નોકરીયાતો જ નહીં...ખેડૂતો પણ હવે તો મેળવી શકે છે પેન્શન, સરકાર પોતે આપે છે ગેરંટી, જાણો વિગતો
કેન્દ્ર સરકારે એવી અનેક યોજનાઓ ચલાવી છે જેમાં સામાન્ય લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત કરવામાં આવી છે. અહીં અમે તમને ખેડૂતો માટે પેન્શન યોજના પર ચર્ચા કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પણ પેન્શન યોજના શરૂ કરી છે. જાણો વિગતો...
Trending Photos
વૃદ્ધાવસ્થાની ચિંતા દરેક જણને હોય છે. જ્યારે શરીર સાથ નહીં આપે તો ખર્ચો કાઢવો કેવી રીતે. વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા માટે લોકો તમામ યોજનાઓમાં રોકાણ કરતા હોય છે. જેથી કરીને પેન્શનના દમ પર શાંતિનો રોટલો ખાઈ શકાય. પરંતુ સરકારની નોકરી સિવાય બીજે ક્યાં પેન્શન મળતું નથી. અને સરકારી નોકરી દરેકના નસીબમાં હોતી નથી. હવે તો સરકારી નોકરીઓમાં પણ પેન્શનની સુવિધા ધીરે ધીરે ખતમ થઈ રહી છે. આવામાં એક સામાન્ય માણસ એટકે ખાનગી સેક્ટરમાં કામ કરતા લોકો, ખેડૂતો મજૂરો વગેરે શું કરે.
પરંતુ હવે તેના માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે એવી અનેક યોજનાઓ ચલાવી છે જેમાં સામાન્ય લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત કરવામાં આવી છે. અહીં અમે તમને ખેડૂતો માટે પેન્શન યોજના પર ચર્ચા કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પણ પેન્શન યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના કે પછી પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાને જ કિસાન પેન્શન યોજના કહે છે. આ યોજનામાં દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના
કેન્દ્ર સરકારે 31 મે 2019ના રોજ દેશના ખેડૂતોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ યોજનાની શરૂઆત કરી હતી. કિસાન પેન્શન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની આયુ પુરી થયા બાદ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. એટલે કે એક વર્ષમાં 36,000 રૂપિયા. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 4,09,76000થી વધુ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. આ યોજનાનું સંચાલ ભારતીય જીવન વીમા નિગમ (LIC) કરે છે.
કેવી રીતે મેળવવો ફાયદો
કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયાની આર્થિક મદદ પણ આપે છે અને આ મદદ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ અપાય છે. જે પણ ખેડૂતો આ યોજનાના લાભાર્થી હોય તેઓ કિસાન પેન્શન હેઠળ અરજી કરી શકે છે. આ સિવાયના ખેડૂતો પણ પેન્શન માટે અરજી કરી શકે છે.
આ યોજનામાં 18થી લઈને 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ યોજનામાં પેન્શનનો લાભ ફક્ત પતિ અને પત્ની જ ઉઠાવી શકે છે. પેન્શનની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
કેટલું પ્રીમિયમ
પીએમ કિસાન પેન્શન યોજના માટે વ્યક્તિની ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમ જમા કરવાની હોય છે. આ રકમ 55થી લઈને 200 રૂપિયા માસિક હોઈ શકે છે. 18 વર્ષની ઉંમરમાં આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવો તો પ્રીમિયમની રકમ માત્ર 55 રૂપિયા રહે છે. 20 વર્ષની ઉંમરે પ્રીમિયમની રકમ 61 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે તે વધીને 200 રૂપિયા માસિક થઈ જાય છે. આ યોજનાની ખાસ વાત એ છે કે જેટલી રકમ તમે જમા કરો છો એટલી જ રકમનો સહયોગ કેન્દ્ર સરકાર કરે છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
પીએમ કિસાન પેન્શન યોજના માટે 2 હેક્ટર સુધીની ખેતીની જમીનવાળા ખેડૂતો જ અરજી કરી શકે છે. અરજી કરવાની સાથે આધાર કાર્ડ, બેંક ખાતુ, મોબાઈલ નંબર, ઉંમર પ્રમાણપત્ર અને ખેતરની વિગતોની જરૂર પડે છે. આ માટે તમારે કોઈ પણ સરકારી બેંક કે પછી સેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહે છે. વધુ જાણકારી માટે તમે https://maandhan.in પર જઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે