IPL 2019: 'કરો યા મરો મુકાબલા'માં કોલકત્તાએ મુંબઈને 34 રનમાં હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આજે રનનો વરસાદ થયો હતો. પહેલા શુભમન ગિલ, ક્રિસ લિન અને આંદ્રે રસેલ શો બાદ મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા શો જોવા મળ્યો હતો. આ મેચમાં કોલકત્તાએ મુંબઈને 34 રનથી પરાજય આપ્યો છે. 
 

IPL 2019: 'કરો યા મરો મુકાબલા'માં કોલકત્તાએ મુંબઈને 34 રનમાં હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

કોલકત્તાઃ ઈડન ગાર્ડનમાં રમાયેલી આઈપીએલની સિઝન-12ના 47માં મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 34 રને પરાજય આપીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. હાઇ સ્કોરિંગ મેચમાં કોલકત્તાએ પ્રથમ બેટિંગ કરતા આંદ્રે રસેલ, ક્રિસ લિન અને શુભમન ગિલની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 232 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાના (91) રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 198 રન બનાવી શક્યું હતું. સતત છ હાર બાદ કોલકત્તાને પ્રથમ વિજય મળ્યો છે. કોલકત્તાનો 12 મેચમાં આ પાંચમો વિજય છે. આ જીતની સાથે તેણે પ્લેઓફની આશા જીવંત રાખી છે. 

233 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી ઓવરમાં ડિ કોકની વિકેટ ગુમાવી હતી. તે શૂન્ય રન પર સુનીલ નરેનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈનિંગની ચોથી ઓવરમાં મુંબઈને બીજો ઝટકો લાગ્યો અને કેપ્ટન રોહિત શર્મા 12 રન બનાવીને હેરી ગર્નેના બોલ પર આઉટ થયો હતો. 

વિકેટ પડવાનો આ સિલસિલો ચાલું રહ્યો અને 7મી ઓવરમાં લુઈસને રસેલે પેવેલિયન પરત મોકલીને મુંબઈને ત્રીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ રસેલે 9મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ 26ને પણ આઉટ કરીને પોતાની બીજી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. બંન્નેએ પાંચમી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. 14મી ઓવરમાં મુંબઈને પાંચમો ઝટકો લાગ્યો અને પોલાર્ડ 20 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક 91 અને ક્રુણાલ પંડ્યા 24 રન બનાવી આઉટ થયો હતો. 

હાર્દિક પંડ્યાની અડધી સદી
હાર્દિક પંડ્યા ક્રીઝ પર આવવાની સાથે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. તેણે છગ્ગાનો વરસાદ કર્યો હતો. ઈનિંગની 14મી ઓવરમાં તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આઈપીએલ-2019ની સિઝનની આ સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલા રિષભ પંતે મુંબઈ સામે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 34 બોલમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 91 રન બનાવી આઉટ થયો હતો. હેરી ગર્નેને આ સફળતા મળી હતી. 

કોલકત્તાની ધમાકેદાર શરૂઆત
કોલકત્તાની સારી શરૂઆત કરી, ક્રિસ લિન અને શુભમન ગિલ દ્વારા શાનદાર શરૂઆતની મદદથી ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 50 રન બનાવ્યા હતા. પાવરપ્લે બાદ બંન્ને બેટ્મસેનોએ રનની ગતિને વધારી અને 9 ઓવરમાં વિના વિકેટે 89 રન બનાવી લીધા હતી. પરંતુ આગામી ઓવરમાં રાહુલ ચહરે ક્રિસ લિનને 54 રન પર ઇવિન લુઈસના હાથે કેચકરાવ્યો હતો. 

આ વિકેટ પડ્યા બાદ પણ રનની ગતિ પર કોઈ બ્રેક ન લાગી અને કોલકત્તાની ટીમે 15 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 157 રન પૂરા કરી લીધા હતા. ત્યારબાદ કોલકત્તાને બીજો ઝટકો લાગ્યો હતો. શુભમન ગિલ 76 રન પર હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. તેને પણ ઇવિન લુઈસે બાઉન્ડ્રી પર કેચ કર્યો હતો. શુભમન ગિલે પોતાની 76 રનની ઈનિંગમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. 

રસેલનું તોફાન.......
બીજી વિકેટ પડ્યા બાદ રસેલ અને કાર્તિકે બેટિંગમાં મોરચો સંભાળ્યો અને ઘણા મોટા શોટ્સ ફટકાર્યા હતા. રસેલે 30 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. રસેલે 40 બોલ પર 80 રનની આક્રમક બેટિંગ કરી હતી. આ સિવાય કેપ્ટન દિનેશ કાર્તિકે પણ અંતની ઓવરોમાં ફટકાબાજી કરતા ટીમને 20 ઓવરમાં 232 સુધી પહોંચાડી હતી. રસેલે 8 સિક્સ અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે આઈપીએલની આ સિઝનમાં 50 સિક્સ પૂરી કરી લીધી છે. એક સિઝનમાં 50 છગ્ગા ફટકારનાર તે ક્રિસ ગેલ બાદ બીજો બેટ્સમેન છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news