INDvsAUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 8 રને આપ્યો પરાજય, વનડેમાં મેળવી 500મી જીત
નાગપુરમાં રમાયેલી બીજી વનડે મેચમાં અત્યંત રોમાંચક તબક્કામાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે પાંચ મેચોની વનડે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
Trending Photos
નાગપુરઃ ભારતે અહીં જામથા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને રોમાંચક મેચમાં 8 રને પરાજય આપીને પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 48.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 242 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 11 રનની જયારે ભારતને જીતવા માટે 2 વિકેટની જરૂર હતી. વિજય શંકરે ત્રણ બોલમાં બે વિકેટ ઝડપીને ભારતને વિજય અપાવ્યો હતો. લો-સ્કોરિંગ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. કુલદીપે સૈથી વધુ ત્રણ, તથા બુમરાહ અને વિજય શંકરે બે-બે વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામે આ ભારતનો સતત ચોથા વિજય છે. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 40મી વનડે સદી ફટકારી હતી. સદી ફટકારનાર ભારતીય કેપ્ટન કોહલીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
500 વનડે જીતનાર ભારત બીજો દેશ
ભારતે આ વનડેમાં 500મી જીત મેળવી છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો બીજો દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયા 558 જીત સાથે પ્રથમ સ્થાને છે.
ફિન્ચ-ખ્વાજા વચ્ચે 83 રનની ભાગીદારી
251 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને બંન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. ફિન્ચ અને ખ્વાજાએ 14 ઓવરમાં 83 રન જોડી દીધા હતા. ઈનિંગની 15મી ઓવરમાં એરોન ફિન્ચ (37) કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. તેણે 53 બોલમાં 5 બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી હતી. તેની આગામી ઓવરમાં કેદાર જાધવે ઉસ્માન ખ્વાજા (38)ને વિરાટના હાથે કેચઆઉટ કરવાની ભારતને બીજી સફળતા અપાવી હતી. બંન્ને ઓપનરો સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યાં હતા.
શોન માર્શ અને મેક્સવેલ ફીરકીમાં ફસાયા
પ્રથમ વિકેટ બાદ ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. શોન માર્શ અને ગ્લેન મેક્સવેલ ભારતીય સ્પિનરોનો સામનો કરવામાં અસફળ રહ્યાં હતા. શોન માર્શ (16) રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા મેક્સવેલ (4)ને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. પોતાના કરિયરમાં કુલદીપે પ્રથમવાર મેક્સવેલને આઉટ કર્યો હતો.
હૈંડ્સકોમ્બ અડધી સદી ચુક્યો
મેક્સવેલ આઉટ થયા બાદ માર્કસ સ્ટોઇનિસ અને પીટર હૈંડ્સકોમ્બે પાંચમી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી. હૈંડ્સકોમ્બ (48) જાડેજાના સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. તેણે 59 બોલમાં 4 બાઉન્ડ્રી ફટકારી હતી.
એલેક્સ કેરી અને સ્ટોઇનિસે છઠ્ઠી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. બંન્ને સેટ થઈ ગયા હતા. પરંતુ કુલદીપ યાદવે એલેક્સ કેરી (22)ને બોલ્ડ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. ત્યારબાદ ઈનિંગની 46મી ઓવરમાં બુમરાહે બે વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું હતું. તેણે કુલ્ટર નાઇલ (4)ને બોલ્ડ અને પેટ કમિન્સ (0) કેચઆઉટ કરાવ્યો હતો.
ભારત તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 54 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે 10 ઓવરમાં 29 રન આપીને બે સફળતા મેળવી હતી. વિજય શંકરે 13 રન આપીને બે તથા જાડેજા અને કેદાર જાધવને એક-એક સફળતા મળી હતી.
ભારતની ઓપનિંગ જોડી ફેલ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની પ્રથમ ઓવરના છેલ્લા બોલે રોહિત શર્મા (0)ને પેટ કમિન્સે બાઉન્ડ્રી પર એડમ ઝમ્પાના હાથે કેચ કરાવીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે પાવરપ્લેમાં ગ્લેન મેક્સવેલને બોલિંગ આપી હતી. તેનો ફાયદો ઉઠાવતા ઈનિંગની નવમી ઓવરમાં મેક્સવેલે શિખર ધવન (21)ને LBW આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજી સફળતા અપાવી હતી. ભારતે પ્રથમ પાવરપ્લેના અંતે 2 વિકેટ ગુમાવી 39 રન બનાવ્યા હતા.
રાયડૂ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
હૈદરાબાદમાં પોતાની બેટિંગથી નિરાશ કરેલા અંબાતી રાયડૂએ ફરી એકવખત નિરાશ કર્યા હતા. તેણે સેટ થવા બાદ પોતાની વિકેટ ગુમાવી હતી. રાયડૂ (18) નાથન લાયનનો શિકાર બન્યો હતો. તે LBW આઉટ થયો હતો. રાયડૂએ 32 બોલનો સામનો કરતા બે બાઉન્ડ્રી ફટકારી હતી.
કોહલીની કરિયરની 40મી સદી
એક તરફ વિકેટનું પતન થતું હતું બીજી તરફ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈનિંગને સંભાળતા પોતાના વનડે કરિયરની 50મી અડધી સદી ફટકારી હતી. તેણે 55 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેણે જાડેજા સાથે સાતમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. કોહલીએ 107 બોલમાં પોતાના વનડે કરિયરની 40મી સદી પૂરી કરી હતી. કોહલી 116 રન બનાવી પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. તેણે 120 બોલમાં 10 બાઉન્ડ્રી ફટકારી હતી.
શંકર દુર્ભાગ્યપૂર્ણ રીતે રનઆઉટ
વિજય શંકર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તેણે કોહલી સાથે મળીને ચોથી વિકેટ માટે 81 રનની ભાગીદારી પણ કરી હતી. તે એડમ ઝમ્પાની બોલિંગમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે રનઆઉટ થયો હતો. ઝમ્પાની બોલિંગમાં વિરાટ કોહલીએ સ્ટેટ ડ્રાઇવ મારી બોલ ઝમ્પાના હાથમાં ટચ થઈને સ્ટમ્પમાં લાગ્યો હતો આ સમયે વિજય શંકર ક્રિઝની બહાર રહેતા તે રન આઉટ થયો હતો. તેણે 41 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન બનાવ્યા હતા.
ગત મેચના હીરો બન્યા ઝીરો
પ્રથમ વનડેમાં ભારતને જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા એમએસ ધોની અને કેદાર જાધવ બીજી વનડેમાં ફ્લોપ રહ્યાં હતા. એડમ ઝમ્પાએ એક ઓવરમાં ધોની અને જાધવને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ઈનિંગની 33મી ઓવરમાં કેદાર જાધવ (11) કેચઆઉટ થયો હતો. તેના પછીના બોલે ધોનીને (0) ગોલ્ડન ડક મળી હતી.
કોહલી-જાડેજા વચ્ચે મહત્વની ભાગીદારી
ભારતે 171 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીએ સાતમી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. જાડેજા (21) પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. તેણે 40 બોલનો સામનો કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4, ઝમ્પાએ બે તથા મેક્સવેલ, નાથન કુલ્ટર નાઇલ અને લાયને એક-એક વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે