IPL 2022: મુંબઈનો 5 વિકેટે વિજય, ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર

MI vs CSK: આઈપીએલ-2020ની સીઝન બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ 2022ની સીઝનમાં પણ પ્લેઓફમાં પહોંચશે નહીં. આજે મુંબઈ સામે પરાજયની સાથે ચેન્નઈની પ્લેઓફમાં પહોંચવાની તમામ આશા સમાપ્ત થઈ ગઈ છે. 
 

IPL 2022: મુંબઈનો 5 વિકેટે વિજય, ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર

નવી દિલ્હીઃ ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ-2022માંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. આજે મુંબઈના વાનખેડેમાં આઈપીએલ-2022ના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ પરાજયની સાથે ચેન્નઈની પ્લેઓફમાં પહોંચવાની તમામ સંભાવનાઓ સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 16 ઓવરમાં માત્ર 97 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં મુંબઈએ 14.5 ઓવરમાં 5 વિકેટે 103 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ચેન્નઈનો 12 મેચમાં આ આઠમો પરાજય છે. એટલે કે મુંબઈ ઈન્ડિયન્સ બાદ ચેન્નઈ આઈપીએલ-2022માં આઉટ થનારી બીજી ટીમ બની ગઈ છે. 

પાવરપ્લેમાં ચેન્નઈનો ધબડકો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈને ઈનિંગના બીજા બોલ પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડેવોન કોનવે શૂન્ય રન બનાવી સેમ્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મોઇન અલી (0) રને સેમ્સની ઓવરમાં કેચઆઉટ થયો હતો. ઈનિંગની બીજી ઓવરમાં બુમરાહે ઉથપ્પા (1) ને આઉટ કરી ચેન્નઈને ત્રીજો ઝટકો આપ્યો હતો. ટીમનો સ્કોર 17 રન હતો ત્યારે રુતુરાજ ગાયકવાડ (7) રને સેમ્સની ઓવરમાં કિશનને કેચ આપી બેઠો હતો. રાયડૂ (10) રન બનાવી મેરેડિથનો શિકાર બન્યો હતો. ચેન્નઈએ 29 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. 

ધોનીએ અણનમ 36 રન બનાવ્યા
ચેન્નઈ તરફથી એમએસ ધોનીએ 33 બોલમાં ચાર ફોર અને બે સિક્સ સાથે અણનમ 36 રન બનાવ્યા હતા. શિવમ દુબે 10 રન બનાવી રિયલી મેરેડિથનો શિકાર બન્યો હતો. બ્રાવોએ 12 રનનું યોગદાન આપ્યું હતું. સિમરજીત 2, તીક્ષ્ણા 0 અને મુકેશ ચૌધરી 4 રન બનાવી આઉટ થયો હતો. 

મુંબઈની ઈનિંગનો રોમાંચ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈને ઈશાન કિશન (6) ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ડેનિયલ સેમ્સ માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. આ બંને સફળતા મુકેશ ચૌધરીને મળી હતી. ત્યારબાદ ચૌધરીએ સ્ટબ્સને આઉટ કરી ચેન્નઈને વધુ એક સફળતા અપાવી હતી. રોહિત શર્મા 18 રન બનાવી આઉટ થયો હતો. 

તીલક વર્મા 32 બોલમાં 4 ફોર સાથે 34 રન બનાવી અણનમ રહ્યો હતો. ટિમ ડેવિડે 7 બોલમાં બે સિક્સ સાથે 16 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી મુકેશ ચૌધરીએ 17 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય સિમરજીત સિંહ અને મોઇન અલીને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news