IPL 2019: ચેન્નઈનો સતત બીજો વિજય, દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું

મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 32 રનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે પરાજય આપીને સતત બીજો વિજય મેળવ્યો છે. 
 

IPL 2019: ચેન્નઈનો સતત બીજો વિજય, દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠા મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે પરાજય આપીને આઈપીએલની સિઝન-12માં સતત બીજો વિજય મેળવ્યો છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા શિધર ધવનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 19.4 ઓવરમાં 150 રન બનાવીને આ મેચ પોતાના નામે કરી લીધી હતી. ચેન્નઈ તરફથી શેન વોટસન (44), રૈનાએ (30), અને ધોની (32*) રન બનાવી અણનમ રહ્યો હતો. 

ચેન્નઈની ખરાબ શરૂઆત
દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં અંબાતી રાયડૂ (5) ઈશાંત શર્માનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શેન વોટસન અને સુરેશ રૈનાએ બીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી નોંધાવી હતી. પાવરપ્લેમાં ચેન્નઈએ 58 રન ફટકારી દીધા હતા. શેન વોટસન (44) અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો. રિષભ પંતે તેને સ્ટમ્પ આઉટ કર્યો હતો. વોટસને 26 બોલનો સામનો કરતા 4 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. 

વોટસન આઉટ થયા બાદ કેદાર જાધવ ક્રીઝ પર આવ્યો હતો. ટીમનો સ્કોર 98 રન હતો ત્યારે અમિત મિશ્રાએ સુરેશ રૈના (30)ને રિષભ પંતના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. રૈનાએ 16 બોલમાં 4 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 

ધોની અને જાધવ વચ્ચે 48 રનની વિજયી ભાગીદારી
કેદાર જાધવ (27) અને મહેન્દ્ર સિંહ ધોનીએ ચોથી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરીને ચેન્નઈને વિજય અપાવ્યો હતો. જાધવે 34 બોલમાં બે બાઉન્ડ્રી ફટકારી હતી. 

દિલ્હી કેપિટલ્સની ધીમી શરૂઆત
દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ વિકેટ માટે પૃથ્વી શો (16 બોલ 24 રન)એ શિખર ધવનની સાથે પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી, પરંતુ પાંચમી ઓવરમાં શો આઉટ થતા દિલ્હીને પ્રથમ ઝટકો લાગ્યો હતો. પાવરપ્લે બાદ યજમાનનો સ્કોર 43/1 હતો, પરંતુ આગામી ચાર ઓવરોમાં ધીમી બેટિંગ થઈ અને 10 ઓવર બાદ શિખર ધવન અને શ્રેયસ અય્યર સ્કોરને માત્ર 65/1 સુધી પહોંચાડી શક્યા હતા. 

ધવનની અડધી સદી, શ્રેયસ અય્યર ફ્લોપ
12મી ઓવરમાં 79ના સ્કોર પર શ્રેયસ અય્યર (20 બોલ 18 રન) એક ધીમી ઈનિંગ રમીને આઉટ થતા દિલ્હીને બીજો ઝટકો લાગ્યો હતો. અહીંથી શિખર ધવને રિષભ પંત (13 બોલમાં 25 રન)ની સાથે ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. પરંતુ 16મી ઓવરમાં ડ્વેન બ્રાવોએ રિષભ પંત અને કોલિન ઇન્ગ્રામ (2)ને આઉટ કરીને ચેન્નઈને સફળતા અપાવી હતી. 17મી ઓવરમાં કીમો પોલ પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. શિખર ધવને 45 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ 18મી ઓવરમાં તે 51 રનના સ્કોર પર બ્રાવોના બોલ પર આઉટ થઈ ગયો હતો. 

ડેથ ઓવરમાં બ્રાવોની શાનદાર બોલિંગ
અંતિમ પાંચ ઓવરમાં દિલ્હી કેપિટલ્સે ચાર વિકેટના નુકસાન પર માત્ર 29 રન બનાવ્યા અને પંત આઉટ થયા બાદ ચેન્નઈએ શાનદાર વાપસી કરી હતી. ચેન્નઈ તરફથી ડ્વેન બ્રાવોએ ત્રણ વિકેટ ઝડપી આ સિવાય જાડેજા, તાહિર અને દીપક ચહરને એક-એક સફળતા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news