બાપ્પાની અશ્રુ ભીની આંખે વિદાય! ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ગણેશ વિસર્જન, જાણો શું છે ગણેશ વિસર્જનનું રહસ્ય?
ગણપતિ બાપ્પાને આજે રંગેચંગે વિદાય આપવામાં આવી રહી છે. ડીજે, ઢોલ-નગારા અને સંગીતના તાલે દુંદાળા દેવને વિદાય અપાઈ રહી છે. ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગણેશોત્સવમાં ગણેશ ભક્તો ઘરે ઘરે, સોસાયટીમાં, મહોલ્લામાં વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. ત્યારબાદ પૂજા-અર્ચના કર્યા બાદ એક, ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયાર દિવસ બાદ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
ગણપતિ બાપ્પાને આજે રંગેચંગે વિદાય આપવામાં આવી રહી છે. ડીજે, ઢોલ-નગારા અને સંગીતના તાલે દુંદાળા દેવને વિદાય અપાઈ રહી છે. ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા ખાસ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરાઈ છે.
નોંધનીય છે કે, માન્યતા અનુસાર ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. સાથે જ પૌરાણિક કથાઓમાં એ પણ ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસે જ મહાભારતને લખવાની શરૂઆત કરવામાં આવી હતી. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ગણેશજીને પ્રાથના કરી હતી અને એ સમયે ગણેશજી એ એમને કહ્યું હતું કે લખતા સમયે સમયે તેમની કલમ ન અટકવી જોઈએ અને સાથે એમ પણ કહ્યું હતું કે જો તેની કલમ અટકી તો એમને લખવાનું અટકાવી દેવું પડશે. ત્યારે મહર્ષિ વેદ વ્યાસે કહ્યું હતું કે ભગવાન તમે વિદ્વાનોમાં સૌથી આગળ છો અને હું એક સાદો ઋષિ છું એટલા માટે મારાથી શ્લોકમાં કોઈ ભૂલ થાય તો તમે તેને સુધારી આપજો. આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું અને સતત 10 દિવસ સુધી ચાલ્યું હતું.
અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ગણેશજી એમની સામે જ બેઠા હતા અને જરાય હલનચલન ન કરવાને કારણે તેના શરીર પર ધૂળ જામી ગઈ હતી. ત્યાર પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને પોતાના શરીરને શુદ્ધ કર્યું હતું. એટલા માટે જ ગણપતિની સ્થાપના 10 દિવસ સુધી કરવામાં આવે છે અને પછી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
અનંત ચતુર્દશીના રોજ થાય છે ગણેશ વિસર્જન
જે દિવસે વેદ વ્યાસજી ગણેશજીને લેવા ગયા તે દિવસે ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી હતી અને જે દિવસે મહાભારતની કથા પૂર્ણ થઈ તે દિવસે ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્દશી હતી. ત્યારથી આપણે ભગવાન શ્રીગણેશને ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીથી ભાદ્રપદ સુદ પક્ષની ચતુર્દશી સુધી બિરાજમાન રાખીએ છીએ. દરમિયાન આપણે ભગવાન ગણેશની પૂજા અને સેવા કરીએ છીએ અને ચતુર્દશીના દિવસે આપણે ભગવાન શ્રીગણેશને પાણીમાં વિસર્જન કરીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે