IPL 2021: મેક્સવેલ-ડિવિલિયર્સના તોફાનમાં ઉડી કોલકત્તા, આરસીબીએ સતત ત્રીજી મેચ જીતી

આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શાનદાર પ્રદર્શન કરતા કોલકત્તા નાઇટ રાઇડર્સને 38 રને પરાજય આપ્યો છે. આ સાથે આરસીબીની સીઝનમાં ત્રીજી જીત છે. 

IPL 2021: મેક્સવેલ-ડિવિલિયર્સના તોફાનમાં ઉડી કોલકત્તા, આરસીબીએ સતત ત્રીજી મેચ જીતી

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનો 10મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાયો હતો. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા ગ્લેન મેક્સવેલ અને ડિવિલિયર્સની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 8 વિકેટ પર 166 રન બનાવી શકી હતી. આરસીબીનો 38 રને વિજય થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો આ સતત ત્રીજો વિજય છે. ટીમ આ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

કોલકત્તાની ઈનિંગ
205 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની ટીમને પ્રથમ ઝટકો બીજી ઓવરમાં લાગ્યો જ્યારે શુભમન ગિલ9 બોલમાં 21 રન બનાવી કાઇલ જેમિસનનો શિકાર બન્યો હતો. કોલકત્તાને બીજો ઝટકો ત્રિપાઠીના રૂપમાં લાગ્યો જે 25 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો. રાહુલ ત્રિપાઠીએ 20 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ત્યારબાદ દિનેશ કાર્તિક 2 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. કેપ્ટન મોર્ગન 21 બોલમાં 2 છગ્ગા અને એક ચોગ્ગા સાથે 29 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં આઉટ થયો હતો. શાકિબ અલ હસન 25 બોલમાં 26 રન બનાવી જેમિસનનો શિકાર બન્યો હતો. આંદ્રે રસેલ 20 બોલમાં 2 છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 21 રન બનાવી આઉટ થયો હતો. 

બેંગલોરની ઈનિંગ, મેક્સવેલ-ડિવિલિયર્સની અડધી સદી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલોર માટે દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલીએ ઈનિંગની શરૂઆત  કરી હતી. વરૂણ ચક્રવર્તીએ પોતાની પ્રથમ ઓવરના બીજા બોલ પર મોટી સફળતા અપાવી હતી. કેપ્ટન કોહલી માત્ર 5 રને આઉટ થયો. ઓવરના છેલ્લા બોલે ચક્રવર્તીએ રજત પાટીદારને બોલ્ડ કરી ટીમને બીજી સફળતા અપાવી હતી. મેક્સવેલે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 28 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પોતાના50 રન પૂરા કર્યા હતા. 

દેવદત્ત પડિક્કલ (25)ને પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો. શાનદાર ફોર્મમાં રહેલ મેક્સવેલ 49 બોલમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 78 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા પેટ કમિન્સને મળી હતી. એબી ડિવિલિયર્સે શાનદાર બેટિંગ કરતા ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. એબી 34 બોલમાં 76 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ડિવિલિયર્સે 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news