Corona: ભારતમાં રસીકરણની 'સુપરફાસ્ટ' ઝડપ જોઈ IMF બાદ હવે વર્લ્ડ બેંક પણ થયું ઓળઘોળ, ભરપેટ કર્યા વખાણ

ભારતમાં કોરોના વિરુદ્ધ જંગ હવે નિર્ણાયક વળાંક પર છે. આગામી અઠવાડિયે દેશમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી જશે. રસીકરણ અંગે ભારતની પૂરપાટ ઝડપ જોઈને વર્લ્ડ બેંક સુદ્ધા આશ્ચર્યચકિત છે.

Corona: ભારતમાં રસીકરણની 'સુપરફાસ્ટ' ઝડપ જોઈ IMF બાદ હવે વર્લ્ડ બેંક પણ થયું ઓળઘોળ, ભરપેટ કર્યા વખાણ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વિરુદ્ધ જંગ હવે નિર્ણાયક વળાંક પર છે. આગામી અઠવાડિયે દેશમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી જશે. રસીકરણ અંગે ભારતની પૂરપાટ ઝડપ જોઈને વર્લ્ડ બેંક સુદ્ધા આશ્ચર્યચકિત છે. ગણતરીના દિવસોમાં હવે ભારતમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી જશે. વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે કોવિડ-19 મહામારી વિરુદ્ધ સફળ રસીકરણ કાર્યક્રમ બદલ ભારતને શુભેચ્છા પાઠવી છે અને તેને સફળ ગણાવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની એક મુલાકાતમાં તેમણે રસી ઉત્પાદન અને વિતરણમાં ભારતની આંતરરાષ્ટ્રીય ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે એક  બેઠક દરમિયાન માલપાસે કહ્યું કે કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાનમાં ભારતે શાનદાર કામ કર્યું. રસી ઉત્પાદનમાં ભપણ  ભારતનું યોગદાન પ્રશંસનીય છે. આ ઉપરાંત મુલાકાત દરમિયાન ક્લાઈમેટ ચેન્જ ઉપર પણ વિસ્તારથી વાત કરવામાં આવી. કહેવાયું કે ભારતે પ્રભાવશાળી યોજનાઓ દ્વારા લક્ષ્યોને સમયસર હાસિલ કરવાના રહેશે. 

આ બધા ઉપરાંત ડેવિડે International Development Association માં ભારતના સક્રિય યોગદાનના પણ વખાણ કર્યા. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત આગળ પણ પોતાની નિર્ણાયક ભૂમિકા ભજવતું રહેશે. વાતચીત દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા ઉપર પણ મંથન કરાયું. વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટે એ વાત પર ખુશી વ્યક્ત કરી કે ભારતે સમય સાથે અનેક જરૂરી રિફોર્મ કર્યા છે. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે વર્લ્ડ બેંક દ્વારા દરેક પ્રકારનો સહયોગ ભારતને મળતો રહેશે. 

વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક દેશ ભારતે એપ્રિલમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરને પગલે કોવિડ-19 રસીની નિકાસ પર રોક લગાવી હતી. જેથી કરીને દેશની સમગ્ર વસ્તીનું રસીકરણ થઈ શકે. અત્રે જણાવવાનું કે વર્લ્ડ  બેંકે ભારતને સહયોગ આપતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગત મહિને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે ભારત ફરીથી અન્ય દેશોને રસીની નિકાસ શરૂ કરશે. 

આઈએમએફએ પણ ભારતને બિરદાવ્યું
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ પણ કોવિડ-19 મહામારી વચ્ચે ભારત દ્વારા લેવાયેલા પગલાંની પ્રશંસા કરી હતી. IMF એ કહ્યું હતું કે મહામારીની સ્થિતિમાં ભારતે 'ઝડપી અને મજબૂત' પગલાં લીધા અને આ સાથે જ તેણે પોતાના શ્રમ સુધારા અને ખાનગીકરણની પ્રક્રિયા ચાલુ રાખી. ભારત સરકારની મહામારીને પહોંચી વળવાની કામગારી પર આઈએમએફએ કહ્યું કે તે ઝડપી અને સંતોષકારક હતી. સરકારે નાણાકીય સમર્થન આપ્યું. સમાજના સંવેદનશીલ તબક્કાઓને નાણાકીય સમર્થન મળ્યું. મોનિટરી પોલીસી ઉદાર કરવામાં આવી, તરળતાની જોગવાઈ કરાઈ અને નિયમાધિન નીતિઓને નરમ કરાઈ. રિપોર્ટમાં કહેવાયું હતું કે મહામારી હોવા છતાં ભારતે શ્રમ સુધારાઓ અને ખાનગીરકરણ યોજના સહિત સંરચનાત્મક સુધારાઓ ચાલુ રાખ્યા. 

ભારતનું રસીકરણ અભિયાન
અત્રે જણાવવાનું કે ભારતના રસીકરણ અભિયાનની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 97.23 કરોડ લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. મળતી માહિતી મુજબ દેશમાં 70 ટકા લોકોને પહેલો ડોઝ મળ્યો છે. જ્યારે 30 ટકા લોકોને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું કે ભારત આગામી અઠવાડિયે કોવિડ-19 રસીકરણના 100 કરોડના આંકડે પહોંચી જશે. એક બાજુ કોરોના રસીકરણ ઝડપી બન્યું છે તો બીજી બાજુ કોરોના મીટર સુસ્ત થયું છે. છેલ્લા 24 કલાકમાં 15,981 નવા કેસ નોંધાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news