અમદાવાદની મિલ્ક બેંક નવજાત બાળકો માટે બની ‘સંજીવની બુટ્ટી’, 200 મહિલાઓએ આપ્યું પોતાનું ધાવણ

તમે દેહદાન, અંગદાન અને રક્તદાન વિશે તો સાભળ્યું હશે, પરતું આજે તમને એવા દાન વિશે વાત કહીશું જે માત્ર મહિલાઓ જ કરી શકે છે. જોકે આ પ્રથા તો આપણા ત્યાં પ્રાચીન કાળથી ચાલી આવે છે, પરંતુ ધીમે ધીમે તે સમયની સાથે લુપ્ત થતી ગઈ. અમદાવાદમાં આ પ્રથાને શરૂ કરવાનો પ્રયાસ કરાયો છે. વાત છે માતાના દૂધના દાનની... જેમાં શહેરની કેટલીક મહિલાઓ પોતાના ધાવણનું દાન કરે છે અને અન્ય જરૂરિયાતવાળા બાળકોને આ દૂધ આપવામાં આવે છે.

આશ્કા જાની/અમદાવાદ :તમે દેહદાન, અંગદાન અને રક્તદાન વિશે તો સાભળ્યું હશે, પરતું આજે તમને એવા દાન વિશે વાત કહીશું જે માત્ર મહિલાઓ જ કરી શકે છે. જોકે આ પ્રથા તો આપણા ત્યાં પ્રાચીન કાળથી ચાલી આવે છે, પરંતુ ધીમે ધીમે તે સમયની સાથે લુપ્ત થતી ગઈ. અમદાવાદમાં આ પ્રથાને શરૂ કરવાનો પ્રયાસ કરાયો છે. વાત છે માતાના દૂધના દાનની... જેમાં શહેરની કેટલીક મહિલાઓ પોતાના ધાવણનું દાન કરે છે અને અન્ય જરૂરિયાતવાળા બાળકોને આ દૂધ આપવામાં આવે છે.

અમદાવાદનો પહેલો પ્રયાસ

1/6
image

અમદાવાદમાં આવેલી અર્પણ મિલ્ક બેંકમાં માતાઓ પોતાના ધાવણનું દાન કરી શકે છે. આ દૂધને અહીં સ્ટોર કરવામાં આવે છે અને જે બાળકો પ્રિમેચ્યોર એટલે કે સમય કરતા વહેલા દુનિયામાં આવી ગયા છે, તેવા બાળકોને આ દૂધ આપવામાં આવે છે. દૂધને યોગ્ય અને જરૂરિયાત મુજબ પ્રોસેસ કર્યા બાદ બાળકોને અપાય છે. અમદાવાદ આવો પહેલો પ્રયાસ કરાયો છે. અર્પણ મિલ્ક બેંકમાં અત્યાર સુધી 200 જેટલી માતાઓએ પોતાના દૂધનું દાન કર્યું છે. જેનાથી અનેક બાળકો જેઓને માતાના દુધની જરૂર છે પણ તેમની માતા કોઈને કોઈ કારણથી તેઓને દૂધ આપી શક્તી નથી, ત્યારે આ દૂધ તેમના માટે સંજીવની બની રહે છે. 

2/6
image

આ મિલ્ક બેંક શરૂ કરનાર ડો.આશિષ મહેતા કહે છે કે, આ પ્રકારની બેંક તેયાર કરવી ખૂબ જ ખર્ચાળ છે. કારણ કે, માતાઓએ દાનમાં આપેલું દૂધ અન્ય બાળકને તેમની જરૂરિયાત મુજબ આપવા માટે અને તેને સંગ્રહ કરવા માટે સાવચેતી સાથે એક પ્રકિયા કરવાની હોય છે. દૂધને 62.5 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર ૩૦ મિનિટ સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ 4 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઠંડુ કરવામાં આવે છે. તે પછી સંગ્રહ કરેલ દરેક ડબ્બામાંથી 1 મિલી દુધને માઈક્રોલેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવે તો દુધને -૨૦ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બરફના ગોળાના સ્વરૂપમાં ફ્રીઝરમાં રાખવામાં આવે છે. આ થીજાવેલા દુધને છ માસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. માઈનસ 20 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને રાખેલ દૂધ જરૂરિયાતમંદ બાળકને આપવા બહાર કઢાય તે પછી 4 થી 6 કલાકમાં જ વાપરી નાખવું જોઈએ. આ દૂધને એકવાર બહાર કાઢ્યા પછી વધેલું દૂધ પાછુ અંદર મૂકવું સલાહભર્યું નથી.

કેવા બાળકોને મિલ્ક બેંકનું દૂધ આપી શકાય...

3/6
image

અધૂરા માસે જન્મેલું બાળક, જન્મ સમયે બાળકનું વજન ખૂબ ઓછુ હોય, જન્મે બાળકની સંખ્યા બે કે તેથી વધુ હોય, બાળકના જન્મ પછી માતા કોઈ પણ ગંભીર બિમારીના કારણસર તરત ધાવણ ના આપી શકે, માતા જન્મ પછી અન્ય હોસ્પિટલમાં દાખલ હોય, માતા જન્મ પછી મૃત્યુ પામી હોય, માતાને અંદરની બાજુ વળેલી નીપલ હોય... આવા તમામ કેસોમાં બાળકોને આ પ્રકારના દૂધની તાતી જરૂર ઉદભવે છે. જન્મજાત બાળકોને જો માતાના દૂધને બદલે બહારનું દૂધ પીવડાવવામાં આવે તો તેને આંતરડાના ગંભીર રોગો, આંતરડાનું ગેંગરીન કે એન્ટેરોકોલાયટીસ જેવી જીવલેણ બીમારીઓ થઇ શકે છે. ત્યારે આ પ્રકારનું દૂધ તેઓ માટે જડીબુટ્ટી બની રહે છે. 

અત્યાર સુધી 200 મહિલાએ ધાવણનું દાન કર્યું

4/6
image

અત્યાર સુધી અમદાવાદની 200 જેટલી માતાઓએ પોતાના દૂધનું દાન કર્યું છે અને આ મહાદાનનો ભાગ બની છે. આ તમામ મહિલાઓમાં આ સેવાકાર્યનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓને એ વાતો આનંદ હોય છે કે, તેમનું દૂધ તેમના બાળકને તો મળે છે, સાથે જ અન્ય બાળકોને પણ તેનો લાભ મળી રહ્યો છે. દાન કરનાર મહિલાઓ માને છે કે, પ્રાચીન સમયમાં પણ દાસી દ્વારા સ્તનપાન કરવામાં આવતું હતું. આ વિચાર સાથે અમદાવાદની રુશીના નામની શિક્ષિકાએ છેલ્લા અઢી મહિનામાં 12 લીટર જેટલા દૂધ દાન કર્યું છે અને તેનાથી 5 બાળકોની જિંદગી બચી છે. તેમનુ આ સેવાકાર્ય હજી પણ ચાલુ છે. 20 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો, જેના બાદ તેઓ સતત દૂધનું દાન કરી રહ્યાં છે. 

કેવી માતાઓ પોતાનું દૂધ દાન કરી શકે છે

5/6
image

ધાવણનું દાન કરવા માટે માતા માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોવી જોઈએ. આ ઉપરાંત માતાને ટી.બી, કમળો, HIV તથા syphilis જેવી બિમારી ના હોવી જોઈએ. માતાને તમાકુ, આલ્કોહોલ તથા કોફીનું વ્યસન ના હોવું જોઈએ. જે માતામાં પ્રમાણ કરતાં વધુ દૂધ બને છે. પોતાનું બાળક સંપૂર્ણ ધાવણ લઇ લે પછી પણ તેનામાં દુધનો પ્રવાહ રહેતો હોય તેવી માતા દાન કરી શકે છે. જે માતાનું બાળક ICU માં છે અને દૂધ પી શકતું નથી. આ માતામાં દૂધ તો બને છે, પણ બાળકના જન્મ પછી તે કેટલાય દિવસો સુધી સ્તનપાન કરાવી શક્તિ નથી, કારણકે તેનું બાળક તેની પાસે નથી. જે માતાનું બાળક જન્મ પછી તરત જ મૃત્યુ પામ્યું છે તેવી મહિલાઓ પણ દૂધનું દાન કરી શકે છે. 

દેશમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ મિલ્ક બેંક છે

6/6
image

અર્પણ મિલ્ક બેંક અમદાવાદની પ્રથમ મિલ્ક બેંક છે. આપણા દેશમાં પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે. પરતું દુનિયાના અન્ય દેશોમાં આ વિચારને લઈને જાગૃતતા પહેલેથી જ છે. બ્રાઝિલમાં જ 2012 અને અન્ય યુરોપિયન દેશોમાં આશરે 190 જેટલી મધરમિલ્ક બેંક કાર્યરત છે. અમદાવાદની મહિલાઓ પણ વધુ મહિલાઓ આ સેવાકાર્યમાં આગળ આવે તેવું ઈચ્છી રહી છે. ધાવણ દાન કરવાથી અનેક શિશુઓની જિંદગીને બચાવી શકાય છે અને તેમને હેલ્ધી જીવન આપી શકાય છે.