IPL 2021: પંજાબ કિંગ્સનું શાનદાર પ્રદર્શન, બેંગલોરને 34 રને પરાજય આપ્યો

કેએલ રાહુલની શાનદાર ઈનિંગ બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે આરસીબીને હરાવી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. 

IPL 2021: પંજાબ કિંગ્સનું શાનદાર પ્રદર્શન, બેંગલોરને 34 રને પરાજય આપ્યો

અમદાવાદઃ પંજાબ કિંગ્સે (PBKS) એ શાનદાર પ્રદર્શન કરતા અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ (IPL 14) ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને (RCB) ને 34 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. તો વિરાટ કોહલીની ટીમ બેંગલોરનો આ સાતમી મેચમાં બીજો પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 145 રન બનાવી શકી હતી. 

આરસીબી ધીમી શરૂઆત
પંજાબે આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીને ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. દેવદત્ત પડિક્કલ (7) ને મેરિડિથે બોલ્ડ કર્યો હતો. ટીમ પાવરપ્લેમાં માત્ર 36 રન બનાવી શકી હતી. વિરાટ કોહલી અને રજત પાટીદારે ધીમી બેટિંગ કરી હતી. 

યુવા ખેલાડી હરપ્રીત બરારનો તરખાટ
આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા યુવા સ્પિનર હરપ્રીત બરારે શાનદાર બોલિંગ કરી બેંગલોરની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતું. પહેલા તેણે વિરાટ કોહલી (35)ને બોલ્ડ કર્યો હતો. ત્યાર પછીના બોલ પર ગ્લેન મેક્સવેલ (0) ને પણ બોલ્ડ કરી દીધો હતો. બરારે 13મી ઓવરમાં એબી ડિવિલિયર્સ (3) ને કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવી બેંગલોરની જીતની આશા સમાપ્ત કરી દીધી હતી. 

રવિ બિશ્નોઈએ બે બોલમાં બે વિકેટ ઝડપી
રજત પાટીદાર 30 બોલમાં 31 રન બનાવી આઉટ થયો હતો. તેને ક્રિસ જોર્ડને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ યુવા સ્પિનર રવિ બિશ્નોઈએ શાહબાઝ અહમદ 8ને આઉટ કરી ટીમને છઠ્ઠી સફળતા અપાવી હતી. ડેનિયલ સેમ્સ (0) પણ રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. હર્ષલ પટેલે 13 બોલમાં 31 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. જેમિસન 16 અને સિરાજ 0 રન પર અણનમ રહ્યા હતા. 

નવી ઓપનિંગ જોડી સાથે પંજાબની શરૂઆત
પંજાબ કિંગ્સે આજે નવી ઓપનિંગ જોડી સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. કેએલ રાહુલની સાથે પ્રભરિમરન ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ પંજાબનો આ દાવ નિષ્ફળ રહ્યો અને પ્રભસિમરન (7)ને જેમિસને આઉટ કર્યો હતો. પંજાબને 19 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટીમે પારવપ્લેમાં 1 વિકેટે 49 રન બનાવ્યા હતા. 

ગેલ અને રાહુલે સંભાળી ઈનિંગ
પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ આરસીબીના બન્ને પૂર્વ ખેલાડી ક્રિસ ગેલ અને કેએલ રાહુલે બીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. ક્રિસ ગેલ 26 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 46 રન બનાવી ડેનિયલ સેમ્સનો શિકાર બન્યો હતો. કેએલ રાહુલે 57 બોલમાં 5 છગ્ગા અને સાત ચોગ્ગા સાથે અમનમ 91 રન બનાવી ટીમનો સ્કોર 180ને નજીક પહોંચાડ્યો હતો. 

નિકોલન પૂરન આ સીઝનમાં ચોથી વખત શૂન્ય પર આઉટ થયો હતો. તેને જેમિસને પેવેલિયન મોકલી આપ્યો હતો. દીપક હુડ્ડા (5) શાહબાઝ અહમદની ઓવરમાં આઉટ થયો હતો. શાહરૂખ ખાન (0)ને ચહલે બોલ્ડ કર્યો હતો. અંતમાં હરપ્રીત બરારે 17 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી જેમિસને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ડેનિયલ સેમ્સ, ચહલ અને શાહબાઝને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news