બાબા બાગેશ્વરના દરબારમાં જવા પાસ શોધી રહ્યા છો, તો આ રહી સઘળી માહિતી ક્યાંથી અને કેવી રીતે મળશે પાસ
baba bageshwar In Gujarat : અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લોકોને અપાશે ફ્રી એન્ટ્રી પાસ.. ફ્રી એન્ટ્રી પાસ વિતરણની ટૂંક સમયમાં તારીખ કરાશે જાહેર.. નામ અને નંબર નોંધીને દરબારમાં અપાશે પ્રવેશ..
Trending Photos
Dhirendra Shastri અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતના ચાર શહેરોમાં બાબા બાગેશ્વરનો દરબાર લાગવાનો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બાગેશ્વર બાબાનો દરબાર લાગશે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ગુજરાતમાં ભરાય તે પહેલા જ વિવાદો ઉભા થયા છે. પરંતુ વિવાદોની વચ્ચે બાબા બાગેશ્વરની લોકપ્રિયતા એટલી જ તેજ છે. અનેક લોકો બાબાના દરબારમાં જવા આતુર છે, અને બાબાના દરબારમાં કેવી રીતે જવું તે અંગે માહિતી મેળવી રહ્યાં છે. ત્યારે આ અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લોકોને ફ્રી એન્ટ્રી પાસ અપાશે. ફ્રી એન્ટ્રી પાસ વિતરણની ટૂંક સમયમાં તારીખ જાહેર કરાશે. નામ અને નંબર નોંધીને દરબારમાં પ્રવેશ અપાશે.
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આયોજિત કાર્યક્રમ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. 29 અને 30 મેના રોજ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવનાર લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરી શકાય તે માટે રાધિકા સેવા સમિતિ દ્વારા મોટો નિર્ણય કરાયો છે. રાધિકા સેવા સમિતિના સભ્ય અમિત શર્માએ જણાવ્યું કે, અમદાવાદમાં બે દીવસીય આયોજિત કાર્યક્રમ માટે ફ્રી એન્ટ્રી પાસ આપવાનું આયોજન કરાયું છે. આ માટે નામ અને નંબર નોંધી ફ્રી એન્ટ્રી પાસ આપવામાં આવશે. ટૂંક સમયમાં ફ્રી એન્ટ્રી પાસ આપવા માટેની તારીખ જાહેર કરાશે.
તેઓએ જણાવ્યું કે, જેમની પાસે પાસ હશે તેમને જ મુખ્ય કાર્યક્રમ સ્થળે પ્રવેશ અપાશે. પાસ નહીં હોય તેવા લોકો માટે મુખ્ય કાર્યક્રમ સ્થળ સિવાય અન્ય ચાર જગ્યાઓ પર કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરાશે. દિવ્ય દરબાર અને પ્રવચન કાર્યક્રમ અલગ અલગ દિવસે યોજાનાર હોવાથી અલગ અલગ તારીખના પાસ આપવામાં આવશે. જે લોકો પાસે પાસ નહીં હોય તેમના માટે ચાર અલગ અલગ જગ્યાઓ પર વ્યવસ્થા કરાશે. માધુભાઈ પટેલ ફાર્મ, શયોના રોડ, દેવસિટી મેદાન, માંગલ્ય પાર્ટી પ્લોટ અને સોલા ભાગવત ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ચારેય સ્થળ પર LED લગાવી વ્યવસ્થા ઉભી કરાશે.
આ સિવાય હાલ કાર્યક્રમ સ્થળે ધજા રોપણ કરી, સ્ટેજ બનાવવા માટેની તૈયારીઓ આરંભવામાં આવી છે. ફ્રી એન્ટ્રી પાસ સહિત આમંત્રણ પત્રિકા એકાદ દિવસમાં તૈયાર થઈ જશે. આમંત્રણ પત્રિકામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મંત્રી મુકેશ પટેલ, મંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદના મેયર, કિરીટ સોલંકી, નરહરિ અમીન અને હસમુખ પટેલ સહિત નેતાઓના નામનો ઉલ્લેખ કરાશે. આ ઉપરાંત કોંગ્રેસના બંને ધારાસભ્ય શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા અને ઇન્દ્રવીજયસિંહ ગોહિલને પણ આમંત્રિત કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે