શું ગુજરાતમાં TET-TAT પાસ લાખો ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ? જાણો શિક્ષણમંત્રીએ ગૃહમાં શું આપ્યો જવાબ?

Education News: ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ટેટ પાસ ૨.૬૫ લાખ અને ટાટ પાસ ૧.૧૮ લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારતી નથી.
 

12 હજારથી વધુ જ્ઞાન સહાયકોને નિમણૂંક આપી

1/4
image

ગુજરાતના શિક્ષણ મંત્રીએ કબૂલ્યું છે કે, રાજ્યમાં ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 235956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે અમે લાયકાત મુજબ જ નોકરી આપીએ છીએ. કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો જ ચાલતી હતી. અમે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12 હજારથી વધુ જ્ઞાન સહાયકોને નિમણૂંક આપી છે. જો કે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે.

જ્ઞાન સહાયકની ભરતી એ કાયમી ભરતી નથી

2/4
image

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022માં ટેટ-1 અને ટેટ-2ના 5 હજારથી વધુ ઉમેદવારોની ભરતી કરાઈ છે. પરંતુ વર્ષ 2023માં ટેટ-1 અને ટેટ-2ની એક પણ કાયમી ભરતી થઈ નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી કરાઈ છે જેનો ઉમેદવારો સખત વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રીએ કહ્યું; જ્ઞાન સહાયકની ભરતી એ કાયમી ભરતી નથી.

જરૂરિયાત પ્રમાણે ભરતી કરવામાં આવશે

3/4
image

ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતી ક્યાં સુધીમાં કરવામાં આવશે તેવા પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કોઇ વચન કે હૈયાધારણા આપી નથી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે જરૂરિયાત પ્રમાણે ભરતી કરવામાં આવશે. બીજી તરફ રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5985 જગ્યાઓ ભરવા માટે 4138 ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. 

માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો

4/4
image

જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને 24000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર 2023માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો હતો.