અમિત શાહ મંત્રી બનાવવા માટે કરતા રહ્યા કોલ, ફોન સાઈલન્ટ કરીને ભુલી ગયા હતા પ્રતાપ સારંગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 57 સભ્યોનું પોતાનું મંત્રીમંડળ બનાવ્યું છે, જેમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પછી ત્રીજું સૌથી ચર્ચાસ્પદ નામ પ્રતાપ સારંગીનું છે, જેઓ ઓડીશાની બાલાસોર લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે અને રાજ્યમાં 'ઓડીશાના મોદી' તરીકે પ્રખ્યાત છે. 

નવી દિલ્હીઃ ગુરૂવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાના મંત્રીમંડળ સાથે બીજી સરકાર બનાવી એ દિવસથી જ પ્રતાપ સારંગી નામ મીડિયા જગતથી માંડીને સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાસ્પદ છે. સોશિયલ મીડિયામાં તેમની જાત-જાતની તસવીરો વાયરલ થઈ રહી છે અને સાથે જ તેમની સાદગીની પ્રશંસા થઈ રહી છે. મોદી મંત્રીમંડળમાં સૌથી સાદગીપૂર્ણ વ્યક્તિ હોય તો તે છે પ્રતાપ સારંગી. જેઓ એક ઘાસના ઝુંપડામાં રહે છે અને સાઈકલ પર ફરે છે. (ફોટો સાભારઃ ફેસબૂક પ્રતાપ સારંગી)

ફોન સાઈલન્ટ કરીને ભુલી ગયા હતા

1/7
image

પ્રતાપ સારંગીને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવાનું હતું. તેમને મંત્રી બનાવવા માટે કોલ આવતા રહ્યા પરંતુ તેઓ તો ફોન સાઈલન્ટ કરીને ભુલી ગયા હતા. પ્રતાપ સારંગીએ એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું કે, "બપોરે ત્રણ કલાકે મારી પાસે એક ફોન આવ્યો કે તમારી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ વાત કરવા માગે છે. ફોન કેમ ઉઠાવતા નથી? એ સમયે હું ભાજપના કાર્યાલયમાં હતો અને ફોન સાઈલન્ટ કરી દીધો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષજી સાથે વાત કરી તો તેઓ બોલ્યા કે, સાંજે 7.00 કલાકે તમારે મંત્રીપદના શપથ લેવાના છે. તેના પહેલા સાંજે 5.00 કલાકે વડાપ્રધાન સાથે તમારે એક મીટિંગમાં ભાગ લેવાનો છે."  

મંત્રીપદની ઓફર મળતાં થયું આશ્ચર્ય

2/7
image

પ્રતાપ સારંગીએ જણાવ્યું કે, "અમિત શાહે જ્યારે મને જણાવ્યું કે, મારે મંત્રી બનવાનું છે તો મને ભારે આશ્ચર્ય થયું. મેં કહ્યું, મારે શા માટે મંત્રીપદના શપથ લેવાના છે? પછી અધ્યક્ષે મને કહ્યું કે, શું વાત છે, તમને જ મંત્રી બનાવવાના છે. પછી મને કહ્યું કે, તમે ધર્મેન્દ્ર પ્રધાન સાથે દિલ્હી આવી જજો. હું ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે ગયો તો તેઓ બોલ્યા કે મને પણ હમણાં જ ફોન આવ્યો છે કે, મારે તમને સાથે લઈને જવાના છે."

મોદી મંત્રીમંડળમાં બન્યા રાજ્યકક્ષાના મંત્રી

3/7
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે અને તેમને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ સાથે જ પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગ પણ આપવામાં આવ્યો છે. ગુરૂવારે તેઓ જ્યારે શપથ લેવા પહોંચ્યા તો રાષ્ટ્રપતિ ભવનનું પ્રાંગણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. 

સમાજસેવા માટે નથી કર્યા લગ્ન

4/7
image

પ્રતાપ સારંગને બાળપણથી જ સમાજસેવાની લગન હતી. આથી તેમણે લગ્ન કર્યા નથી. તેઓ રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા માગતા હતા. જેના માટે તેઓ અનેક વખત મઠમાં ગયા, પરંતુ મઠવાળાને જ્યારે ખબર પડી કે તેમના પિતા નથી અને માતા એકલા છે તો મઠવાળાએ તેમને તેમની માતાની સેવા કરવા જણાવ્યું હતું. ગયા વર્ષે જ તેમના માતાનું દેહાવસાન થયું છે. 

રીક્ષા અને સાઈકલ પર કર્યો પ્રચાર

5/7
image

પ્રતાપ સારંગી બાલાસોરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા 2004 અને 2009માં નિલાગિરી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. 2004માં તેઓ ભાજપની ટિકિટ પર અને 2009માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. લોકસભા ચૂંટણી 2019માં પણ તેમણે રીક્ષામાં અને સાઈકલ પર પ્રચાર કર્યો હતો. તેમના વિસ્તારના લોકો તેમને 'ઓડીશાના મોદી' તરીકે ઓળખે છે.

ઘાસના ઝુંપડામાં રહેઠાણ, પેન્શન પણ ગરીબોને દાનમાં આપે છે

6/7
image

પ્રતાપ સારંગી અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવે છે. તેઓ ઘાસના બનેલા ઝુંપડામાં જ રહે છે. તેમને જે પેન્શન મળે છે તે તમામ રકમ ગરીબો પાછળ ખર્ચી નાખે છે. તેમને આધુનિક જીવનનો કોઈ મોહ નથી. તેઓ ગરીબોની વચ્ચે જ જીવન જીવે છે. ગરીબ બાળકોને ભણાવવા, તેમની જરૂરિયાતો પૂરી કરવી, બીમારોની સેવા કરવી, પ્રાણીઓની સેવા કરવી એ જ તેમનો ધર્મ છે. 

RSS સાથે લાંબા સમયથી સંકળાયેલા છે

7/7
image

સારંગી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ લાંબા સમયથી જોડાયેલા છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં તેમણે બાલાસોર લોકસભા સીટ પર બીજુ જનતા દળના ઉમેદવાર રવિન્દ્ર કુમાર જેનાને 12,956 વોટથી હરાવ્યા હતા.