વિમ્બલ્ડનની સૌથી લાંબી ફાઇનલ, જોકોવિચે પાંચ કલાક સુધી ચાલેલા મુકાબલામાં ફેડરરને હરાવ્યો

આ જોકોવિચનું પાંચમું વિમ્બલ્ડન ટાઇટલ છે. આ જીતની સાથે તેણે સ્વીડનના બ્યોર્ન બોર્ગના 5 વિમ્બલ્ડન જીતવાના ટાઇટલની બરોબરી કરી લીધી છે.  

Updated By: Jul 15, 2019, 01:13 AM IST
 વિમ્બલ્ડનની સૌથી લાંબી ફાઇનલ, જોકોવિચે પાંચ કલાક સુધી ચાલેલા મુકાબલામાં ફેડરરને હરાવ્યો

લંડનઃ વિમ્બલ્ડન પુરૂષ સિંગલ્સ ફાઇનલમાં સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે રોજર ફેડરરને પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં પરાજય આપ્યો છે. બંન્ને વચ્ચે મેચ 4 કલાક 57 મિનિટ સુધી ચાલી હતી. તેમાં માત્ર પાંચમો સેટ આશરે 2 કલાક સુધી ચાલ્યો હતો. બંન્ને ખેલાડીઓ વચ્ચે મુકાબલો ટક્કરનો રહ્યો હતો. જોકોવિચે પ્રથમ સેટ 7-6થી જીત્યા બાદ બીજો સેટ 1-6થી ગુમાવ્યો હતો. ત્યારબાદ ત્રીજો સેટ 7-6થી જીત્યો અને ચોથો સેટ 4-6થી હારી ગયો હતો. પાંચમો અને અંતિમ સેટમાં આખરે મેચ ટાઇબ્રેકરમાં પહોંચી અને તેણે ફેડરરને 13-12 (7-6)થી પરાજય આપ્યો હતો. 

ફેડરર પર ભારે પડ્યો છે જોકોવિચ
આ જોકોવિચનું પાંચમું વિમ્બલ્ડન ટાઇટલ છે. આ જીતની સાથે તેણે સ્વીડનના બ્યોર્ન બોર્ગના 5 વિમ્બલ્ડન જીતવાના ટાઇટલની બરોબરી કરી લીધી છે. ગત વર્ષે પણ તે વિજેતા બન્યો હતો. વિમ્બલ્ડનમાં અત્યાર સુધી બંન્ને વચ્ચે પાંચ મુકાબલા રમાયા છે. તેમાં જોકોવિચે ફેડરરને ચાર વખત હરાવ્યો છે. સર્બિયાઈ ખેલાડીએ 2014 અને 2015 વિમ્બલ્ડન ફાઇનલમાં ફેડરરને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 2012 વિમ્બલ્ડન સેમિફાઇનલમાં ફેડરરને એકમાત્ર જીત મળી હતી. 

જોકોવિડની 16મી ગ્રાન્ડસ્લેમ જીત
આ જોકોવિચનું 16મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. પરંતુ વિશ્વમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાના મામલામાં 20 ટાઇટલની સાથે ફેડરર ટોપ પર છે. ફેડરરે 8 વિમ્બલ્ડન, 6 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 યૂએસ ઓપન અને એક વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. તો જોકોવિચે સૌથી વધુ 7 ઓસ્ટ્રેલિયન ઓપન, 4 વિમ્બલ્ડન, 3 યૂએસ ઓપન અને એક ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ કબજે કર્યું છે.