RR vs RCB: કોહલીની સદી પર ભારે પડી બટલરની સદી, રાજસ્થાને બેંગલુરૂને 6 વિકેટે હરાવ્યું

IPL 2024: આઈપીએલ-2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનું ખરાબ પ્રદર્શન યથાવત છે. આરસીબીએ પાંચ મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 
 

RR vs RCB: કોહલીની સદી પર ભારે પડી બટલરની સદી, રાજસ્થાને બેંગલુરૂને 6 વિકેટે હરાવ્યું

જયપુરઃ વિરાટ કોહલીની સદી (113*) પર જોસ બટલર (100*) ની સદી ભારે પડી છે. રાજસ્થાન રોયલ્સે જયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે રાજસ્થાને જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. જ્યારે બેંગલુરૂની પાંચ મેચમાં ચોથી હાર છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ વિરાટ કોહલીની સદીની મદદથી 20 ઓવરમાં 3 વિકેટે 183 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે જોસ બટલરની અણનમ સદીની મદદથી 19.1 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

સંજૂ સેમસન અને જોસ બટલરનો ધમાકો
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને ઈનિંગના બીજા બોલે ઝટકો લાગ્યો હતો. યશસ્વી જયસ્વાલ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ જોસ બટલર અને સંજૂ સેમસને ઈનિંગ સંભાળી હતી. બંનેએ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 54 રન સુધી પહોંચાડી દીધો હતો. સંજૂ સેમસને 42 બોલમાં 8 ચોગ્ગા અને બે સિક્સ સાથે 69 રન ફટકાર્યા હતા. બટલર અને સંજૂએ બીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી હતી. 

જોસ બટલરની આઈપીએલમાં છઠ્ઠી સદી
વિરાટ કોહલીની સદી બાદ જોસ બટલરે પણ અણનમ સદી ફટકારી દીધી હતી. બટલરે 58 બોલમાં 9 ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી અણનમ સદી ફટકારી હતી. બટલરની આ આઈપીએલ કરિયરની છઠ્ઠી સદી છે. 

વિરાટ કોહલીની રેકોર્ડ આઠમી સદી
વિરાટ કોહલી આઈપીએલ-2024માં શાનદાર ફોર્મમાં છે. કોહલીએ આજે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દમરાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. 
વિરાટ કોહલીએ 20 ઓવર સુધી બેટિંગ કરી હતી. કોહલીએ 72 બોલમાં 12 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે અણનમ 113 રન બનાવ્યા હતા. જેની મદદથી આરસીબીએ 20 ઓવરમાં 3 વિકેટે 183 રન ફટકાર્યા હતા. 

આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર
વિરાટ કોહલી- 8 સદી
ક્રિસ ગેલ- 6 સદી
જોસ બટલર- 6 સદી
કેએલ રાહુલ- 4 સદી
શેન વોટસન- 4 સદી
ડેવિડ વોર્નર- 4 સદી

કોહલી-ફાફ વચ્ચે 125 રનની ભાગીદારી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત સારી રહી હતી. વિરાટ કોહલીએ શરૂઆતથી આક્રમક બેટિંગ કરી હતી. પાવરપ્લેમાં આરસીબીએ 53 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી થઈ હતી. ફાફ ઈનિંગની 14મી ઓવરમાં આઉટ થયો હતો. ફાફે 33 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 44 રન બનાવ્યા હતા. 

ગ્લેન મેક્સવેલ માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. સૌરવ ચૌગાણ 9 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે કેમરૂન ગ્રીન 6 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 34 રન આપી બે વિકેટ ઝડપી હતી. એક સફળતા નાંદ્રે બર્ગરને મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news