IND vs NZ WTC Final: પાંચમાં દિવસની રમત પૂરી, ભારત બીજી ઈનિંગમાં 64/2

IND vs NZ WTC Final Live updates: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આજે પાંચમો દિવસ છે. કીવી ટીમ પાંચમાં દિવસે 101/2ના સ્કોરથી પોતાની ઈનિંગ આગળ વધારશે.

IND vs NZ WTC Final: પાંચમાં દિવસની રમત પૂરી, ભારત બીજી ઈનિંગમાં 64/2

સાઉથમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઇ રહી છે. મેચમાં પાંચમાં દિવસની રમત પૂરી થઈ ગઈ છે. હવે વરસાદને કારણે બુધવારે રિઝર્વ ડેમાં પણ મેચ રમાશે. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 249 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. આમ કીવી ટીમને પ્રથમ ઈનિંગના આધારે 32 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 2 વિકેટે 64 રન બનાવી લીધા છે. ભારતીય ટીમ આ સમયે 32 રન આગળ છે. 

ન્યૂઝીલેન્ડ 249 રન બનાવી ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઈનિંગના આધારે 32 રનની લીડ મળી છે. કીવી ટીમ 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 76 રન આપીને ચાર વિકેટ ઝડપી છે. આ સિવાય ઈશાંત શર્માએ 57 રન આપીને ત્રણ, અશ્વિને 28 રન આપીને બે તથા જાડેજાએ એક વિકેટ ઝડપી છે. 

અશ્વિને ભારતને અપાવી નવમી સફળતા
આર અશ્વિને નીલ વેગનરને આઉટ કરી ભારતને નવમી સફળતા અપાવી હતી. 

કેન વિલિયમસન અડધી સદી ચુક્યો
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 49 રન બનાવી ઈશાંત શર્માનો શિકાર બન્યો છે. ઈશાંતને ત્રીજી સફળતા મળી છે. કેન વિલિયમસન 177 બોલનો સામનો કર્યા બાદ આઉટ થયો છે. 

ભારતના સ્કોર કરતા આગળ નિકળ્યું ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ ભારતના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા આગળ નિકળી ગયું છે. આ સાથે મહત્વની મેચમાં ન્યૂઝીલેન્ડે લીડ મેળવી છે. 

કાઇલ જેમિસન આઉટ
મોહમ્મદ શમીએ ભારતને સાતમી સફળતા અપાવી છે. આક્રમક બેટિંગ કરી રહેલ કાઇલ જેમિસન 16 બોલમાં 21 રન ફટકારી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમ હજુ 25 રન પાછળ છે. 

કોલિન ડિ ગ્રાન્ડહોમ આઉટ
લંચ બાદ મોહમ્મદ શમીએ ભારતને છઠ્ઠી સફળતા અપાવી છે. કોલિન ડિ ગ્રાન્ડહોમ માત્ર 11 રન બનાવી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડે 162 રનનો સ્કોર પર પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી છે. 

પાંચમાં દિવસનું પ્રથમ સેશન ભારતના નામે
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પાંચમાં દિવસે લંચ સમયે ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડે આ સત્રમાં 3 વિકેટ ગુમાવી છે અને માત્ર 34 રન બનાવ્યા છે. ભારત તરફથી શમીએ બે, ઈશાંત શર્માએ બે અને અશ્વિને એક વિકેટ ઝડપી છે. કેન વિલિયમસન 19 અને કોલિન ડિ ગ્રાન્ડહોમ 0 રન બનાવી ક્રીઝ પર છે. 

શમીને મળી બીજી સફળતા
મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરતા ભારતને પાંચમી સફળતા અપાવી હતી. શમીએ વોટલિંગને બોલ્ડ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પાંચમાં દિવસે પ્રથમ સત્રમાં ત્રીજી વિકેટ ગુમાવી છે. 

હેનરી નિકોલસ આઉટ
ઈશાંત શર્માએ લંચ પહેલા ભારતને ચોથી સફળતા અપાવી છે. હેનરી નિકોલસ માત્ર 7 રન બનાવી સ્લીપમાં કેચઆઉટ થયો છે. ન્યૂઝીલેન્ડે 134 રન પર પોતાની ચોથી વિકેટ ગુમાવી છે. 

શમીએ ભારતને અપાવી સફળતા
ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ પાંચમાં દિવસે પ્રથમ કલાક સંભાળીને બેટિંગ કરી હતી. ડ્રિંક્સ બ્રેક બાદ મોહમ્મદ શમીએ રોસ ટેલર (13) ને આઉટ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. 

પાંચમાં દિવસે મોડી શરૂ થશે મેચ
સાઉથમ્પ્ટનમાં પાંચમાં દિવસની રમત શરૂ થતાં પહેલા વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થશે.

ચોથા દિવસે વરસાદે બગાડી મેચની મજા
પ્રથમ દિવસની જેમ ચોથા દિવસે પણ વરસાદની જીત થઈ છે. ચોથા દિવસે એકપણ બોલ ફેંકાયો નથી. આમ ચાર દિવસમાં માત્ર બે દિવસ રમત શક્ય બની છે. પ્રથમ અને ચોથા દિવસે તો એકપણ બોલ ફેંકાયો નથી. ફેન્સ પણ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે. 

હવે મેચ ડ્રો થવાની શક્યતા વધી
ચોથા દિવસની રમત પૂરી થઈ જતાં મેચમાં માત્ર એક દિવસ બાકી છે. હા આઈસીસીએ એક રિઝર્વ ડે રાખ્યો છે. જો મેચ છઠ્ઠા દિવસે પણ લઈ જવામાં આવે તો પણ પરિણામ આવવું મુશ્કેલ લાગી રહ્યું છે. હવે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ પણ પૂરી થઈ નથી. જ્યારે બન્ને ટીમની હજુ બીજી ઈનિંગ તો બાકી છે. એટલે હવે મેચ ડ્રો જવાની શક્યતા વધી ગઈ છે.

ખરાબ હવામાનને કારણે ત્રીજા દિવસની રમત પૂરી
મેચના છેલ્લા સત્રમાં ખરાબ પ્રકાશને કારણે દિવસના સમાપ્તિ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડને બન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. ટોમ લાથમ 30 અને ડેવોન કોનવે 54 રન બનાવી આઉટ થયા છે. દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 101 રન છે.

ભારતને મળી મોટી સફળતા
ભારતને ઈશાંત શર્માએ મોટી સફળતા મળી છે. ડેવોન કોનવે 54 રન બનાવી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડે 101 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી છે. 

ન્યૂઝીલેન્ડનો સ્કોર 100ને પાર
ન્યૂઝીલેન્ડે શાનદાર બેટિંગ કરતા પોતાનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો છે. ડેવોન કોનવે અને કેન વિલિયમસન ક્રિઝ પર છે. 

ઐતિહાસિક મેચમાં ડેવોન કોનવેની અડધી સદી
ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેડ્સમેન ડેવોન કોનવેએ પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે 137 બોલમાં 6 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી છે. ડેવોન કોનવેએ પોતાના ટેસ્ટ કરિયરની સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી છે. જેમાં તે એક બેવડી સદી પણ ફટકારી ચુક્યો છે. 

ભારતની પ્રથમ ઈનિંગ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 44 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર રોહિત શર્મા 34 અને શુભમન ગિલ 28 રન બનાવી આઉટ થયા હતા. 

ચેતેશ્વર પુજારા 4, રિષભ પંત 4, ઈશાંત શર્મા 4 રન બનાવી આઉટ થયા હતા. રવિન્દ્ર જાડેજાએ 15 અને અશ્વિને 22 રનનું યોગદાન આપ્યું હતું. શમી 4 રન બનાવી અણનમ રહ્યો હતો. 

કાઇલ જેમિસનની પાંચ વિકેટ
ન્યૂઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. યુવા બોલર કાઇલ જેમિન્સન સૌથી સફળ બોલર રહ્યો હતો. જેમિસને 22 ઓવરમાં 31 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તે નિલ વેગનરે 40 રન આપીને બે તથા બોલ્ટે 47 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ટિમ સાઉદીને 1 વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news