IND vs NZ: વનડે સિરીઝ ગુમાવ્યા બાદ ટી20માં ન્યૂઝીલેન્ડની વાપસી, ભારતને 21 રને આપ્યો પરાજય
India vs New Zealand: રાંચીમાં રમાયેલી ત્રણ મેચની પ્રથમ ટી20 મેચમાં કીવી ટીમે ભારતને હરાવી દીધુ છે. ન્યૂઝીલેન્ડ તરફથી કોનવે અને મિચેલે શાનદાર અડધી સદી ફટકારી હતી. તો બોલિંગમાં કેપ્ટન મિચેલ સેન્ટનરનો જાદૂ જોવા મળ્યો હતો.
Trending Photos
રાંચીઃ વનડે સિરીઝ 3-0થી ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડે ટી20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે યજમાન ભારતીય ટીમને 21 રને હરાવી ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવી શકી હતી. હવે સિરીઝની બીજી ટી20 મેચ લખનઉમાં 29 જાન્યુઆરીએ રમાશે.
પાવરપ્લેમાં ભારતનો ધબડકો
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 10 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશન (4) રન બનાવી બ્રેસવેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી 6 બોલનો સામનો કરી ખાતુ ખોલાવ્યા વિના ડફીની ઓવરમાં આઉટ થયો હતો. ઓપનર શુભમન ગિલ (7) ને સેન્ટનરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ભારતે 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
શરૂઆતી ઝટકા બાદ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ઈનિંગને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 68 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતનો સ્કોર 83 રન હતો ત્યારે સૂર્યકુમાર યાદવ 47 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યાએ 34 બોલમાં છ ફોર અને બે સિક્સ ફટકારી હતી. હાર્દિક પંડ્યા 21 રન બનાવી આઉટ થયો હતો. દીપક હુડ્ડા 10 રન બનાવી સેન્ટનરની ઓવરમાં સ્ટમ્પ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી સેન્ટનર, બ્રેસવેલ અને લોકી ફર્ગ્યુસનને બે-બે સફળતા મળી હતી.
વોશિંગટન સુંદરે દેખાડ્યો દમ
અંતિમ ઓવરોમાં ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરે શાનદાર બેટિંગ કરી હતી. સુંદરે પોતાના ટી20 કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. 5 ફોર અને ત્રણ સિક્સની મદદથી માત્ર 25 બોલમાં સુંદરે આક્રમક અડધી સદી પૂરી કરી હતી. સુંદર 27 બોલમાં 50 રન બનાવી આઉટ થયો હતો. કુલદીપ યાદવ (0) રન બનાવી આઉટ થયો હતો. સુંદર અને કુલદીપની વિકેટ ફર્ગ્યુસનને મળી હતી.
ન્યૂઝીલેન્ડને કરી સારી શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને ડેવોન કોનવે અને ફિન એલેને સારી શરૂઆત અપાવી હતી. એલેને પ્રથમ ઓવરથી આક્રમક બેટિંગ કરી હતી. બંને ઓપનરોએ 43 રનની ભાગીદારી કરી હતી. ફિન એલેન 23 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 35 રન બનાવી આઉટ થયો હતો. માર્ક ચેપમેન 0 રને આઉટ થયો હતો. આ બંને સફળતા વોશિંગટન સુંદરને મળી હતી. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા.
કોનવેની અડધી સદી
બે વિકેટ ગુમાવ્યા બાદ ડેવોન કોનવે અને ગ્લેન ફિલિપ્સે ન્યૂઝીલેન્ડની ઈનિંગ આગળ વધારી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. ફિલિપ્સ માત્ર 17 રન બનાવી આઉટ થયો હતો. તો ડેવોન કોનવેએ 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 52 રન બનાવ્યા હતા. કોનવે અર્શદીપનો શિકાર બન્યો હતો. બ્રેસવેલ માત્ર 1 રન બનાવી રન આઉટ થયો હતો.
એક સમયે ન્યૂઝીલેન્ડની ટીમ થોડી મુશ્કેલીમાં લાગી રહી હતી. પરંતુ અંતિમ ઓવરોમાં ડેરેલ મિચેલે આક્રમક બેટિંગ કરી મહેમાન ટીમનો સ્કોર 170ને પાર પહોંચાડ્યો હતો. મિચેલે 30 બોલમાં 5 સિક્સ અને 3 ચોગ્ગા સાથે અણનમ 59 રન ફટકાર્યા હતા. સેન્ટનર 5 બોલમાં 7 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી વોશિંગટન સુંદરે 4 ઓવરમાં 22 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને શિવમ માવીએ એક-એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે