ગુજરાતી ખેડૂતે ચમત્કાર કર્યો, ઠંડા પ્રદેશમાં થતા ફળની ખેતી ભરૂચમાં કરી બતાવી

Apple Farming In Gujarat : ભરૂચ જિલ્લાના 40 ડિગ્રી તાપમાનમાં ઠંડા પ્રદેશના ફળ ગણાતા સફરજનની ખેતીમાં ખેડૂતને સફળતા મળી, 3 વર્ષના સખત પરિશ્રમ બાદ 20 વૃક્ષો પર ફળ આવવાની શરૂઆત થઇ

ગુજરાતી ખેડૂતે ચમત્કાર કર્યો, ઠંડા પ્રદેશમાં થતા ફળની ખેતી ભરૂચમાં કરી બતાવી

Agriculture News : ગુજરાતીમાં કહેવત છે, કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે. એકવાર જો તે નક્કી કરી લે તો નૈયા પાર થઈ જાય. સામાન્ય રીતે સફરજન એવું ફળ છે જેની ખેતી ઠંડા પ્રદેશમા જ થાય છે. ગુજરાત જેવા ગરમ પ્રદેશમાં તેની ખેતી શક્ય નથી. પરંતુ ગુજરાતના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. ગુજરાતના અનેક ખેડૂતોએ અનોખી ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે. ત્યારે ભરૂચના એક ખેડૂતે પણ ખેતીમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લાના એક ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સફરજનની ખેતી ગુજરાતમાં કરી છે. આવું પહેલીવાર ગુજરાતમાં થયું છે. 

આ ખેડૂતનું નામ છે શશીકાંત પરમાર. જેઓ ભરૂચ જિલ્લાના અંદાડામાં રહે છે. 3 વર્ષની સખત મહેનત બાદ તેમની વાડીના 20 વૃક્ષો પર સફરજન આવવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લાના 40 ડિગ્રી તાપમાનમાં તેઓએ ઠંડા પ્રદેશનું ફળ કહેવાતા સફરજનની ખેતી કરી છે. હવે તેમને આ ખેતીનું ફળ મળ્યું છે. 

પાટીદાર ખેડૂતના આ સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે!

કેવી રીતે વિચાર આવ્યો
ગરમ પ્રદેશમાં સફરજનની ખેતી કરવી મુશ્કેલ છે. ભારતમાં માત્ર કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જ સફરજનની ખેતી થાય છે. જ્યાંથી આખા દેશમાં સફરજન વેચાય છે. ત્યારે અંદાડાના ખેડૂત શશીકાંત પરમારને ભરૂચમાં સફરજનની ખેતી કરવાનો આઈડિયા આવ્યો હતો. તપાસ કરતા તેમણે ખબર પડી કે, કચ્છમાં પણ સફરજનની ખેતીનો સફળ પ્રયોગ થયો છે. જો કચ્છની ગરમીમાં સફરજન આવી શકે છે, તો ભરૂચમાં કેમ ન ઉગી શકે. 

આ માટે રિસર્ચ કર્યું. તેમણે જાણ્યુ કે, સફરજનની આ નવી પ્રજાતિની 40 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઇ શકે છે. તેથી તેમણે બેંગલુરુથી 50 છોડ લાવીને પોતાની વાવીએ વાવ્યા હતા. આ બાદ તેમણે સતત સફરજનના છોડની માવજત કરી હતી. માત્ર પાણીથી તમામ છોડનો ઉછેર કર્યો હતો. 

ત્રણ વર્ષના અથાગ પ્રયાસો બાદ આખરે તેમને મહેનત ફળી છે. તેમના 20 વૃક્ષો પર ફળ આવવાની શરૂઆત થઈ છે. આ જોઈને શશીકાંતભાઈ ખુશીની ઝૂમી ઉઠ્યા હતા. શશીકાંતભાઈ કહે છે કે, હવે સફરજન લાગ્યા છે તો મારી ખુશીનો પાર નથી રહ્યો. તેને સ્થાનિક બજારમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news