અંબાજીમાં અખંડ જ્યોતના દર્શન કરવા હવે 999 ના બદલે 1200 પગથિયા ચઢવા પડશે
Ambaji Temple : ગબ્બર પર્વત પર ભક્તોની સુવિધા માટે પગથિયાના નવીનીકરણની આજથી કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે આ કામગીરી બાદ પગથિયાની સંખ્યા વધી જશે
Trending Photos
Gujarat Tourism : ગુજરાતમાં આવેલું યાત્રાધામ અંબાજી એ મા અંબાની ભક્તિ અને શક્તિનું અનેરુ સ્થાન છે. અહી દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ગબ્બર પર્વત ચઢીને અંબાજીમાં અખંડ જ્યોતના દર્શન કરે છે. ત્યારે અંબાજીના ગબ્બર અખંડ જ્યોતના દર્શન કરવા માટે હવે 999 પગથિયાંના બદલે 1200 પગથિયા ચઢવા પડશે. કારણ કે, નવા રંગરૂપ સાથે 20 કરોડ 40 લાખના ખર્ચે પગથિયાં તૈયાર થશે, જે માટે આજે ભૂમિ પૂજન કરાયું છે.
અંબાજી મંદિરથી 3 કિમી દૂર ગબ્બર પર્વત મા અંબાનુ મૂળ સ્થાનક છે. અંબાજી મંદિરમાં દર્શન કરીને ભક્તો અચૂક ગબ્બર પર્વત પર અખંડ જ્યોતના દર્શના કરવા જાય છે. ત્યારે ગબ્બર ચઢવાના પગથિયાં અલગ અલગ સાઈઝના હોવાથી ભક્તોને ચઢવા ઉતારવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેથી નવા પગથિયાં બનાવાની કામગીરીનું આજથી જિલ્લા કલેકટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર તેમજ અધિક કલેકટરના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.
ગબ્બર ચઢવા અને ઉતારવાના નાનામોટા તેમજ તૂટેલા પગથિયાં ના નવીનીકરણ ની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે. અંબાજી સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન પંડિતો દ્વારા આ ખાત મુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. આ પગથિયાં બન્યા બાદ યાત્રિકોને ગબ્બર ચઢવા ઉતરવામાં ભારે સરળતા રહેશે. પરંતું નવીનીકરણની સાથે પગથિયામાં વધારો થવાનો છે. કારણ કે, પગથિયા નાના-મોટા હોવાથી તેને એક જેવા માપમાં બનાવાશે. આ કારણે 1200 પગથિયા થઈ જશે. અંબાજીના ગબ્બરમાં 999 પગથિયાં ચઢવાના થતા હતા, તેના બદલે ભક્તોએ 1200 જેટલા પગથિયાં ચઢવા પડશે.
આ વિશે માહિતી આપતા બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલાએ જણાવ્યું કે, પહેલા 999 પગથિયાં ચઢવાના હતા, તેના બદલે ભક્તોએ 1200 જેટલા પગથિયાં ચઢવા પડશે. જ્યારે કે, ઉતરવાની બાજુએ 700 ઉપરાંત પગથિયાં ઉતરવા પડશે. ગબ્બર પર્વત પર ધ્રાંગધ્રાના સ્ટોનથી અલગ ઓળખ ધરાવતા ત્રણથી ચાર ઇંચના જાડા પથ્થરો લગાવશે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગના સહિયારા પ્રયાસથી અમદાવાદની પી આર એન્ડ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. પગથિયાની બાજુમાં રેમ્પ, સ્ટ્રીટ લાઈટ, cctv કેમેરા, ટોયલેટ બ્લોક, પાણીની વ્યવસ્થા સહિત બેસવા માટે રેસ્ટ પોઇન્ટ સહિતના આકર્ષણો જોવા મળશે. રૂ. 21 કરોડના ખર્ચે પગથિયાંની નવીન કામગીરી આગામી બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે