કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ મંત્રી પદેથી આપ્યું રાજીનામું-સૂત્ર

આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે.

કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ મંત્રી પદેથી આપ્યું રાજીનામું-સૂત્ર

નવી દિલ્હી: આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આ અહેવાલો સૂત્રોના માધ્યમથી આવી રહ્યાં છે. ઘણા સમયથી એનડીએ સાથે તેમની તનાતની ચાલી રહી હતી. ત્યારબાદ સંસદના શિયાળુ સત્ર પહેલા જ ઉપેન્દ્ર કુશવાહાએ કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હોવાના અહેવાલો આવી રહ્યાં છે. જો કે એનડીએ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત હજુ કરી નથી. કહેવાય છે કે કુશવાહા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી શકે છે. 

માનવામાં આવી રહ્યું છે કે ઉપેન્દ્ર કુશવાહા હવે એનડીએ સાથે છેડો ફાડવાની પણ જાહેરાત કરી શકે છે. ઉપેન્દ્ર કુશવાહા મીડિયા કોન્ફરન્સ કરીને જાહેરાત કરી શકે છે. અત્રે જણાવવાનું કે ઉપેન્દ્ર કુશવાહા સતત જેડીયુ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતાં. જ્યારે મોતીહારીમાં આરએલએસપી પાર્ટીની સભામાં કેન્દ્રના ભાજપના નેતાઓની સાથે સાથે રાજ્યના નેતાઓ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતાં. એટલું જ નહીં કુશવાહાએ રામ મંદિરના મુદ્દે પણ ભાજપની કાર્યશૈલીનો વિરોધ કર્યો હતો. 

ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ પણ મોરચો ખોલ્યો હતો. તેમણે નિવેદન આપ્યું હતું કે તેઓ હવે કોઈને પણ મળશે નહીં. કુશવાહાએ મોતિહારી સભામાં જ્યારે ગઠબંધન તોડવાની જાહેરાત તો ન કરી પરંતુ એનડીએ પર હુમલા કરી રહ્યાં હતાં. ત્યારે આરજેડીએ તેમને આડે હાથ લીધા અને કુશવાહા પર મંત્રી પદની લાલચનો આરોપ લગાવ્યો હતો. આરજેડીએ કહ્યું હતું કે તેઓ મંત્રી પદની લાલચમાં એનડીએ સાથે છેડો ફાડતા નથી. 

અત્રે જણાવવાનું કે આજે દિલ્હીમાં મહાગઠબંધનને એકજૂથ કરવા માટે અને રણનીતિ  તૈયાર કરવા માટે 20થી 25 પક્ષોની બેઠક થવા જઈ રહી છે. ઉપેન્દ્ર કુશવાહા પણ તેમાં સામેલ થઈ શકે છે. એનડીએ સાથે કુશવાહાની નારાજગી સીટ શેરિંગ અને નીતિશકુમારને લઈને શરૂ થઈ હતી. નીતિશકુમાર એનડીએ સાથે આવ્યા બાદ તેમને એવું લાગવા માંડ્યુ હતું કે તેમનું કદ ગઠબંધનમાં ઘટી રહ્યું છે. સીટ શેરિંગ પર તેમણે 3થી વધુ સીટની માગણી કરી હતી. પરંતુ કદાચ ભાજપ તેમને ફક્ત 2 જ બેઠકો આપવા માટે  તૈયાર હતી. જો કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે એનડીએ ગઠબંધનના પક્ષોને સન્માનજનક સીટો આપવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news