IPL 2019: હૈદરાબાદને લાગ્યો ઝટકો, આ ખેલાડી દાદીના નિધન બાદ પરત ફર્યો સ્વદેશ
હૈદરાબાદની ટીમ મંગળવારે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ બીજા અને હૈદરાબાદ ચોથા સ્થાન પર છે.
Trending Photos
નવી દિલ્હીઃ હૈદરાબાદની ટીમને ચેન્નઈ સામે મુકાબલા પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તે આીપીએલ-12માં મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સામે ટકરાશે. પરંતુ આ મહત્વના મેચમાં તેનો કેપ્ટન કેન વિલિયમ્સન રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના વિલિયમ્સનના દાદીના અવસાન બાદ તે સ્વદેશ પરત ફર્યો છે. તે હવે હૈદરાબાદની આગામી મેચ પહેલા ટીમ સાથે જોડાઈ જશે. હૈદરાબાદની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા નંબર પર છે. તેણે હજુ પાંચ મેચ રમવાના છે.
આ હૈદરાબાદ અને ચેન્નઈનો આઈપીએલ-12માં બીજો મેચ છે. ચેન્નઈની ટીમ જ્યારે હૈદરાબાદ વિરુદ્ધ ગત મેચ રમી હતી તો તેનો કેપ્ટન ધોની ઈજાને કારણે બહાર હતો. ત્યારે તે મેચ ચેન્નઈએ ગુમાવી હતી. હવે જોવાનું છે કે, હૈદરાબાદની ટીમ પોતાના નિયમિત કેપ્ટન વગર ચેન્નઈને હરાવશે કે નહીં. ચેન્નઈની ટીમનો છેલ્લા બે મેચોમાં પરાજય થયો છે. તેવામાં તે જીતની પાટા પર પરત ફરવા માટે ઉત્સાહિત છે.
હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. આ મેચ ચેન્નઈમાં રમાશે. હૈદરાબાદની આગેવાની ભુવનેશ્વર કુમાર કરશે. હૈદરાબાદે અત્યાર સુધી નવમાંથી પાંચ મેચ પોતાના નામે કરી છે. છેલ્લા બે મેચમાં તેણે ચેન્નઈ અને કોલકત્તાને પરાજય આપ્યો હતો. હવે તેની નજર જીતની હેટ્રિક પર છે. પરંતુ ચેન્નઈને તેના ઘરમાં હરાવવું હૈદરાબાદ માટે આસાન રહેશે નહીં. ભુવનેશ્વર આ સિઝનમાં છઠ્ઠી વખત આગેવાની કરશે. વિલિયમ્સનની જગ્યાએ મોહમ્મદ નબીને અંતિમ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.
આ હોઈ શકે છે પ્લેઇંગ-XI:
ચેન્નઈ (સંભવિત): ફાફ ડુ પ્લેસિસ, શેન વોટસન, સુરેશ રૈના, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, જાડેજા, ડ્વેન બ્રાવો, દીપક ચહર, ઇમરાન તાહિર, હરભજન સિંહ.
હૈદરાબાદ (સંભવિત): જોની બેયરસ્ટો, ડેવિડ વોર્નર, વિજય શંકર, મોહમ્મદ નબી, દીપક હુડ્ડા, યૂસુફ પઠાન, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, શાહબાઝ નદીમ, ખલીહ અહમદ, સંદીપ શર્મા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે