પ્રો કબડ્ડી 2019: બેંગલુરૂ બુલ્સે પોતાના ઘરમાં હાર સાથે કરી શરૂઆત, ગુજરાતે 32-23થી હરાવ્યું

વીવો પ્રો-કબડ્ડી 2019મા આ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની 5મી જીત છે. આ સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. 
 

પ્રો કબડ્ડી 2019: બેંગલુરૂ બુલ્સે પોતાના ઘરમાં હાર સાથે કરી શરૂઆત, ગુજરાતે 32-23થી હરાવ્યું

બેંગલુરૂઃ પ્રો કબડ્ડી 2019મી 67મી મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે ઘરેલૂ ટીમ બેંગલુરૂ બુલ્સને 32-23થી પરાજય આપ્યો છે. ગુજરાતે આ સિઝનમાં સતત બીજી મેચમાં બેંગલુરૂ બુલ્સને પરાજય આપ્યો છે. ગુજરાતની ટીમ 30 પોઈન્ટની સાથે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઈ છે. બીજીતરફ બુલ્સ હજુ પણ 5મા સ્થાને છે. 

પ્રથમ હાફ બાદ ગુજરાતે 18-12થી લીડ મેળવી લીધી હતી. શરૂઆત ઘરેલૂ ટીમ બેંગલુરૂ બુલ્સે સારી કરી, પરંતુ ટીમે 3 પોઈન્ટ એક્સ્ટ્રાના રૂપમાં ગુજરાતને આપીને તેને મેચમાં પકડ બનાવવાની તક આપી હતી. ત્યારબાદ ગુજરાતના ડિફેન્સે રોહિત કુમાર અને પવન સહરાવતને સતત આઉટ કર્યા અને મેચની 14મી મિનિટે બુલ્સને ઓલઆઉટ કરી દીધું હતું. બુલ્સ માટે માત્ર ડિફેન્ડર સૌરભ નંદલે પ્રભાવિત કર્યા અને પોતાના હાઈ 5 પૂરા કર્યાં હતા. 

બીજા હાફમાં બંન્ને ટીમોના ડિફેન્સની બોલબાલા જોવા મળી હતી. બુલ્સે જ્યાં બે સુપર ટેકલના દમ પર ટીમને વાપસી જરૂર કરાવી પરંતુ પવન સહરાવત અને રોહિત કુમાર પણ ટીમને રેડમાં પોઈન્ટ અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. તેનો ફાયદો ગુજરાતને થયો અને તેણે જે લીડ બનાવી, તેને જાળવી રાખી અને અંતમાં આ મેચ પોતાના નામે કરી હતી. બુલ્સ મેચની અંતિમ રેડમાં ઓલઆઉટ થયું અને તેને એકપણ પોઈન્ટ ન મળ્યો હતો. 

આ મેચમાં બેંગલુરૂ બુલ્સ માટે સૌરભ નંદલે 8 ટેકલ પોઈન્ટ લીધા, તો ગુજરાત માટે સુનીલ (3) અને પરવેશ (4)એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત કુમાર અને પવન સહરાવતને આ મેચમાં માત્ર 3-3 પોઈન્ટ મળ્યા હતા. 

બેંગુલુરૂનો આગામી મુકાબલો 1 સપ્ટેમ્બરે તમિલ થલાઇવાઝ વિરુદ્ધ બેંગલોરમાં હશે. તો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની આગામી મેચ 7 સપ્ટેમ્બરે બંગાલ વોરિયર્સ વિરુદ્ધ કોલકત્તામાં હશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news