WTC Final માં ભારતનો કારમો પરાજય, 8 વિકેટે જીત મેળવી ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ

ICC WTC 2021 Finals: કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચી દીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતને શમરનજક પરાજય આપી કીવી ટીમે દમદાર જીત મેળવી છે. 

WTC Final માં ભારતનો કારમો પરાજય, 8 વિકેટે જીત મેળવી ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ

સાઉથમ્પ્ટનઃ કેન વિલિયમસનની ન્યૂઝીલેન્ડન ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને વિકેટે હરાવી ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટના 144 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કીવી ટીમે જીત મેળવી પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવી દીધું છે. જ્યારે વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયાને નિરાશા હાથ લાગી છે. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને કીવી ટીમને 32 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને કીવી ટીમને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમે કેપ્ટન વિલિયમસનની અણનમ અડધી સદીની મદદથી 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગ
ભારતે આપેલા 139 રનના લક્ષ્યના જવાબમાં ન્યૂઝીલેન્ડના ઓપનરોએ ધીમી શરૂઆત કરી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 33 રન જોડ્યા હતા. ટોમ લાથમ 9 રન બનાવી આર અશ્વિનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર ડેવોન કોનવે 19 રન બનાવી અશ્વિનની ઓવરમાં LBW આઉટ થયો હતો. 

કેન વિલિયમસન અને રોસ ટેલરે અપાવી જીત
બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે 44 રનનો સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમના બે અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન અને રોસ ટેલરે ટીમની જીત નિશ્ચિત કરી હતી. વિલિયમસને 86 બોલમાં 8 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. કેન વિલિયમસન 52 અને રોસ ટેલર 47 રન બનાવી અણનમ રહ્યો હતો. 

બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન
ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 32 રનના દેવા સાથે મેદાનમાં ઉતરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 24 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ (8)ને ટિમ સાઉદીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ટીમને 51 રનના સ્કોર પર રોહિત શર્મા (30) રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. 

જેમિસને કોહલીને ફરી કર્યો આઉટ
કાઇલ જેમિસને મેચના નિર્ણાયક દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (13)ને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ જેમિસને ચેતેશ્વર પુજારા (15)ને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. અજિંક્ય રહાણે પણ માત્ર 15 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. 

પંત ખરાબ શોટ રમી આઉટ
ભારત તરફથી બીજી ઈનિંગમાં રિષભ પંતે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. પંત ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા (16) ને નીલ વેગનરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. આર અશ્વિન 7 રન બનાવી બોલ્ટની ઓવરમાં આઉટ થયો હતો. અંતમાં સાઉદીએ જસપ્રીત બુમરાહ (0) અને શમી (13)ને આઉટ કરી ભારતની ઈનિંગનો અંત કર્યો હતો. 

ન્યૂઝીલેન્ડના બોલરોની દમદાર બોલિંગ
ન્યૂઝીલેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ટીમ સાઉદી સૌથી સફળ બોલર રહ્યો હતો. સાઉદીએ 48 રન આપી 4 વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે 39 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય કાઇલ જેમિસને 2 અને નીલ વેગનરે એક બેટ્સમેનને આઉટ કર્યા હતા. 

ન્યૂઝીલેન્ડ 249 રન બનાવી ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઈનિંગના આધારે 32 રનની લીડ મળી છે. કીવી ટીમ 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 76 રન આપીને ચાર વિકેટ ઝડપી છે. આ સિવાય ઈશાંત શર્માએ 57 રન આપીને ત્રણ, અશ્વિને 28 રન આપીને બે તથા જાડેજાએ એક વિકેટ ઝડપી છે. 

ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ડેવોન કોનવેએ શાનદાર અડધી સદી ફટકારતા 54 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન કેન વિલિયમસને 49 રનનું યોગદાન આપ્યું હતું. ટોમ લાથમ અને ટિમ સાઉદીએ 30-30 રન બનાવ્યા હતા. કાઇલ જેમિસને 21, ગ્રાન્ડહોમે 13 રનનું યોગદાન આપ્યું હતું. 

પ્રથમ ઈનિંગમાં ઈશાંત-શમી છવાયા
ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. શમીએ 76 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઈશાંત શર્માએ 57 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. અશ્વિનને બે તથા જાડેજાને એક સફળતા મળી હતી. જસપ્રીત બુમરાહની વિકેટનું ખાનુ ખાલી રહ્યું હતું. 

ભારતની પ્રથમ ઈનિંગ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 44 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર રોહિત શર્મા 34 અને શુભમન ગિલ 28 રન બનાવી આઉટ થયા હતા. 

ચેતેશ્વર પુજારા 4, રિષભ પંત 4, ઈશાંત શર્મા 4 રન બનાવી આઉટ થયા હતા. રવિન્દ્ર જાડેજાએ 15 અને અશ્વિને 22 રનનું યોગદાન આપ્યું હતું. શમી 4 રન બનાવી અણનમ રહ્યો હતો. 

કાઇલ જેમિસનની પાંચ વિકેટ
ન્યૂઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. યુવા બોલર કાઇલ જેમિન્સન સૌથી સફળ બોલર રહ્યો હતો. જેમિસને 22 ઓવરમાં 31 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તે નિલ વેગનરે 40 રન આપીને બે તથા બોલ્ટે 47 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ટિમ સાઉદીને 1 વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news