IND vs SA: અર્શદીપની ઘાતક બોલિંગ, સૂર્યા-રાહુલની અડદી સદી, ભારતે આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું
India vs South Africa T20: ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં પરાજય આપ્યા બાદ ભારતે આફ્રિકાને પણ પ્રથમ મેચમાં 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. તિરૂવનંતપુરમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો.
Trending Photos
તિરૂવનંતપુરમઃ અર્શદીપ સિંહ અને દીપક ચાહરની ઘાતક બોલિંગ અને સૂર્યકુમાર યાદવ તથા કેએલ રાહુલની અડધી સદીઓની મદદથી ભારતે અહીં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 106 રન બનાવી શકી હતી. જેના જવાબમાં 16.4 ઓવરમાં ભારતે 2 વિકેટે 110 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
દીપક ચાહર-અર્શદીપનો ઘાતક સ્પેલ
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા ખાતુ ખોલાવ્યા વગર દીપક ચાહરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈનિંગની બીજી ઓવરમાં અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપે ડી કોક, રિલી રોસો અને મિલરને આઉટ કર્યાં હતા. ત્રીજી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સને દીપક ચાહરે આઉટ કરીને આફ્રિકાને પાંચમો ઝટકો આપ્યો હતો. આફ્રિકાના ટોપના ચાર બેટર શૂન્ય રને આઉટ થયો હતા.
આફ્રિકા તરફથી સૌથી વધુ રન કેશવ મહારાજે બનાવ્યા હતા. મહારાજ 35 બોલમાં 41 રન બનાવી આઉટ થયો હતો. એડન માર્કરમે 25 અને પાર્નેલે 24 રન બનાવ્યા હતા. રબાડા 7 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી અર્શદીપે 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલ અને દીપક ચાહરને બે-બે તથા અક્ષરને એક સફળતા મળી હતી. તો અશ્વિને 4 ઓવરમાં માત્ર 8 રન આપ્યા હતા.
આફ્રિકાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 9 રનના સ્કોર પર રોહિત શર્મા (0) ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વિરાટ કોહલી (9) રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા 33 બોલમાં 3 સિક્સ અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. તો કેએલ રાહુલ 56 બોલમાં 4 સિક્સ અને બે ચોગ્ગા સાથે 51 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે