ કલમ 123ની શરતોની પણ વિરુદ્ધ છે, આથી સુપ્રીમ કોર્ટે દ્વારા આ વટહુકમ રદ્દ કરવાનો આદેશ આપવો જોઈએ. આ અરજી કેરળ સુન્ની મુસ્લિમ સંસ્થા કેરળ જમીયાથુલ ઉલેમાએ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, ત્રણ તલાક બિલને લોકસભા દ્વારા મંજુરી આપી દેવાઈ છે અને હાલ તે રાજ્યસભામાં પડતર છે. અહીં ભાજપની આગેવાનીવાળા એનડીએ પાસે બહુમત નથી. આ દરમિયાન કેન્દ્રીય કેબિનેટે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ-2017માં ત્રણ સંશોધનોને મંજુરી આપી હતી.

સરકારે મુસ્લિમ સમુદાયમાં ત્રણ તલાક સાથે જોડાયેલા પ્રસ્તાવિત કાયદામાં આરોપીને સુનાવણીથી પહેલા જામીન આપવા જેવી કેટલીક જોગવાઈઓને મંજુરી આપી હતી. આ પગલા દ્વારા કેબિનેટે એ ચિંતાઓ દુર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક જ વખતમાં ત્રણ તલાકની પરંપરાને ગેરકાયદે જાહેર કરવા તથા પતિને ત્રણ વર્ષ સુધીની સજા આપવાના પ્રસ્તાવિત કાયદાનો દુરૂપયોગની વાત જણાવાઈ હતી. 

વટહુકમનો અર્થ શું છે?
દેશના બંધારણમાં વટહુકમ માટે એક વચગાળાનો માર્ગ બતાવાયો છે. કોઈ પણ બિલને લાગુ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. બંધારણની કલમ 123 અંતર્ગત જ્યારે સંસદનું સત્ર ચાલતું ન હોય તો રાષ્ટ્રપતિ કેન્દ્રના આગ્રહ પર કોઈ વટહુકમ બહાર પાડી શકે છે. વટહુકમ ગૃહના બીજા સત્રની સમાપ્તી બાદ છ સપ્તાહ સુધી લાગુ રહી શકે છે. જે બિલ પર વટહુકમ લાવવામાં આવ્યો હોય, તેને સંસદમાં બીજા સત્રમાં પસાર કરાવવાનો રહે છે. આમ ન થતાં રાષ્ટ્રપતિ બીજી વખત પણ વટહુકમ બહાર પાડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news