હવે ચૂંટણી પ્રચારમાં ચાલશે ચેતેશ્વર પૂજારાનો જાદુ, લોકોને મતદાનની કરશે અપીલ
રાજકોટ અને સૌરાષ્ટ્રનું ગૌરવ સમાન ક્રિકેટર ચેતેશ્વર પૂજારા (cheteshwar poojara) ને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યુથ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે
રક્ષિત પંડ્યા/રાજકોટ :તમે કોઈને પણ ફોન કરો તો કોરોનાથી બચવાની ટિપ્સ આપતો અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાય છે. ત્યારે હવે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો અવાજ પણ તમને સાંભળવા મળે તો નવાઈ નહિ. રાજકોટ અને સૌરાષ્ટ્રનું ગૌરવ સમાન ક્રિકેટર ચેતેશ્વર પૂજારા (cheteshwar poojara) ને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યુથ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચેતેશ્વર પુજારા મતદારોને મતદાન અંગે અપીલ કરતો વીડિયો ગુજરાતી ભાષામાં રેકોર્ડ કરી મોકલ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા હિન્દી ભાષામાં વીડિયો રેકોર્ડ કરી મોકલવા સૂચના આપી છે.
હિન્દી ભાષામાં મોકલેલ વીડિયો પસંદ થતા હવે દેશભરના મતદારોને મતદાન કરવા ચેતેશ્વર પુજારાના વીડિયો મારફત અપીલ કરવામાં આવશે. ગુજરાતની સાથે સાથે હવે દેશના મતદારોને યૂથ આઇકોન ચેતેશ્વર પુજારા મતદાન માટે અપીલ કરશે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન અંગે અપીલ કરતા વીડિયોમાં પૂજારાએ મતદારોને કોરોના અંગે પણ જાગૃતિ રાખવા લોકોને અપીલ કરી હતી. જે પણ કેન્દ્રીય ચૂંટણી પંચને પસંદ આવતા તેમને આગામી ચૂંટણીમાં યૂથ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણી સમયે પણ ચેતેશ્વર પૂજારા યૂથ આઇકોન તરીકે રહ્યા હતા અને યુવા મતદારોને મતદાન અંગે જાગૃતતા લાવવા અને સાચી સમજ આપવા પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ અલગ અલગ સ્થળ પર કોલેજના યુવાનો સાથે ચાય પે ચર્ચા કરી યુવાનોના ચૂંટણી લક્ષી સવાલોના જવાબ આપ્યા હતા અને મતદાન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા.
Trending Photos