AUS WI: વોર્નરની દમદાર ઈનિંગ, ઓસ્ટ્રેલિયાએ વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, ડ્વેન બ્રાવોની વિદાય

ઓસ્ટ્રેલિયાએ ટી20 વિશ્વકપના પોતાના અંતિમ લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલમાં પહોંચવાની દાવેદારી મજબૂત થઈ ગઈ છે. 

AUS WI: વોર્નરની દમદાર ઈનિંગ, ઓસ્ટ્રેલિયાએ વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, ડ્વેન બ્રાવોની વિદાય

અબુધાબીઃ T20 WC 2021: આઈસીસી ટી20 વિશ્વકપમાં (ICC T20 WC) ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરી વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાના બેટર ડેવિડ વોર્નરે અણનમ 89 રનની ઈનિંગ રમતા ટીમને શાનદાર જીત અપાવી છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 16.2 ઓવરમાં 2 વિકેટે 161 રન બનાવી જીત મેળવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની નેટ રનરેટમાં સુધાર થયો છે અને તેની સેમીફાઇનલમાં પહોંચવાની દાવેદારી મજબૂત થઈ ગઈ છે. હવે તેનો નિર્ણય ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચ બાદ થશે. 

વોર્નરની શાનદાર ઈનિંગ, મિશેલ માર્શે આપ્યો સાથ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરતા પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવી હતી. કેપ્ટન આરોન ફિન્ચ ચોથી ઓવરના ત્રીજા બોલ પર 9 રન બનાવી અકીલ હુસૈનના બોલ પર બોલ્ડ થયો હતો. બીજા છેડે વોર્નરે આકરા પ્રહારો કર્યા હતા. 6 ઓવર બાદ ટીમનો સ્કોર 1 વિકેટ પર 53 રન હતો. વોર્નરે 29 બોલમાં 2 સિક્સ અને 5 ચોગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ મિશેલ માર્શે પણ અડધી સદી પૂરી કરી હતી. માર્શ 32 બોલમાં 53 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ વોર્નરે 56 બોલમાં 9 ચોગ્ગા અને 4 સિક્સ સાથે અણનમ 89 રન બનાવ્યા હતા. 

વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને પ્રથમ ઝટકો ત્રીજી ઓવરમાં લાગ્યો હતો. ક્રિસ ગેલ 15 રન બનાવી પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જોશ હેઝલવુડે નિકોલસ પૂરન 4 રન બનાવી આઉટ થયો હતો. એક બોલ બાદ રોસ્ટન ચેઝ શૂન્ય રન પર બોલ્ડ થઈ ગયો હતો. પાવરપ્લેમાં વિન્ડિઝ 3 વિકેટે 50 રન બનાવ્યા હતા. 10 ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 4 વિકેટ પર 74 રન હતો. 

વિન્ડિઝ સતત વિકેટ ગુમાવી રહી હતી. ત્યારે કેપ્ટન પોલાર્ડે એક છેડો સાચવ્યો હતો. પોલાર્ડે 31 બોલ પર 44 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગની મદદથી ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 157 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 39 રન આપીને ચાર વિકેટ મેળવી હતી. સ્ટાર્ક, કમિન્સ અને ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news