IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સને મળી સતત પાંચમી હાર, રોમાંચક મેચમાં પંજાબની 12 રને જીત

MI vs PBKS: આઈપીએલ-2022માં મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સે ટીમની પ્રથમ જીત માટે હજુ રાહ જોવી પડશે. પંજાબે રોમાંચક મેચમાં મુંબઈને 12 રને પરાજય આપ્યો છે. આ સાથે મુંબઈએ સતત પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સને મળી સતત પાંચમી હાર, રોમાંચક મેચમાં પંજાબની 12 રને જીત

પુણેઃ આઈપીએલ-2022માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી છે. રોહિત શર્માની ટીમે સતત પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે પુણેમાં રમાયેલી આઈપીએલ-2022ની 23મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મેચમાં 12 રને પરાજય આપ્યો છે. મુંબઈ માટે બોલિંગ અને બેટિંગ ચિંતાનો વિષય છે. તો પંજાબની ટીમ સીઝનની ત્રીજી જીત મેળવવામાં સફળ રહી છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 198 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 186 રન બનાવી શકી હતી. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. 

રોહિત શર્મા અને ઈશન કિશન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે. રોહિત સતત પાંચ મેચથી એકપણ મોટી ઈનિંગ રમી શક્યો નથી. તો ઈશાન કિશન પણ પ્રથમ મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ સતત ફ્લોપ રહ્યો હતો. આજે પણ પાંચમી ઓવરમાં મુંબઈના બંને ઓપનરો આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા 17 બોલમાં 3 ફોર અને બે સિક્સ સાથે 28 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. તો ઈશાન કિશન 3 રન બનાવી વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. મુંબઈએ પાવરપ્લેમાં 2 વિકેટે 42 રન બનાવ્યા હતા. 

બેબી એબીએ દેખાડી પોતાની ઝલક
સાઉથ આફ્રિકાના યુવા બેટર ડેવલ્ડ બ્રેવિસે પોતાની ઝલક દેખાડી હતી. બેબી એબીના નામથી જાણીતા આ યુવા બેટરે રાહુલ ચાહરની ઓવરમાં સતત ચાર બોલમાં ચાર સિક્સ ફટકારી હતી. બ્રેવિસ 25 બોલમાં 5 સિક્સ અને 4 ચોગ્ગા સાથે 49 રન બનાવી આઉટ થયો હતો. તે ઓડીયન સ્મિથનો શિકાર બન્યો હતો. તો તિલક વર્મા 20 બોલમાં 36 રન બનાવી રનઆઉટ થયો હતો. પોલાર્ડ પણ આ સીઝનમાં પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. પોલાર્ડ 11 રન બનાવી રનઆઉટ થયો હતો. 

સૂર્યકુમાર યાદવે મુંબઈની જીત અપાવવા માટે પ્રયાસ કર્યો પરંતુ તેનો પ્રયત્ન કામ લાગ્યો નહીં. સૂર્યકુમાર યાદવ 30 બોલમાં 43 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યાએ પોતાની ઈનિંગમાં 4 છગ્ગા ફટકાર્યા હતા. જયદેવ ઉનડકટ 12 રન બનાવી આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહ અને ટાઈમલ મિલ્સ શૂન્ય-શૂન્ય રને આઉટ થયા હતા. 

પંજાબ તરફથી ઓડીયન સ્મિથે 3 ઓવરમાં 30 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. તો રબાડાને બે અને વૈભવ અરોરાને એક સફળતા મળી હતી. 

પંજાબ કિંગ્સના બંને ઓપનરોની અડધી સદી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને કેપ્ટન મયંક અગ્રવાલ અને શિખર ધવને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. મયંકે પ્રથમ જ ઓવરમાં આક્રમક શોટ્સ ફટકારવાનું શરૂ કરી દીધુ હતું. બંનેએ પાવરપ્લેમાં વિના વિકેટે 65 રન જોડ્યા હતા. બંને ઓપનરો વચ્ચે 97 રનની ભાગીદારી થઈ હતી. મયંક અગ્રવાલે આઈપીએલ-2022માં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. મયંક 32 બોલમાં 2 સિક્સ અને છ ચોગ્ગા સાથે 52 રન બનાવી આઉટ થયો હતો. તો શિખર ધવન 50 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 70 રન બનાવી આઉટ થયો હતો. 

તો ઈંગ્લેન્ડના સ્ટાર બેટર્સ જોની બેયરસ્ટો અનો લિયામ લિવિંગસ્ટોન બંને ફ્લોપ રહ્યા હતા. બેયરસ્ટો 12 અને લિવિંગસ્ટોન 2 રન બનાવી આઉટ થયા હતા. બેયરસ્ટોને ઉનડકટે અને બેયરસ્ટોને જસપ્રીત બુમરાહે બોલ્ડ કર્યા હતા. શાહરૂખ ખાન બે છગ્ગા સાથે 6 બોલમાં 15 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં જિતેશ શર્માએ 15 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે અણનમ 30 રન બનાવી પંજાબનો સ્કોર 195ને પાર પહોંચાડ્યો હતો. 

મુંબઈ તરફથી બાસિલ થંપીએ 4 ઓવરમાં 47 રન આપી બે વિકેટ ઝડપી હતી. તો જસપ્રીત બુમરાહ, મુરૂગન અશ્વિન અને ઉનડકટને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news